________________
ટૂંકમાં, સદગુણો ચાહે કોઈ પણ વિષયક હોય એ સામી વ્યક્તિમાં હોવા જોઈએ. આ માગ છે બુદ્ધિની.
બસ, જે પણ વ્યક્તિ બુદ્ધિની આ માગને સંતોષવા પ્રયત્નો કરે છે, ખુદના જીવનમાં આ ગુણોની પ્રતિષ્ઠા કર્યા વિના સામી વ્યક્તિના જીવનમાં એ ગુણો શોધવા નીકળી પડે છે એ વ્યક્તિ જાયે-અજાણ્યે પણ પોતાના મનની પ્રસન્નતાની સ્મશાનયાત્રાની તૈયારી કરી બેસતી હોય છે. સાવધાન !
દર્શન,
તારા પત્રે મારી આંખમાં ઝળઝળિયાં લાવી દીધાં. રૂમાલની ગાંઠ ખોલી નાખવા તૈયાર થઈ જવામાં કોઈ જ પરાક્રમ નથી પણ પ્રચંડ પરાક્રમ દાખવ્યા વિના હૃદયમાં પડી ગયેલી વ્યક્તિઓ પ્રત્યેની ગાંઠો ખોલી શકાતી નથી. આવું પરાક્રમ દાખવવા બદલ મારા તને લાખ લાખ ધન્યવાદ છે.
એટલું જ કહીશ તને કે ભવિષ્યમાં આવી ગાંઠ ન પડે એ અંગે ખૂબ સાવધ રહેજે; કારણ કે મન અને હૃદય વચ્ચેના યુદ્ધમાં કોઈ કાયમી વિજેતા હોતું જ નથી. આજે વિજેતા બની જતું હૃદય આવતી કાલે પરાજિત પણ બની શકે છે તો આજે હૃદય પર વિજય મેળવવા સફળ બનેલી બુદ્ધિ આવતી કાલે હૃદય પાસે સામે ચડીને હાર પણ સ્વીકારી લે છે.
ટૂંકમાં,
સાવધગીરી સતત અપેક્ષિત છે, જાગૃતિ સતત જરૂરી છે. અલબત્ત, સમજણને જો ગણિતના નિયમની જેમ હૃદયમાં પ્રતિષ્ઠિત કરી દેવામાં આવે છે તો પછી એ સમજણ ગમે તેવી વિષમ પરિસ્થિતિમાં પણ હૃદયમાંથી ચલિત થતી નથી અને મારા આ જ પ્રયત્નો છે.
તારામાં બુદ્ધિ-લાગણી વચ્ચેના ભેદની એવી સ્પષ્ટ સમજણ હું પ્રગટાવવા માગું છું કે જે સમજણ તારા જીવનની બહુમૂલ્ય મૂડી બની રહે. ગમે તેવી વિકટ કે વિચિત્ર અવસ્થામાંય એ સમજણના સહારે તું યોગ્ય નિર્ણયો લઈને તારી પ્રસન્નતા અને સમાધિ ટકાવી શકે.
એક મહત્ત્વની બાબત ખ્યાલમાં છે? બુદ્ધિ જે ગુણો બીજાની અંદર માગે છે, હૃદય એ જ ગુણો પોતાની અંદર માગે છે. બુદ્ધિ ગુણોની વિરોધી નથી, લાગણી સાથે એને દુશ્મનાવટ નથી, પ્રેમ સાથે એને વેર નથી પણ એ એટલું જ કહે છે કે નમ્રતા સામી વ્યક્તિમાં હોવી જોઈએ, ઉદારતા સામી વ્યક્તિએ દાખવવી જોઈએ, પરિસ્થિતિનો વિચાર સામી વ્યક્તિએ કરવો જોઈએ, પ્રેમ સામી વ્યક્તિએ આપવો જોઈએ, અન્યનો વિચાર સામી વ્યક્તિએ કરવો જોઈએ, સહનશીલતા સામી વ્યક્તિએ કેળવવી જોઈએ.
મહારાજસાહેબ,
આપે તો ગજબનાક વાત કરી દીધી ! બુદ્ધિનો એક જ આગ્રહ અને એક જ માગ. સામાએ જ સારા બનવું જોઈએ, સામાએ જ સારા રહેવું જોઈએ, સામાએ જ સારું કરવું જોઈએ. ખૂબ ગંભીરતાથી આ હકીકત પર વિચાર કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે મારી બાબતમાંય આ જ બન્યું છે. પુત્ર તરીકે મારા કર્તવ્યનો વિચાર કરવાને બદલે મેં સતત મમ્મી-પપ્પાના કર્તવ્યનો જ વિચાર કર્યો છે. પપ્પાએ મારી લાગણીને સમજવી જોઈએ, મારી પત્નીની ભૂલને મમ્મીએ માફ કરી દેવી જોઈએ, મારા ભાવિની સલામતીનો પપ્પાએ વિચાર કરવો જોઈએ. મારાથી કો'ક આવશજન્ય અકાર્ય થઈ જાય તો પપ્પાએ મોટું દિલ રાખીને એને માફ કરી દેવું જોઈએ.
ટૂંકમાં, મારી ફરજની કોઈ વિચારણા જ નહીં, સતત મમ્મી-પપ્પાની ફરજની જ વિચારણા. આજે ખ્યાલ આવે છે કે મમ્મી-પપ્પા સાથે મનમેળ ન થવામાં જવાબદાર મારી આ વિચારણા જ હતી. જો બુદ્ધિની માગને બદલે હૃદયની માગને સંતોષવા હું પ્રયત્નશીલ બન્યો હોત, મારા જ પોતાના જીવનને કર્તવ્યના પાલનથી વાસિત કરવા તરફ મેં ધ્યાન કેન્દ્રિત કર્યું હોત તો પરિસ્થિતિ આજના કરતાં વિપરીત જ સર્જાઈ હોત. મમ્મી-પપ્પા સાથેનો મારો મનમેળ ક્યારેય તૂટ્યો જ ન હોત. મારા અને એમના વચ્ચે જે કડવાશની લાગણી ઊભી થઈ ગઈ એ ઊભી થઈ જ નહોત.
ખેર, જાગ્યા ત્યારથી સવાર એ ન્યાયે હવે તો આ બાબતમાં હું થાપ ખાવા નથી જ માગતો પણ આપની સાથે આ અંગેનો પત્રવ્યવહાર જ્યારે શરૂ કરી જ દીધો
30