________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૪૭ નર્કગતિનું બાંધી કાઢ્યું છે. અણહક્કનું ખાધું તો ખરું, પણ રાજીખુશીથી કરે, તો નર્કગતિમાં જાય અને જો પશ્ચાતાપ કરે તો જાનવરમાં આવે. ભયંકર નર્કગતિ ભોગવવાની છે. માટે જો અણહક્કનું હજુ જેટલું ખાવું હોય એટલું ખાજો લોકોનું.
પ્રશ્નકર્તા : આ બધામાંથી છૂટવાનો શ્રેષ્ઠ ઉપાય શું ?
દાદાશ્રી : અણહક્કનું ખાધું હોય તેનો પશ્ચાતાપ કરો. અણહક્કનું ખાવાના વિચાર આવે તો ય પશ્ચાતાપ કરો. આખો દહાડો પશ્ચાતાપમાં જ રહો. આવું ન ખવાય. મારે તો હક્કનું હોય તો જ મારા કામનું. પોતાના હક્કની સ્ત્રી હોય, પોતાના હક્કનાં છોકરાં હોય, ઘર-મકાન બધું આપણું હોય, પણ પારકાંના હક્કનું કેમ લેવાય ? એ પછી જાનવર થયે છૂટકો નથી, નર્કગતિના અધિકારી થયાં છે. ભયંકર દુ:ખોમાં સપડાયા. હજુ ચેતવું હોય તો ચેતજો. આ જ્ઞાની પુરુષ શું કહે છે કે તમને પશ્ચાતાપરૂપી હથિયાર આપ્યું છે. પ્રતિક્રમણ કર્યા કરો.
‘હે ભગવાન ! અણસમજણથી, ખરાબ બુદ્ધિથી, કષાયોથી પ્રેરાઈને પણ આ જે મેં દોષો કર્યા છે, ભયંકર દોષો કર્યા છે. એની ક્ષમા માગું છું.’ કષાયોની પ્રેરણાથી કર્યા છે, તમે તમારી જાતે નથી કર્યા. હજુ કરવું હોય તો કરજો, ના કરવું હોય તો તમારી મરજીની વાત છે.
[૪]
એક પત્નીવ્રત એટલે જ બ્રહ્મચર્ય !
લોકટિંધ નહીં, તે જ લોકપૂજય ! કળિયુગમાં એક ફક્ત ગૃહસ્થીને વિકાર કેટલો ઘટે કે એની સ્ત્રી પૂરતો જ. ગૃહસ્થધર્મ છે એટલે એની સ્ત્રી પૂરતો જ વિકાર હોય, તો ભગવાને એને એક્સેપ્ટ કરેલું છે. એક પત્નીવ્રતની ભગવાને છૂટ આપી છે કે બીજે દ્રષ્ટિ પણ ના બગડે. બહાર જાય, ગમે ત્યાં જાય પણ દ્રષ્ટિ ના બગડે. વિચાર પણ ના આવે, ને વિચાર આવે તો ક્ષમા માંગી લે એવું એક પત્નીવ્રત હોય તો ભગવાનને વાંધો નથી ! એ તો શું કહે છે, કે આ કાળમાં એક પત્નીવ્રતને અમે બ્રહ્મચર્ય કહીશું અને જે લોકનિંદ્ય નથી, માટે તેને અમે લોકપુજ્ય કહીશું. ભગવાન કેવા ડાહ્યા છે !! આ કાળમાં જ્યાં ને ત્યાં બધે લોકોની નરી નિંદાઓ જ થઈ રહી છે અને લોકો નિંદ્યકર્મ જ કરી રહ્યા છે ને ? વેપારમાં ય અને ધર્મમાં ય, બધે ધંધો જ આ માંડ્યો છે ને ? એમાં ય કોઈ અપવાદ હશે. અપવાદ તો હોય જ હંમેશાં. છતાં હિંદુસ્તાનમાં તો આજે સાત્ત્વિક વિચારના માણસો થવા માંડ્યા છે. એટલે આગળ ઉપર સારું થવાનું છે.