________________
ક્લેશ વિનાનું જીવન
ક્લેશ વિનાનું જીવન
એ સુધરેલું ક્યાં સુધી ટકે ?! દરેક વાતમાં આપણે સામાને ‘એડજસ્ટ’ થઇ જઇએ તો કેટલું બધું સરળ થઇ જાય. આપણે જોડે શું લઇ જવાનું છે ? કોઇ કહેશે કે, ‘ભાઈ, એને સીધી કરો.” “અરે, એને સીધી કરવા જઇશ તો તું વાંકો થઇ જઇશ.” માટે ‘વાઇફને સીધી કરવા જશો નહીં, જેવી હોય તેને કરેક્ટ કહીએ. આપણે એની જોડે કાયમનું સાટું-સહિયારું હોય તો જુદી વાત છે, આ તો એક અવતાર પછી તો ક્યાંય વિખરાઇ પડશે. બંનેના મરણકાળ જુદા, બંનેનાં કરમ જુદાં ! કશું લેવાય નહીં ને દેવાય નહીં ! અહીંથી તે કોને ત્યાં જશે તેની શી ખબર ? આપણે સીધી કરીએ ને આવતા જન્મે જાય કો’કને ભાગે !
પ્રશ્નકર્તા : એની જોડે કર્મ બંધાયાં હોય તો બીજા અવતારમાં તો, ભેગાં તો થાય ને ?
દાદાશ્રી : ભેગાં થાય, પણ બીજી રીતે ભેગાં થાય. કો'કની ઓરત થઇને આપણે ત્યાં વાતો કરવા આવે. કર્મના નિયમ ખરા ને ! આ તો ઠામ નહીં ને ઠેકાણું ય નહીં. કો'ક પુણ્યશાળી માણસ એવો હોય કે જે અમુક ભવ જોડે રહે. જુઓને નેમિનાથ ભગવાન, રાજુલ સાથે નવ ભવથી જોડે ને જોડે જ હતા ને ! એવું હોય તો વાત જુદી છે. આ તો બીજા ભવનું જ ઠેકાણું નથી. અરે, આ ભવમાં જ જતા રહે છે ને ! એને ‘ડાયવોર્સ’ કહે છે ને ? આ ભવમાં જ બે ધણી કરે, ત્રણ ધણી કરે !
એડજસ્ટ થઇએ, તો ય સુધરે ! માટે તમારે એમને સીધાં કરવા નહીં. એ તમને સીધા કરે નહીં. જેવું મળ્યું એવું સોનાનું. પ્રકૃતિ કોઇની કોઇ દહાડો સીધી થાય નહીં. કૂતરાની પૂછડી વાંકી ને વાંકી જ રહે એટલે આપણે ચેતીને ચાલીએ. જેવી હો તે ભલે હો, “એડજસ્ટ એવરીવ્હેર.
કૈડકાવાની જગ્યાએ તમે ના ટેડકાવી તેનાથી ‘વાઇફ' વધારે સીધી રહે. જે ગુસ્સો નથી કરતો એનો તાપ બહુ સખત હોય. આ અમે કોઇને કોઇ દહાડો ય વઢતા નથી, છતાં અમારો તાપ બહુ લાગે.
પ્રશ્નકર્તા : તો પછી એ સીધી થઇ જાય ?
દાદાશ્રી : સીધા થવાનો માર્ગ જ પહેલેથી આ છે. તે કળિયુગમાં લોકોને પોષાતું નથી. પણ એના વગર છૂટકો નથી.
પ્રશ્નકર્તા : પણ એ અઘરું બહુ છે.
દાદાશ્રી : ના, ના. એ અઘરું નથી, એ જ સહેલું છે. ગાયનાં શિંગડા ગાયને ભારે.
પ્રશ્નકર્તા : આપણને પણ એ મારે ને ?
દાદાશ્રી : કો'ક દહાડો આપણને વાગી જાય. શિંગડું વાગવા આવે તો આપણે આમ ખસી જઇએ, તેવું અહીં પણ ખસી જવાનું ! આ તો વાંધો ક્યાં આવે છે ? મારી પૈણેલી ને મારી વાઇફ'. અરે, ન્હોય ‘વાઇફ’ આ ‘હસબન્ડ' જ નથી તો પછી ‘વાઇફ' હોતી હશે ? આ તો અનાડીના ખેલ છે ! આર્યપ્રજા ક્યાં રહી છે અત્યારે ?
સુધારવા કરતાં, સુધરવાની જરૂર ! પ્રશ્નકર્તા: ‘પોતાની ભૂલ છે' એવું સ્વીકારી લઇને પત્નીને સુધારી ના શકાય ?
દાદાશ્રી : સુધારવા માટે પોતે જ સુધરવાની જરૂર છે. કોઇને સુધારી શકાતો જ નથી. જે સુધારવાના પ્રયત્નવાળા છે તે બધાં અહંકારી છે. પોતે સુધર્યો એટલે સામો સુધરી જ જાય. મેં એવાય જોયેલા છે કે જે બહાર બધો સુધારો કરવા નીકળ્યા હોય છે ને ઘરમાં એમની ‘વાઇફ' આગળ આબરૂ નથી હોતી, મધર આગળ આબરૂ નથી હોતી. આ કઈ જાતના માણસો છે ? પહેલો તું સુધર. હું સુધારું, હું સુધારું એ ખોટો ઇગોઇઝમ છે. અરે, તારું જ ઠેકાણું નથી, તે તું શું સુધારવાનો છે ?! પહેલાં પોતે ડાહ્યા થવાની જરૂર છે. ‘મહાવીર’ મહાવીર થવા માટેનો જ પ્રયત્ન કરતા હતા અને તેનો આટલો બધો પ્રભાવ પડ્યો છે ! પચ્ચીસસો વર્ષ સુધી તો એમનો પ્રભાવ જતો નથી !!! અમે કોઇને સુધારતા નથી.