________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
ત્રણ જણ એમાં મતભેદ શાના ?
૧૧
પ્રશ્નકર્તા ઃ ના, પણ ત્રણ જણમાં જ ઘણા મતભેદ છે.
દાદાશ્રી : આ ત્રણમાં જ ?! એમ !
પ્રશ્નકર્તા : જો કોન્ફલીક્ટ ના થાય જિંદગીમાં, તો જિંદગીની મજા ના આવે !
દાદાશ્રી : ઓહોહો... મજા તેથી આવે છે ? તો પછી રોજ જ કરવાનું રાખો ને ! આ કોણે શોધખોળ કરી છે ? કયા ફળદ્રુપ ભેજાએ શોધખોળ કરી છે ? તો પછી રોજ મતભેદ કરવા જોઈએ, કોન્ફલીક્ટની મજા લેવી હોય તો !
પ્રશ્નકર્તા ઃ એ તો ના ગમે.
દાદાશ્રી : આ તો પોતાની જાતનું રક્ષણ કર્યું છે માણસોએ ! મતભેદ સસ્તો થાય કે મોંઘો ? થોડા પ્રમાણમાં કે વધારે પ્રમાણમાં?
પ્રશ્નકર્તા : થોડા પ્રમાણમાં થાય અને વધારે પ્રમાણમાં ય થાય. દાદાશ્રી : કોઈક ફેરો દિવાળી અને કોઈ દહાડો હોળી, એમાં મજા આવે છે કે મજા મારી જાય છે ? (૩૯)
પ્રશ્નકર્તા : એ તો સંસારનું ચક્ર એવું છે.
દાદાશ્રી : ના, આ લોકોને બહાના કાઢવામાં સારું જડ્યું છે. સંસાર ચક્ર એવું છે, એમ બહાનું કાઢે છે. પણ એમ નથી કહેતો કે મારી નબળાઈ
છે.
પ્રશ્નકર્તા : નબળાઈ તો ખરી જ. નબળાઈ છે ત્યારે જ તો તકલીફ થાય છેને !
દાદાશ્રી : હા બસ, એટલે લોકો સંસારનું ચક્ર કહી અને પેલું ઢાંકવા જાય છે. એટલે ઢાંક્યાથી એ ઊભું રહ્યું છે. એ નબળાઈ શું કહે છે કે જ્યાં સુધી મને ઓળખશો નહીં, ત્યાં સુધી હું જવાની નથી. સંસાર કશો ય અડતો નથી. સંસાર નિર્પેક્ષ છે. સાપેક્ષે ય છે અને નિર્પેક્ષ ય છે. એ આપણે આમ
૧૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
કરીએ તો આમ ને આમ નહીં કરે તો કશું ય નહીં, કશું લેવા-દેવા નથી. મતભેદ એ તો કેટલી બધી નબળાઈ છે.
પ્રશ્નકર્તા : પણ ઘરમાં મતભેદ તો ચાલ્યા કરે, એ તો સંસાર છેને!
દાદાશ્રી : આપણા લોકો તો બસ, રોજ વઢવાડ થાય છેને, તોય કહે છે પણ એ તો ચાલ્યા કરે. અલ્યા, પણ એમાં ડેવલપમેન્ટ (પ્રગતિ) ન થાય. શાથી થાય છે ? શાથી થાય છે ? કેમ આવું બોલે છે, શું થાય છે ? તેની તપાસ કરવી પડે. (૪૦)
ઘરમાં મતભેદ કોઈ ફેરો પડે છે ત્યારે શું દવા ચોપડો છો ? દવાની બોટલ રાખો છો ?
પ્રશ્નકર્તા : મતભેદની કોઈ દવા નથી.
દાદાશ્રી : હૈં, શું કહો છો ? તો પછી તમે આ રૂમમાં બોલો નહીં. બેન પેલી રૂમમાં બોલે નહીં, એમ અબોલા થઈને સૂઈ રહેવાનું ? દવા ચોપડ્યા વગર ? પછી એ શી રીતે મટી જતો હશે ? ઘા રૂઝાઈ જતો હશે કે ? એ મને કહો કે જો દવા ચોપડી નથી તો ઘા રૂઝાયો કેવી રીતે ? તે સવારમાં ય ઘા રૂઝાતો નથી. સવારમાં ય ચાનો કપ મૂકતી વખતે આમ તણછો મારે. તમે ય સમજી જાવ કે હજુ રાતનો ઘા રૂઝાયો નથી. બને કે ના બને આવું ? આ વાત આમ કંઈ અનુભવની બહાર ઓછી છે ? આપણે બધા સરખા જ છીએ ! એટલે શાથી આવું કર્યું કે હજી એ મતભેદનો ઘા પડેલો છે. (૪૧)
પણ રોજ રોજ એ ઘા પડેલો રહે બળ્યું. ઘા જાય નહીં ને, ઘા પડેલો તો રહેને ! ગોબા પડેલા હોય, માટે ગોબા જ ના પડવા દેવા. કારણ કે અત્યારે ગોબા પાડ્યા હોયને, તે આપણું ધૈડપણ આવે ત્યારે બૈરી પાછી ગોબા પાડે આપણને ! અત્યારે તો મનમાં કહે કે જોરદાર છે ભઈ, એટલે થોડાક વખત ચાલવા દેશે. પછી એનો વારો આવે ત્યારે આપણને સમજાઈ દેશે. એના કરતાં વેપાર એવો રાખવો કે એ આપણને પ્રેમ કરે, આપણે એમને પ્રેમ કરીએ. ભૂલચૂક તો બધાની થાય જ ને ! ભૂલચૂક ન થાય ? ભૂલચૂક થાય એમાં મતભેદ કરીને શું કામ છે ? મતભેદ પાડવો હોય તો જબરા જોડે જઈને વઢવું એટલે આપણને તરત હાજર જવાબ મળી જાય.