________________
ક્લેશ વિનાનું જીવન
શેતે સુધારવાનો અધિકાર ?! તમારે સુધારવાનો અધિકાર કેટલો છે ? જેમાં ચૈતન્ય છે તેને સુધારવાનો તમને શો અધિકાર ? આ કપડું મેલું થયું હોય તો એને આપણે સાફ કરવાનો અધિકાર છે. કારણ કે ત્યાં સામેથી કોઇ જાતનું રિએકશન નથી. અને જેમાં ચૈતન્ય છે એ તો રિએકશનવાળું છે, અને તમે શું સુધારો ? આ પ્રકૃતિ પોતાની જ સુધરતી નથી ત્યાં બીજાની શું સુધરવાની ? પોતે જ ભમરડો છે. આ બધા ટોપ્સ છે. કારણ કે એ પ્રકૃતિને આધીન છે, પુરુષ થયો નથી. પુરુષ થયા પછી જ પુરુષાર્થ ઉત્પન્ન થાય. આ તો પુરુષાર્થ જોયો જ નથી.
વ્યવહાર ઉકેલવો, “એડજસ્ટ' થઇ ! પ્રશ્નકર્તા : વ્યવહારમાં રહેવાનું તો ‘એડજસ્ટમેન્ટ’ એકપક્ષી તો ના હોવું જોઇએ ને ?
દાદાશ્રી : વ્યવહાર તો એનું નામ કહેવાય કે “એડજસ્ટ’ થઇએ એટલે પાડોશી ય કહે કે, “બધા ઘેર ઝઘડા છે, પણ આ ઘેર ઝઘડો નથી.” એનો વ્યવહાર સારામાં સારો ગણાય. જેની જોડે ના ફાવે ત્યાં જ શક્તિ કેળવવાની છે. ફાવ્યું ત્યાં તો શક્તિ છે જ. ના ફાવે એ તો નબળાઈ છે. મારે બધા જોડે કેમ ફાવે છે ? જેટલા એડજસ્ટમેન્ટ લેશો તેટલી શક્તિઓ વધશે અને અશક્તિઓ તુટી જશે. સાચી સમજણ તો બીજી બધી સમજણને તાળાં વાગશે ત્યારે જ થશે.
‘જ્ઞાની’ તો સામો વાંકો હોય તો ય તેની જોડે ‘એડજસ્ટ’ થાય, ‘જ્ઞાની પુરુષ'ને જોઇને ચાલે તો બધી જાતનાં એડજસ્ટમેન્ટ કરતાં આવડી જાય. આની પાછળ સાયન્સ શું કહે છે કે વીતરાગ થઇ જાઓ, રાગદ્વેષ ના કરો. આ તો મહીં કંઇક આસક્તિ રહી જાય છે, તેથી માર પડે છે. આ વ્યવહારમાં એકપક્ષી, નિસ્પૃહ થઇ ગયા હોય તે વાંકા કહેવાય. આપણને જરૂર હોય તો સામો વાંકો હોય તો ય તેને મનાવી લેવો પડે. આ સ્ટેશન પર મજૂર જોઇતો હોય તો એ આનાકાની કરતો હોય તો ય તેને ચાર આના ઓછાવત્તા કરીને મનાવી લેવો પડે, અને ના મનાવીએ તો એ બેગ આપણા માથા પર જ નાખે ને ?
ક્લેશ વિનાનું જીવન ‘ડોન્ટ સી લૉઝ, પ્લીઝ સેટલ'. સામાને ‘સેટલમેન્ટ' લેવા કહેવાનું. ‘તમે આમ કરો, તેમ કરો.” એવું કહેવા માટે ટાઇમ જ ક્યાં હોય ? સામાની સો ભૂલ હોય તો ય આપણે તો પોતાની જ ભૂલ કહીને આગળ નીકળી જવાનું. આ કાળમાં ‘લ' (કાયદાઓ) તો જોવાતો હશે ? આ તો છેલ્લે પાટલે આવી ગયેલું છે ! જ્યાં જુઓ ત્યાં દોડાદોડ ને ભાગાભાગ ! લોક ગૂંચાઇ ગયેલાં છે !! ઘેર જાય તો વાઇફ બૂમો પાડે, છોકરાં બૂમો પાડે, નોકરીએ જાય તો શેઠ બૂમો પાડે, ગાડીમાં જાય તો ભીડમાં ધક્કા ખાય ! ક્યાંય નિરાંત નહીં. નિરાંત તો જોઇએ ને ? કોઇ લડી પડે તો આપણે તેની દયા ખાવી કે અહોહો, આને કેટલો બધો અકળાટ હશે તે લડી પડે છે ! અકળાય તે બધા નબળા છે.
પ્રશ્નકર્તા : ઘણી વખત એમ બને કે એક સમયે બે જણ સાથે એડજસ્ટમેન્ટ’ એક જ વાત પર લેવાનું હોય તો તે જ વખતે બધે શી રીતે પહોચી વળાય ?
દાદાશ્રી : બેઉ જોડે લેવાય. અરે, સાત જણ જોડે લેવાનું હોય તો ય લઇ શકાય. એક પૂછે, “મારું શું કર્યું ?” ત્યારે કહીએ, ‘હા બા, તારા કહ્યા પ્રમાણે કરીશું. બીજાને ય એમ કહીશું.’ તમે કહેશો તેમ કરીશું ‘વ્યવસ્થિત'ની બહાર થવાનું નથી, માટે ગમે તે રીતે ઝઘડો ના ઊભો કરશો.
આ તો સારું-ખોટું કહેવાથી ભૂતાં પજવે છે. આપણે તો બંનેને સરખાં કરી નાખવાનાં છે. આને સારું કહ્યું એટલે પેલું ખોટું થયું, એટલે પછી એ પજવે. પણ બંનેનું મિલ્ચર કરી નાખીએ એટલે પછી અસર ના રહે. ‘એડજસ્ટ એવરીવ્હેર'ની અમે શોધખોળ કરી છે. ખરું કહેતો હોય તેની જોડે ય ને ખોટું કહેતા હોય તેની જોડે ય “એડજસ્ટ’ થા. અમને કોઈ કહે કે, ‘તમારામાં અક્કલ નથી.’ તો અમે તેને તરત ‘એડજસ્ટ થઈ જઈએ ને તેને કહીએ કે, “એ તો પહેલેથી જ નહોતી ! હમણાં કંઇ તું ખોળવા આવ્યો છે ? તને તો આજે એની ખબર પડી, પણ હું તો નાનપણથી એ જાણું છું.’ આમ કહીએ એટલે ભાંજગડ મટી ને ? ફરી એ આપણી પાસે અક્કલ ખોળવા જ ના આવે. આમ ના કરીએ તો આપણે ઘેર' ક્યારે પહોંચાય ?