________________
ખળભળાટ શેમાં ?
માટીનો કાચો ઘડો એક નાનકડી કાંકરીથી ય તૂટી જાય છે, માટીના પાકા ઘડાને એક વજનદાર પથ્થર તોડી નાખે છે; પરંતુ સુવર્ણનો ઘટ મોટા પથ્થર સામે ય અખંડ રહી જાય છે.
સંયમજીવનમાં આપણે જામી ગયા છીએ કે કેમ, એ જાણવા માટેની સાવ સીધી-સાદી પરીક્ષા છે, આપણે શેમાં ખળભળી જઈએ છીએ ?
ઠંડી ચા જો આપણને ખળભળાવી રહી છે, કર્કશ વચનોનું શ્રવણ જો આપણાં મનને વ્યથિત કરી રહ્યું છે, કોકના તરફથી થતું અપમાન જો આપણને ઉદ્વિગ્ન બનાવી રહ્યું છે તો સમજી લેવું કે આપણું પોત માટીના ઘડા જેવું છે.
આપણે ખળભળવું જ છે ને ? એક કામ કરીએ. તપશ્ચર્યા ન થઈ શકવા બદલ મનને ખળભળતું રાખીએ. ક્રિયાઓમાં ભાવો ન ભળવા બદલ વ્યથિત થતા રહીએ. ગુરુદેવ પ્રત્યે ક્વચિત્ ઊભા થઈ જતા દુર્ભાવની પીડા અનુભવતા રહીએ. ખળભળાટની આ કક્ષા આપણને એક દિવસ સુવર્ણઘટનું
પ્રતિનિધિત્વ આપીને જ રહેશે.
Coooooooooookoooo)
શું બનવું છે ? સદ્ગુણી કે સરળ ?
મેં એક જગાએ વાંચ્યું હતું કે “પ્રસન્ન રહેવું અત્યંત સરળ
છે પરંતુ સરળ બન્યા રહેવું એ ભારે કઠિન છે'
આ વાક્યને સંયમજીવનના સંદર્ભમાં કહેવું હોય તો કહી શકાય કે ‘સદ્ગુણી બન્યા રહેવું અત્યંત સરળ છે પરંતુ સરળ બન્યા રહેવું એ સાચે જ ભારે કઠિન છે.
કારણ ?
સરળતા દંભની દુશ્મન છે અને દંભ સાથે તો જીવની જનમજનમની મૈત્રી છે. જીવ રસની લંપટતા છોડવા તૈયાર છે, જીવ સ્ત્રીસંગના જીવનભરના ત્યાગ માટે તૈયાર છે, જીવ શરીરની વિભૂષા છોડવા તૈયાર છે પરંતુ દંભત્યાગ માટે એ બિલકુલ તૈયાર નથી.
શું કહું ?
ડૉક્ટર સમક્ષ દર્દીનું દંભસેવન જો એના મોતનું કારણ બનીને જ રહે છે તો સદ્ગુરુ સમક્ષ પણ શિષ્યનું દંભસેવન એના સંયમજીવનની નિષ્ફળતાનું કારણ બનીને એને દુર્ગતિમાં ધકેલીને જ રહે છે. શું કરશું ? દંભત્યાગ કે પછી દંભદોસ્તી ?
၁၉
[૧૮]