________________
વિરુદ્ધનું કાંઈ પણ વર્તન જ્યારે થઈ જાય છે, પપ્પા તરત જ એની તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરવા લાગે છે. ત્યારે નથી મારો કાંઈ ખુલાસો સાંભળતા. આવું જ બને છે. મારી પત્નીની બાબતમાં. મમ્મીની એના એના દ્વારા મામૂલી પણ અવગણના થઈ જાય છે ત્યારે મમ્મી પળની રાહ જોયા વિના આવેશમાં આવીને એના પર તૂટી જ પડે છે. યુવાનીના કારણે અમારું લોહી ગરમ હોય એ તો સમજાય છે પણ આટલી પાકવયે પણ મમ્મી-પપ્પા ઠરેલાં ન બને એ તો શું ચાલે ? આપશો આપ આનો જવાબ ?
દર્શન, લાગે છે કે મારા ગત પત્રના લખાણે તારી દુઃખતી નસ દબાવી દીધી છે. તેં પુછાયેલા પ્રશ્નમાં સિવાય આક્રોશ, બીજું કાંઈ જ દેખાતું નથી. છતાં તેં જ્યારે પ્રશ્ન પૂછી જ લીધો છે તો સાંભળ એનો જવાબ.
પ્રતિક્રિયા તાત્કાલિક વ્યક્ત ન કરવાની જવાબદારી બન્નેએ નિભાવવાની છે, આશ્રિતોએ પણ અને વડીલોએ પણ ! દીકરાઓએ પણ અને પપ્પાઓએ પણ ! વહુઓએ પણ અને સાસુઓએ પણ ! છતાં બને છે એવું કે વડીલો પ્રતિક્રિયા જલદી વ્યક્ત કરી દેતા હોય છે અને એમાંય પોતાના માનેલા તરફથી જ્યારે આવું વર્તન થતું હોય છે ત્યારે તો ખાસ !
તને ખ્યાલ છે ? અન્યાયનો, અપમાનનો કે સંતાપનો અજંપો, જ્યારે અસહ્ય બની જતો હોય છે ત્યારે ભલભલો સમજુ માણસ પણ અકાર્ય આચરી બેસતો હોય છે. કાં તો એના મનમાં ચકરાવા લેતી હતાશા એને આપઘાતના માર્ગે જવા મજબૂર કરી દેતી હોય છે અને કાં તો એના મનમાં પ્રગટી ગયેલો સામી વ્યક્તિ પ્રત્યેના વૈરનો તણખો આગનો ભડકો બનીને એ વ્યક્તિને ખતમ કરી નાખવા સુધી તત્પર બની જતો હોય છે.
આ વાસ્તવિક્તાને તું મામૂલી ન માનીશ. બને એવું કે તેં પુછાવેલો પ્રશ્ન એ તારો અને તારી પત્નીનો રોજનો અનુભવ હોય, મમ્મી-પપ્પાની વ્યક્ત થતી તીખી પ્રતિક્રિયા તમને બન્નેને સતત અકળાવતી હોય, તોય તને કહું છું. તું આવેશમાં તો ન આવતો પણ મમ્મી-પપ્પા પ્રત્યેના તારા અને તારી પત્નીના વર્તાવનું ખાસ નિરીક્ષણ કરજે. એ તીખી પ્રતિક્રિયાનું કારણ તને કદાચ એમાં જ જોવા મળી જાય.
મહારાજસાહેબ,
આપ તો ગજબ કરી રહ્યા છો. આરોપીના પિંજરામાં આપ મને જ ઊભો કરી દો છો. ભૂલ મારી છે કે મમ્મી-પપ્પાની એ જાણવાની આપ તસ્દી પણ નથી લેતા. કાંઈ કારણ છે આની પાછળ ? મમ્મી-પપ્પા જ સહાનુભૂતિને પાત્ર ? મારા પશે કે મારી પત્નીના પક્ષે એક માર્ક પણ નહીં ?
દર્શન, તારા પ્રશ્નનો જવાબ આપું એ પહેલાં હમણાં થોડોક વખત પહેલાં જ મુંબઈના એક વૈભવી વિસ્તારમાં બની ગયેલો કરુણ પ્રસંગ તું જાણી લે. કદાચ એ જાણી લેવા માત્રથી તારા પ્રશ્નનું સમાધાન થઈ જાય. તોતિંગ ઇમારતના આઠમા મજલેથી ૭૫ વરસના એક વૃદ્ધ પુરુષે અને ૭૨ વરસની એમની વૃદ્ધ પત્નીએ નીચે પડતું મેલીને પોતાનાં જીવન ટૂંકાવી દીધાં.
પ્રેમમાં મળતી નિષ્ફળતા બદલ યુવક-યુવતીના થઈ રહેલા આપઘાતના સમાચાર મુંબઈ માટે કદાચ રોજના છે. સાસુના ત્રાસથી પોતાના શરીર પર કેરોસીન છાંટીને સળગી ગયેલી વહુની વિદાયના સમાચારથી મુંબઈ ટેવાઈ ગયું છે, પણ વૃદ્ધ દંપતીનો આ આપઘાત મુંબઈ માટે નવો હતો.
લગભગ દોઢથી પોણા બે કરોડની કિંમતના ફલૅટમાં રહેતા એ દંપતી કોઈ એવા અસાધ્ય રોગથી પીડાતાં નહોતાં કે જેનાથી કંટાળી જઈને એમને આવું અંતિમ પગલું ભરવું પડે, પણ દંપતીને જમીન પર પટકાતાંની સાથે જ પ્રાણપંખેરું ઊડી ગયું. લોક ભેગું થઈ ગયું. પોલીસ આવી ગઈ. વૃદ્ધ પુરુષનાં ખીસાં તપાસ્યાં. અંગ્રેજી ભાષામાં લખેલી એક ચિઠ્ઠી એમાંથી નીકળી. લખ્યું હતું એમાં કે ‘પુત્ર અને પુત્રવધૂ તરફથી થઈ રહેલા ત્રાસથી કંટાળી જઈને અમે આ પગલું ભર્યું છે.'
દર્શન, સમજાય છે આમાં તને કાંઈ ? દીકરા માટે જે બાપ જિંદગીભર છત્ર બનીને આકાશની જેમ ઊભો રહ્યો અને જે મા ધરતી બનવા દ્વારા સતત આધાર બની રહી એ જ દીકરા તરફથી અને એ દીકરાની પત્ની તરફથી આ મા-બાપનાં કેવાં અપમાનો થઈ રહ્યાં હશે કે એમને છેક જ આવું અંતિમ પગલું ભરવા ઉશ્કેર્યા હશે?
શું કહું તને? મુંબઈનાં વર્તમાનપત્રોમાં બીજે દિવસે આ સમાચાર ચમક્યા તો ખરા પણ