________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
9
દવા ક્યારે પીવાય ? તાવમાં તરફડાય ત્યારે !
આ ‘અક્રમ વિજ્ઞાન’ છે. પૈણવાથી ય મોક્ષ જાય એવો નથી. તમે બધા સંસારી છો ને એક અવતારી થવું છે, તો તેનો ગુણાકાર ક્યાંય મળતો નથી. આ જૈનશાસ્ત્રો ચોખ્ખું ના પાડે છે, આચાર્યો પણ ના પાડે છે. છતાં આપણને શી રીતે ગુણાકાર મળી ગયો ? ત્યારે મેં કહ્યું કે, સ્ત્રીની સાથે રહો, પણ મારી શરત શું છે કે તમે ગમે તે ખાજો-પીજો, પણ આ સ્ત્રી
વિષય સંબંધમાં તો બન્નેને તાવ ચઢે તો જ દવા પીજો. આ દવા મીઠી
છે, તેથી શોખને માટે પીશો નહીં. નહીં તો આ સંસારીઓને એકાવતારી તો શું, પણ સમકિત જ જલદી ના થાય ને ! અને આ તો બધાને ક્ષાયક સમકિત વર્તે છે. ફક્ત આટલી જ ભૂલ રહે છે. જગત આખું ય, મીઠું એટલે પીવે જ બસ, તાવ હોય કે ના હોય. એટલે આપણાં લોકોને તો આ અનાદિથી જ આવો અધ્યાસ થયેલો, તેથી અમારે વારે વારે કહેવું પડે છે !
બધા ધર્મોએ ગૂંચવાડો ઊભો કર્યો કે સ્ત્રીઓને છોડી દો. અલ્યા, સ્ત્રીને છોડી દઉં તો હું ક્યાં જાઉં ? મને ખાવાનું કોણ કરી આપે ? હું આ મારો વેપાર કરું કે ઘેર ચૂલો કરું ? હવે બાયડી છોડી દો તો મોક્ષ મળશે એવું કહે. તો બાઈડીએ શું ગુનો કર્યો છે ?
પ્રશ્નકર્તા : અને બાઈડીઓ ય એમ કહે ને, કે અમારે ય મોક્ષ જોઈએ, અમારે તમે નથી જોઈતા.
દાદાશ્રી : હા, એવું જ બોલેને ! આપણો ને આ બાઈનો, બેઉનો સહિયારો વેપાર. એટલે આમાં સ્ત્રીમાં દોષ નથી, તાવમાં દોષ નથી, તાવ ના ચઢ્યો હોય ને દવા પીઓ તેનો દોષ છે. એટલે આ બધી જોખમદારી સમજજો. આપણી વાત બાંયધરીપૂર્વકની છે અને તરત અનુભવમાં આવે એવી વાત છે !
આવી સરળતા મોક્ષાર્થીને ક્યાંથી ?
દવા નિયમથી લેવામાં આવે તો જ એને આજ્ઞામાં રહ્યો કહેવાય.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય વિષયની લિમિટ હોવી જોઈએ. સ્ત્રી-પુરુષનો વિષય ક્યાં સુધી હોવો જોઈએ ? પરસ્ત્રી ના હોવી જોઈએ અને પરપુરુષ ના હોવો જોઈએ. અને વખતે એનો વિચાર આવે તો, એને પ્રતિક્રમણથી ધોઈ નાખવા જોઈએ. મોટામાં મોટું જોખમ હોય તો આટલું જ, પરસ્ત્રી અને પરપુરુષ ! પોતાની સ્ત્રી એ જોખમ નથી. હવે અમારી આમાં કશી ક્યાંય ભૂલ છે ? અમે વઢીએ છીએ કોઈ રીતે ? એમાં કશો ગુનો છે ? આ અમારી સાયન્ટિફિક શોધખોળ છે કે કેટલેથી, ક્યાં આગળ કર્મ નહીં ચોંટે, એવી શોધખોળ છે ! નહીં તો સાધુઓને એટલે સુધી કહ્યું છે કે સ્ત્રીની લાકડાની પૂતળી હોય તેને પણ જોશો નહીં, સ્ત્રી બેઠી હોય એ જગ્યાએ બેસશો નહીં. પણ મેં આવો તેવો ડખો નથી કર્યોને ? અને આવું સહેલું હોય તો પાળવું જોઈએ ને ? કે એમાં કશો વાંધો આવે છે ?
८
પ્રશ્નકર્તા : અમારે ઊંચે ચઢવું છે, માટે પાળવું જ છે !
દાદાશ્રી : તાવ ચઢે તો પીજો. એ તો ડાહ્યા માણસનું જ કામ હોય ને ? એટલે આ અમારું થર્મોમિટર મળ્યું છે. એટલે અમે કહીએ છીએ ને, કે સ્ત્રી સાથે મોક્ષ આપ્યો છે ! આવી સરળતા કોઈએ નથી આપી ! બહુ સરળ અને સીધો માર્ગ મૂકેલો છે. હવે તમારે જેવો સદ્ઉપયોગ કરવો હોય એ કરજો ! અતિશય સરળ ! આવું બન્યું નથી ! આ નિર્મળ માર્ગ છે, ભગવાન પણ એક્સેપ્ટ કરે એવો માર્ગ છે !!
કોઈ માણસને સજા થયેલી હોય ને એને જેલમાં ઘાલે, તો એ ત્યાં આગળ જઈને જમીન લીંપતો હોય તો આપણે શું સમજીએ ? એને લીંપવાનો શોખ છે ? પેલો પોલીસને કાલાવાલા કરીને કહેશે ‘જરા પાણી લાવી આપને.' તે લીંપવા માટે કાલાવાલા ય કરે. શાથી ? કે એને સૂતાં નથી ફાવતું. એટલે એને શોખ નથી, ક્યારે છૂટું, એવું એને મનમાં હોય જ ! છતાં એ લીંપે છે ! તો શું આ વિરોધાભાસ નથી ? ના, આ વિરોધાભાસ નથી. આ તો કામચલાઉ જોઈશે કે નહીં ? નહીં તો કેડો તૂટી જાય. એવું આપણે કહીએ છીએ કે તમે આ દવા પીજો, પણ ‘આમાંથી ક્યારે છૂટાય ?” એ તો ચૂકાય જ નહીં ને ? એ જાગૃતિ ના હોય તો શું કામની ?