________________
માણસ ઘર એવું પસંદ કરે છે કે જ્યાં એક બારીમાંથી પવન આવતો હોય અને બીજી બારીમાંથી પવન રવાના થતો હોય, માણસ રસ્તો એવો પસંદ કરે છે કે જ્યાં એક બાજુથી પ્રવેશ થઈ શકતો હોય અને બીજી બાજુથી નીકળી શકાતું હોય, પરંતુ માણસ જ્યારે સંપત્તિની બાબતમાં સાવ વિપરીત અભિગમ જ - પૈસો આવવો જોઈએ, જવો તો ન જ જોઈએ - અપનાવી બેસે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૨૫
મને શ્રીમંત એવો જ ગમે કે જે ઉદાર હોય, મને શક્તિશાળી એવો જ ગમે કે જે નમ્ર હોય, મને બુદ્ધિશાળી એવો જ ગમે કે જે સરળ હોય, મને રૂપવાન એવો જ ગમે કે જે સદાચારી હોય, મને સામર્થ્યવાન એવો જ ગમે કે જે દયાળુ હોય. ટૂંકમાં, મને ગુણવાન હોય એવો જ પુણ્યવાન ગમે પણ મારા ખુદના જીવનને જ્યારે મેં તપાસ્યું ત્યારે મને ખ્યાલ આવ્યો કે મને માત્ર પુણ્ય જ ગમે છે, ગુણો નથી જ ગમતા. મારી આવી વૃત્તિ જોવા મળે છે જ્યારે, ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
‘જે વાત તમે તમારા મિત્રને ખુલ્લા દિલે કરો છો એ જ વાત તમે તમારા દુશ્મનને પણ કરો કારણ કે આજનો દુશ્મન આવતી કાલે તમારો મિત્ર બની જાય એવી પૂરી શક્યતા છે’ પ્રવચનમાં આ વાત સાંભળીને હર્ષિત થઈ જતો માણસ જ્યારે પોતાના દુશ્મનને જે વાત નથી કરતો એ વાત પોતાના મિત્રને પણ - આવતી કાલે એ મારો દુશ્મન તો નહીં બની જાય ને ? - એ ભયે કરવાનું ટાળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય