________________
છે, બળ્યું ! તો એ કહે છે, હું તો કડિયો કહેવાઉં ને ! આ તો અમારા વખતના સારા જમાનાની વાત કરું છું, અત્યારે તો એક રૂમમાં રહેવું પડે પણ સારા જમાનામાં પણ બે રૂમ બિચારાને હતી ! પછી મેં કહ્યું, અલ્યા, આ બીબી પજવતી નથી કે તને ? ત્યારે કહે છે. બીબીને તો ક્રોધ થઈ જાય પણ હું ક્રોધ ના કરું. મેં કહ્યું, કેમ એમ ? ત્યારે કહે છે, તો તો પછી એ ક્રોધ કરે અને હું ય ક્રોધ કરું, પછી આ બે રૂમોમાં એ ક્યાં સુઈ જાય ને હું ક્યાં સૂઈ જઉં ?! એ અવળી ફરીને સૂઈ જાય, હું અવળો ફરીને સુઈ જઉં, એમાં તો સવારમાં ચા ય સારી ના મળે મને તો. એ જ મને સુખ આપનારી છે, એને લીધે સુખ છે મારું ! મેં કહ્યું, બીબી કોઈ વખત ક્રોધ કરે તો ? ત્યારે કહે, એને મનાવી લઉં. યાર જાને દે ને ! મેરી હાલત મૈં જાનતા હું, એમ તેમ કરીને મનાવી લઉં. પણ એને ખુશ રાખું. બહાર મારીને આવું પણ ઘરમાં ના મારું. તે આપણા લોકો બહાર માર ખઈને આવે ને ઘરમાં મારે.
આ તો આખો દહાડો ક્રોધ કરે. ગાયો-ભેંસો સારી, ક્રોધ નથી કરતી. કંઈ શાંતિમાં જીવન તો હોવું જોઈએ ને ! નબળાઈવાળું ના હોવું જોઈએ. આ ક્રોધ વારે ઘડીએ થઈ જાય છે ! તમે ગાડીમાં આવ્યા ને ? તે ગાડી આખે રસ્તે ક્રોધ કરે તો શું થાય ?
પ્રશ્નકર્તા : તો અવાય જ નહીં અહીંયા.
દાદાશ્રી : ત્યારે આ તમે ક્રોધ કરો તો શી રીતે એની ગાડી ચાલતી હશે ? તું ક્રોધ તો નથી કરતી ?
પ્રશ્નકર્તા: કો'ક વાર થઈ જાય. દાદાશ્રી : અને જો બેઉનું થાય તો પછી રહ્યું જ શું ? પ્રશ્નકર્તા: પતિ-પત્ની વચ્ચે થોડો ક્રોધ તો હોવો જ જોઈએ ને ?
દાદાશ્રી : ના. એવો કંઈ કાયદો નથી. પતિ-પત્નીમાં તો બહુ શાંતિ રહેવી જોઈએ. આ દુ:ખ થાય એ પતિ-પત્ની જ ન હોય. સાચી
૨૨
ક્રોધ ફ્રેન્ડશીપમાં દુ:ખ થતું નથી. તો આ તો મોટામાં મોટી ફ્રેન્ડશીપ કહેવાય !! અહીં ક્રોધ ના થાય, આ તો લોકોએ ઠોકી બેસાડેલું, પોતાને થાય એટલે ઠોકી બેસાડેલું, કાયદો આવો જ છે, કહેશે ! પતિ-પત્નીમાં તો બિલકુલ દુઃખ ના થવું જોઈએ, બીજે બધે થાય.
ધાર્યાતો ધોકો ! પ્રશ્નકર્તા : ઘરમાં કે બહાર ફ્રેન્ડસમાં બધે દરેકના મત જુદા જુદા હોય અને એમાં આપણા ધાર્યા પ્રમાણે ના થાય, તો પછી આપણને ક્રોધ કેમ આવે ? ત્યારે શું કરવું ?
દાદાશ્રી : બધા માણસ પોતાના ધાર્યા પ્રમાણે કરવા જાય, તો શું થાય ? આવો વિચાર જ કેમ આવે તે ? તરત જ વિચાર આવવો જોઈએ કે બધાય જો એના ધાર્યા પ્રમાણે કરવા જશે તો અહીં આગળ વાસણો તોડી નાખશે સામસામી અને ખાવાનું નહીં રહે. માટે ધાર્યા પ્રમાણે કોઈ દા'ડો કરવું નહીં. ધારવું જ નહીં, એટલે ખોટું પડે જ નહીં. જેને ગરજ હોય તે ધારશે, એવું રાખવું.
પ્રશ્નકર્તા: આપણે ગમે એટલા શાંત રહીએ પણ પુરુષો ક્રોધ કરે તો આપણે શું કરવું ?
દાદાશ્રી : એ ક્રોધ કરે ને વઢવઢા કરવી હોય તો આપણે ય ક્રોધ કરવો, નહીં તો બંધ કરવું. ફિલ્મ બંધ કરવી હોય તો ઠંડું પડી જવું. ફિલ્મ બંધ ના કરવી હોય તો આખી રાત ચાલવા દેવી, કોણ ના પાડે છે ? ગમે છે ખરી, ફિલ્મ ?
પ્રશ્નકર્તા: ના, ફિલ્મ નથી ગમતી.
દાદાશ્રી : ક્રોધ કરીને શું કરવાનું ? એ માણસ પોતે ક્રોધ કરતો નથી, આ તો મિકેનિકલ એડજસ્ટમેન્ટ ક્રોધ કરે છે. તેથી પોતાને પછી મનમાં પસ્તાવો થાય કે આ ક્રોધ ના કર્યો હોત તો સારો.