________________
પ્રસન્નતા અનુભવવા માટે માણસે મકાન બદલ્યું, પ્રસન્નતા અનુભવવામાં અને સફળતા ન મળી. ગાડી બદલી, મિત્રો બદલ્યા, સ્થાન બદલ્યું, વસ્ત્રો બદલ્યા, ભોજન બદલ્યું, અરે, બેવકૂફીની હદ તો ત્યારે આવી ગઈ કે જ્યારે એણે પત્ની પણ બદલી નાખી. છતાં પ્રસન્નતા એની અનુભૂતિનો વિષય ન જ બની. આ કટુ અનુભવો પછી ય માણસ જ્યારે પોતાના મનનો અભિગમ બદલવા તૈયાર થતો નથી ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
૧૯
જે તમાકુને ગધેડા જેવો ગધેડો પણ ખાવા તૈયાર થતો નથી, જે દારૂને કીડી જેવી કીડી પણ પીવા તૈયાર થતી નથી, માંસના જે ટુકડાને કબૂતર જેવું કબૂતર પણ ખાવા તૈયાર થતું નથી એ તમાકુનું આડેધડ સેવન કરી રહેલ માણસ જ્યારે જોવા મળે છે, એ દારૂને અને એ માંસને હોંશે હોંશે પોતાના પેટમાં પધરાવી રહેલ માણસ જ્યારે જોવા મળે છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.
એક જ નાનકડા ધર્મના ઉત્સાહપૂર્વકના સેવનમાં જિંદગીભર કરેલાં પાપોના ફળને ખતમ કરી નાખવાની પ્રચંડ તાકાત ધરબાયેલી છે આવું સાંભળીને રાજીનો રેડ થઈ જતો માણસ જ્યારે “એક જ વખતના રસપૂર્વકના પાપસેવનમાં જિંદગીભર સેવેલા ધર્મના ફળને ખતમ કરી નાખવાની પાશવી તાકાત ધરબાયેલી છે” આવું સાંભળતા વ્યથિત થઈ જાય છે ત્યારે સાચે જ સ્તબ્ધ થઈ જવાય છે.