________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
૫૩
‘સમભાવે નિકાલ’ કરવો. એનો નિકાલ તો કરવો જ પડશેને જ્યારે ત્યારે ? અબોલા રહો તેથી કંઈ નિકાલ થઈ ગયો ? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો, જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, ‘ઊભા રહોને ! અમારી કંઈ ભૂલ હોય તો મને કહો. મારી બહુ ભૂલો થાય છે. તમે તો બહુ હોંશિયાર-ભણેલા, તે તમારી ના થાય પણ હું ભણેલો ઓછો એટલે મારી બહુ ભૂલો થાય.' એમ કહીએ એટલે એ રાજી થઈ જાય.
પ્રશ્નકર્તા : એવું કહેવાથી ય એ નરમ ના પડે તો શું કરવું ?
દાદાશ્રી : નરમ ના પડે તો આપણે શું કરવાનું ? આપણે કહી છૂટવાનું. પછી શો ઉપાય ? જ્યારે ત્યારે કો'ક દહાડો નરમ થશે. ટૈડકાવીને નરમ કરો તો તેનાથી કશું નરમ થાય નહીં. આજે નરમ દેખાય, પણ એ મનમાં નોંધ રાખી મેલે ને આપણે જ્યારે નરમ થઈએ તે દહાડે તે બધું પાછું કાઢે. એટલે જગત વેરવાળું છે. કુદરતનો નિયમ એવો છે કે દરેક જીવ મહીં વેર રાખે જ. મહીં પરમાણુઓ સંગ્રહી રાખે. માટે આપણે પૂરેપૂરો કેસ ઊંચે મૂકી દેવો. (૨૯૪)
પ્રશ્નકર્તા : તો પછી કશું કહેવાનું જ નહીં ?
દાદાશ્રી : કહેવાનું, પણ સમ્યક્ કહેવું જો બોલતાં આવડે તો. નહીં તો કૂતરાની પેઠ ભસ ભસ કરવાનો અર્થ શું ? માટે સમ્યક્ કહેવું.
પ્રશ્નકર્તા : સમ્યક્ એટલે કેવી રીતનું ?
દાદાશ્રી : ‘ઓહોહો ! તમે આ બાબાને કેમ ફેંક્યો ? શું કારણ એનું ?” ત્યારે એ કહેશે કે, જાણી-જોઈને હું કંઈ ફેંકું ? એ તે મારા હાથમાંથી છટકી ગયો ને ફેંકાઈ ગયો ?
પ્રશ્નકર્તા : એ તો, એ ખોટું બોલ્યા ને ?
દાદાશ્રી : એ જૂઠું બોલે એ આપણે જોવાનું નહીં. જૂઠ્ઠું બોલે કે સાચું બોલે એ એના આધીન છે, એ આપણા આધીન નથી.
પ્રશ્નકર્તા : કહેતાં ના આવડે તો પછી શું કરવું ? ચૂપ બેસવું ?
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
દાદાશ્રી : મૌન રહેવું અને જોયા કરવું કે ‘ક્યા હોતા હૈ ?” સિનેમામાં છોકરાં પછાડે છે ત્યારે શું કરીએ છીએ આપણે ? કહેવાનો અધિકાર ખરો બધાંનો, પણ કકળાટ વધે નહીં એવી રીતે કહેવાનો અધિકાર, બાકી જે કહેવાથી કકળાટ વધે એ તો મૂર્ખાનું કામ છે. (૨૯૫)
૫૪
પ્રશ્નકર્તા : આપણે ઝઘડો ના કરવો હોય, આપણે કોઈ દહાડો ઝઘડો જ ના કરતાં હોઈએ છતાં ઘરમાં બધાં ઝઘડા સામેથી રોજ કર્યા કરે તો ત્યાં શું કરવું ?
દાદાશ્રી : આપણે ‘ઝઘડાપ્રૂફ’ થઈ જવું. ‘ઝઘડાપ્રૂફ’ થઈએ તો જ આ સંસારમાં રહેવાશે. અમે તમને ‘ઝઘડાપ્રૂફ’ કરી આપીશું. ઝઘડો કરનારો ય કંટાળી જાય એવું આપણું સ્વરૂપ હોવું જોઈએ. ‘વર્લ્ડ’માંય કોઈ આપણને ‘ડિપ્રેસ’ ના કરી શકે એવું હોવું જોઈએ. આપણે ‘ઝઘડાપ્રૂફ’ થઈ ગયા પછી ભાંજગડ જ નહીંને ? લોકોને ઝઘડા કરવાં હોય, ગાળો આપવી હોય તો ય વાંધો નહીં અને છતાં ય નફફટ કહેવાય નહીં, ઉલટી જાગૃતિ ખૂબ વધશે.
પૂર્વે જે ઝઘડા કરેલા તેનાં વેર બંધાય છે અને તે આજે ઝઘડા રૂપે ચૂકવાય છે. ઝઘડો થાય તે જ ઘડીએ વેરનું બીજ પડી જાય, તે આવતે ભવે
ઊગશે.
પ્રશ્નકર્તા ઃ તો એ બીજ કેવી રીતે દૂર થાય ?
દાદાશ્રી : ધીમે ધીમે ‘સમભાવે નિકાલ’ કર્યા કરો તો દૂર થાય. બહુ ભારે બીજ પડ્યું હોય તો વાર લાગે, શાંતિ રાખવી પડે. પ્રતિક્રમણ ખૂબ કરવાં પડે. આપણું કોઈ કશું લેતું નથી. ખાવાનું બે ટાઈમ મળે, કપડાં મળે, પછી શું જોઈએ ? ઓરડીને તાળું મારીને જાય, પણ આપણને બે ટાઈમ ખાવાનું મળે છે કે નથી મળતું એટલું જ જોવું. આપણને પૂરીને જાય તો ય કંઈ નહીં, આપણે સૂઈ જઈએ. પૂર્વભવનાં વેર એવાં બંધાયેલાં હોય કે આપણને તાળામાં બંધ કરીને જાય ! વેર અને પાછું અણસમજણથી બંધાયેલું ! સમજણવાળું હોય તો આપણે સમજી જઈએ કે આ સમજણવાળું છે, તો ય ઉકેલ આવી જાય. હવે અણસમજણનું હોય ત્યાં શી રીતે ઉકેલ આવે ? એટલે ત્યાં વાતને છોડી દેવી.
હવે વેર બધાં છોડી નાખવાનાં. માટે કો'ક ફેરો અમારી પાસેથી