________________
જોઈએ એ એની માગ છે. ભરત બનવામાં એને તકલીફ નથી, પણ પિતાજીએ દશરથ બનવું જ જોઈએ એ એનો આગ્રહ છે.
ટૂંકમાં, મોટો ભાઈ દુર્યોધાન બનતો હોય તો રામ બનવાની એની કોઈ તૈયારી નથી. મોટા ભાઈની પત્ની જો મંથરા બનતી હોય તો પોતાની પત્નીને સીતા બનાવવાની એની કોઈ જ તૈયારી નથી, પપ્પા પોતાની મર્યાદામાં રહીને પુત્ર પ્રત્યેની ફરજો બરાબર બજાવતા હોય તો પપ્પાં પ્રત્યેની પુત્ર તરીકેની ફરજો બજાવવામાં એને કોઈ જ વાંધો નથી, મનના આ અભિગમનું કરવું શું ? સારા રહેવાની એની તૈયારી છે પણ સામો સારો રહેતો હોય તો જ !
દર્શન, મનના વલણની તેં લખેલી વાત બરાબર છે પણ એ વલણને બહુ વજન આપવા જેવું નથી; કારણ કે પૈસા લઈન વસ્તુ આપતો વેપારી જેમ કાંઈ પરાક્રમ નથી કરતો તેમ ક્ષમાની સામે ક્ષમા પર પસંદગી ઉતારતું મન કાંઈ નવું નથી કરતું. હા, આવું વલણ કદાચ બજારની દુનિયામાં બરાબર ગણાતું હશે પણ આત્મીય સંબંધોના જગતમાં તો આ વલણ ધાતક જ પુરવાર થાય છે. મનના આ વલણમાં સંમત થવાની તારા અંતઃકરણને સ્પષ્ટ ના પાડી દેજે.
એક મહત્ત્વની વાત તને જણાવું? અંગ્રેજીમાં બે વાક્યો આવે છે. એમાંનું એક વાક્ય છે : / LIKE YOU અને બીજું વાક્ય છે I LOVE YOU. વેપારીને ઘરાક ગમતો હોય છે પણ વેપારી ઘરાકને ચાહતો નથી હોતો જ્યારે બાપને દીકરો ગમતો પણ હોય છે અને બાપ દીકરાને ચાહતો પણ હોય છે.
LIKEમાં વાત આવે છે ગમવાની જ્યારે LovEમાં વાત આવે છે ચાહવાની. મનના જે વલણની વાત તેં લખી છે એ LIKEમાં બરાબર છે પણ LOVEમાં તો સર્વથા અનુચિત છે. તારી મમ્મી-પપ્પા સાથેનો સંબંધ LIKEનો નથી LOVEનો છે, ગમવાનો નથી, ચાહવાનો છે, મારું આ અનુમાન છે. એ છે તો બરાબર ને? તું લખજે. પછી આગળ શું કરવું એ હું તને જણાવું છું.
મહારાજસાહેબ,
મમ્મી-પપ્પા સાથેનો સંબંધ કેવળ ગમવા સુધી જ સીમિત ન રહેતાં ચાહવા સુધીનો જ હોય એ અંગે આપે અનુમાન કરવાની કાંઈ જ જરૂર નથી. એ હકીકત જ છે. પણ ‘ગમવા’ અને ‘ચાહવા’માં શું એટલો બધો તફાવત છે કે જે આપણી જીવનવ્યવસ્થાને ફેરવી નાખે?
દર્શન, “ગમી જવું એ કાર્ય બુદ્ધિનું છે જ્યારે ચાહી પડવું' એ કાર્ય હૃદયનું છે. *ગમી જવું'ની ભૂમિકા સંયોગાધીન હોય છે, અલ્પકાલીન હોય છે, સ્થળસાપેક્ષ હોય છે, કારણ હોય છે. એમ તો રસ્તામાં તને દાંત ખોતરવાની એક સળી મળી જાય છે અને તારી આંખને એ ગમી જાય છે, તો તું હાથમાં એ ઉઠાવે પણ છે, એનાથી તું દાંત ખોતરી પણ લે છે, બસ, કાર્ય સમાપ્ત થતાં જ તું એને ફેંકી દે છે.
આ શું ? ગમી જવાની ભૂમિકા, પણ ચાહવાની ભૂમિકા તો શિખર પરની ભૂમિકા છે. ત્યાં સ્વાર્થપુષ્ટિનું કોઈ ચલણ નથી હોતું, ઉપયોગિતાનો કોઈ પ્રશ્ન નથી હોતો, સંયોગ, સ્થળ કે સમયની પરવશતા નથી હોતી; ત્યાં કેન્દ્રસ્થાને એક જ વાત હોય છે, હૃદયની ઊર્મિઓ, લાગણીની વણઝાર, સંવેદનાની અનુભૂતિ.
તને સમજાય એ ભાષામાં કહું તો તારા ઘરમાં રહેલો નોકર તારે માટે ‘ગમવા'ની ભૂમિકામાં હોય છે જ્યારે મમ્મી-પપ્પા ‘ચાહવા'ની ભૂમિકામાં હોય છે. નોકરને તું ભલે મહિનાના ૧૨00 આપતો હોય અને તારા પપ્પાને ૧૨0 આપતો હોય પણ તારું મન બિલકુલ સ્પષ્ટ છે કે નોકર કામ કરે છે માટે હું એને પગાર આપું છું જ્યારે પપ્પા તો મારા ઉપકારી છે. એમને ૧૨૦૦ તો શું, ૧૨,000 આપું તોય ઓછા છે.
દર્શન, લખી રાખજે તારા દિલની દીવાલ પર કે જ્યાં કેવળ ગમવાની જ ભૂમિકા હોય છે ત્યાં શાંતિ, પ્રસન્નતા, સ્વસ્થતા કે સમાધાન જે પણ હોય છે એ અલ્પકાલીન જ હોય છે જ્યારે જ્યાં ચાહવાની ભૂમિકા હોય છે ત્યાં શાંતિ, પ્રસન્નતા, સ્વસ્થતા કે સમાધાન જે પણ હોય છે એ ચિરકાલીન તો હોય છે જ પણ સાથોસાથ આનંદદાયક પણ હોય છે.