________________ માનવજીવન દુર્લભ છે, સંયમજીવન દુર્લભતમ છે માનવજીવન પણ જો દુર્લભ છે તો સંયમજીવનની દુર્લભતા અંગે તો ક્યાં કોઈને ય પૂછવું પડે તેમ છે? આવું દુર્લભતમની કક્ષામાં જેને મૂકી શકાય એવું સંયમજીવનનું સ્વામિત્વ આજે આપણી પાસે છે. પણ, દાતરડા જેવો પ્રશ્ન એ છે કે સાચે જ આ સંયમજીવન આપણી મુક્તિને નજીક લાવનારું બની રહેશે ખરું? મારા મંદ ક્ષયોપશમાનુસાર અહીં શાસ્ત્રપંક્તિઓના આધારે એ પ્રશ્નનું સમાધાન આપવાનો મેં પ્રયાસ કર્યો છે. અતિચાર અને અહંકાર, અનાદર અને અવગણના, અપેક્ષા અને આસક્તિ, આગ્રહ અને આકર્ષણ - આ બધાં નુકસાનકારી પરિબળોથી જાતને મુક્ત કરવા જો આપણે પ્રયત્નશીલ બનીએ તો પ્રાપ્ત સંયમજીવનને સાર્થક બનાવવામાં આપણને સફળતા મળીને જ રહે તેમ છે એમ મને લાગ્યું છે. એ અંગેના ઉપાયો દર્શાવવાના મેં કરેલ પ્રયાસોમાં અજાણતાં ય જિનાજ્ઞા વિરુદ્ધ કાંઈ લખાણ થઈ ગયું હોય તો એનું હું ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડું માગું છું. ચંચળ પારાને કેદ કરવા જો થરમૉમિટર છે, વહેતા પાણીને રોકી દેવા જો બાંધની દીવાલ છે, સર્વત્ર પ્રસરી રહેલ વાયુને આગળ વધતો રોકવા જો મકાનની દીવાલ છે તો સતત દોડી રહેલા, ભાગી રહેલા અને ભટકી રહેલા મનને સમ્યક્ પરિબળો પર સ્થિર કરી દેવા પાવનકારી જિનવચનોનું રસાયણ છે. આપણી સંયમયાત્રાને આપણે રસયાત્રા જો બનાવી દેવા માગીએ છીએ તો એનો એક માત્ર વિકલ્પ એટલે જ પાગલપણું જિનવચનો પાછળનું ! અને એ પાગલપન એટલે જ આનંદ જ આનંદ છે” આચાર્યવિજય રત્નસુંદરસૂરિ