________________
તને ખ્યાલ નહીં હોય પણ ગેરસમજ કે ઉપેક્ષાના પ્રહારો હથિયારોના પ્રહારો કરતાં જરાય ઓછા પીડાકારક નથી હોતા. તે પપ્પા માટે ગેરસમજ ઓછી નથી કરી, એમની ઉપેક્ષા ઓછી નથી કરી, પણ એ ગેરસમજના કારણે તે એમની સાથે જે કવ્યવહાર આચર્યો છે, ઉપેક્ષાના કારણે જે ઠંડુ વલણ દાખવ્યું છે, એની વેદના એમને કેટલી થઈ છે, એ જાણવું હોય તો ક્યારેક એમના દિલમાં ડોકિયું કરી જોજે. તું ચોધાર આંસુએ રડી પડીશ.
મમ્મી-પપ્પાના કાગળ વાંચવામાં કોઈ દીકરાને નિષ્ફળતા નથી મળી પણ એમના આંતરમનને વાંચવામાં તો અચ્છાઅચ્છા વિનયવાન પુત્રો પણ થાપ ખાઈ ગયા છે.
નથી ઇચ્છતો હું કે તું એમના આંતરમનને વાંચવાના પ્રયત્નો પણ શરૂ ન કરે ! તું એમના દિલની વેદનાને સમજવા પણ તૈયાર ન થાય ? યાદ રાખજે, અન્યની લાગણીને સમજવાય જે તૈયાર નથી થતો એનું જીવન પશુજીવન નથી પણ પથ્થરિયું જીવન છે. જો અન્યની લાગણીને સમજવાની ના પાડનારની આ ઓળખ હોય તો
ઉપકારી એવાં મમ્મી-પપ્પાની લાગણીનેય સમજવા જે તૈયાર ન હોય એની ઓળખ શી આપવાની ?
૨૧
મહારાજસાહેબ,
આપના ગત પત્રના લખાણે આંખને આંસુથી લથપથ કરી નાખી. ટપકતાં આંસુને લૂછવામાં રૂમાલને પણ સફળતા ન મળી કારણ કે આંસુ અટકવાનું નામ જ નહોતાં લેતાં. કિનારે જામેલા મહિનાઓના કચરાને, નદીમાં આવતું પૂર જેમ એક જ ધડાકે પોતાના પ્રવાહમાં ખેંચી જાય છે તેમ હૃદયમાં ઊમટેલા લાગણીના પૂરે દિલમાં વરસોના જામેલા બુદ્ધિના કચરાને એક જ ધડાકે સાફ કરી નાખ્યો છે.
આપનો પત્ર વાંચ્યા પછી પળનોય વિલંબ કર્યા વિના હું પહોંચી ગયો સીધો પપ્પા પાસે. પપ્પા કાંઈ સમજે એ પહેલાં એમના ખોળામાં માથું મુકીને ધ્રૂસકેધ્રૂસકે રડવા જ લાગ્યો. પપ્પા સ્તબ્ધ થઈ ગયા. ત્રીસ વરસનો દીકરો અને એનું આવું
૨૭
અફાટ રુદન ! એમના મનમાં અમંગળ આશંકા પેદા થઈ ગઈ. એમનો કંઠ ભરાઈ ગયો.
‘બેટા ! તને શું થયું છે એ તો કહે ! ધંધામાં નુકસાની ગઈ હોય તો ચિંતા ન કરીશ. હું હજી બેઠો છું. કોઈએ ધમકી આપી હોય તોય વ્યથિત ન થઈશ. એને હું પહોંચી વળીશ. તારી તબિયતમાં કોઈ વિશિષ્ટ ગરબડ હોય તોય મૂંઝાઈશ નહીં. મોટામાં મોટા ડૉક્ટર આગળ એનો ઇલાજ કરાવીશ. પણ તું આમ ઢીલો ન પડી જા. જે મૂંઝવણ હોય ને એ મને કહી દે.’
મહારાજસાહેબ ! પપ્પાનો લાગણીસભર હાથ મારા મસ્તકે ફરતો રહ્યો. મેં માથું ઊંચું કર્યું, પપ્પા સામે જોયું અને હું હચમચી ઊઠ્યો. પપ્પા રડતા હતા. ‘પપ્પા ! પણ તમે શું કામ રડો છો ?'
‘બેટા ! મારા પર આવતાં દુઃખોને જીરવી જવા જેટલું મજબૂત હૈયું આજેય મારી પાસે છે પણ તારા પર આવતાં દુઃખોને સાંભળવા જેટલી મક્કમતા મારામાં નથી. આંખ તારી રડે છે, હૈયું મારું વલોવાઈ જાય છે. તું જલદી બોલી જા, શી તકલીફ છે તને ?'
શું લખું આપને ? સૂર્યની ગરમીથી હિમાલય પીગળી જાય એ તો સમજાય છે; પણ લાગણીના પ્રવાહમાં અહંકારનો મેરુ પીગળવા લાગે એ તો આશ્ચર્યોનુંય આશ્ચર્ય લાગે, પણ એ આશ્ચર્ય એ પળે મારામાં સર્જાયું. મેં મારા ખુદના રૂમાલથી પપ્પાની મેં આંખનાં આંસુ લૂછી નાખ્યાં. ‘પપ્પા ! બહારનું કાંઈ જ બગડ્યું નથી. બગડ્યું હતું મારું અંતઃકરણ, બગડી હતી મારી બુદ્ધિ, બસ, એની માફી માગવા અત્યારે આપની પાસે આવ્યો છું. આપ મને ક્ષમા કરી દો.' આટલું કહીને પપ્પા પ્રત્યે મનમાં જે પણ ગાંઠો હતી એ બધી એમની સમક્ષ પ્રગટ કરતો જ ગયો. સાબુ કપડાંને સાફ કરે છે એ તો અનુભવ્યું પણ મા-બાપ પોતાના લાડકવાયાને કાળજીપૂર્વક સાફ પણ કરે છે અને પ્રસન્નતાપૂર્વક માફ પણ કરે છે એ તો જીવનમાં પહેલી જ વાર અનુભવ્યું. આ અનુભવથી અત્યારે હું સ્તબ્ધ છું.
d
૨૮