________________
૨૪
ચિંતા
ચિંતા
એ સમજણે ચિંતા ગઈ.... ધંધો કરવામાં તો છાતી બહુ મોટી જોઈએ. છાતીનાં પાટિયા બેસી જાય તો ધંધો બેસી જાય.
પહેલાં અમારે એક ફેરો, અમારી કંપનીમાં ખોટ આવેલી. જ્ઞાન થયા પહેલાં, ત્યારે અમને આખી રાત ઊંઘ ના આવે, ચિંતા થયા કરે. ત્યારે મહીંથી જવાબ મળ્યો કે આ ખોટમાં કોણ કોણ ચિંતા અત્યારે કરતું હશે ? મને એમ લાગ્યું કે મારા ભાગીદાર તો વખતે ચિંતા ના ય કરતા હોય. હું ફક્ત એકલો જ કરતો હોઉં. અને બૈરાં-છોકરાં બધાં ભાગીદાર છે, તો તે કોઈ જાણતાં જ નથી. હવે એ બધા નથી જાણતા તો ય એમનું ચાલે છે, તો હું એકલો જ અક્કલ વગરનો તે ચિંતા કરું આ બધું ય ! એટલે પછી મને અક્કલ આવી ગઈ. કારણ કે પેલાં બધાં ચિંતા ના કરે, ભાગીદાર છે બધાં, તો ય તે ચિંતા ના કરે, તો હું એકલો જ ચિંતા કરું.
ભઈ આટલે સુધી વિચાર કરવાનો, અને વિચાર જ્યારે ચિંતામાં પરિણામ પામે એટલે બંધ કરી દેવું જોઈએ. એ એબોવ નોર્મલ વિચાર એ ચિંતા કહેવાય છે. એટલે અમે વિચાર તો કરીએ, પણ જે એબોવ નોર્મલ થયું ને ગૂંચાયું પેટમાં, એટલે બંધ કરી દઈએ.
પ્રશ્નકર્તા : સામાન્ય રીતે મહીં જોતા રહ્યા ત્યાં સુધી વિચાર કહેવાય અને જો મહીં ચિંતા થઈ તો લપેટાયો કહેવાય ?
દાદાશ્રી : ચિંતા થઈ એટલે લપેટાયો જ ને ! ચિંતા થઈ એટલે એ જાણે કે મારે લીધે જ ચાલે છે, એવું માની બેઠા છે. ચિંતા એટલે શું કે મારે લીધે જ ચાલે છે આ બધું. એટલે એ બધી ભાંજગડ જ લેવા જેવી નથી અને છે ય એવું જ. આ તો બધા મનુષ્યોમાં આવો રોગ પેસી ગયો છે. હવે નીકળે શી રીતે જલદી ? જલદીથી નીકળે નહીં ને ! ટેવ પડેલી છે એ જાય નહીં ને ! હેબીટ્યુએટેડ.
પ્રશ્નકર્તા : આપની પાસે આવે તો નીકળી જાય ને !
દાદાશ્રી : હા, નીકળી જાય, પણ ધીમે ધીમે નીકળે, પણ એકદમ ના જાય ને પાછી !
વિચારો પણ ચિંતા ના કરો !
પરસતા ઝાલે ત્યાં ચિંતા થાય ! તમારે કેમનું છે? કોઈક ફેરો ઉપાધિ થાય છે ? ચિંતા થઈ જાય
ચિંતા એટલે શું એ જાણવું જોઈએ કે આ મનનો વિચાર આમ ઉઠે. આપણે કોઈ પણ બાબતમાં, ધંધા સંબંધમાં, બીજાં ગમે તે સંબંધમાં કે કોઈ માંદગી હોય અને એને માટે વિચાર થયો, અને અમુક લેવલ આવ્યું અને પછી એ વિચાર આપણને વમળ ખવડાવે અને વમળ ચઢાવે તો જાણવું કે આ અવળે રસ્તે ચાલ્યું એટલે બગડ્યું. ત્યાંથી પછી ચિંતા ઉઠે.
વિચાર કરવાનો વાંધો નથી. પણ વિચાર એટલે શું ? એક વિચાર ચાલુ થયા તે અમુક હદની ઉપર ગયા એટલે ચિંતા કહેવાય. હદ સુધી વિચાર કરવાનાં. વિચારોની નોર્માલિટી કેટલી ? મહીં વળ ચઢે નહીં ત્યાં સુધી. વળ ચઢે એટલે બંધ કરી દેવું. વળ ચઢે પછી ચિંતા શરૂ થઈ જાય. આ અમારી શોધખોળ છે.
પ્રશ્નકર્તા : આ અમારી મોટી બેબીની સગાઈનું નથી પતતું, તે ઉપાધિ થઈ જાય છે ને !
દાદાશ્રી : તમારા હાથમાં હોય તો ઉપાધિ કરો ને, પણ આ બાબત તમારા હાથમાં છે ? નથી ? તો ઉપાધિ શેને માટે કરો છો ? ત્યારે કંઈ આ શેઠના હાથમાં છે ? આ બેનના હાથમાં છે ?
ચિંતા કરવાનો અધિકાર નથી. વિચાર કરવાનો અધિકાર છે, કે