________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય વિષ કહેવા માગતો જ નથી. હું વિષયમાં નીડરતાને વિષ કહું છું. તમે વિષયોને વિષ કહો છો, એ હું કબૂલ કરતો નથી. જે ના પૈણેલો હોય અને એ જો બ્રહ્મચારી તરીકે રહેવા માગતો હોય તો હું બહુ ખુશ છું. પૈણેલો હોય તેને શું એમ કહેવું કે બાયડી છોડીને નાસી જા તું ?! છતાં બાયડી છોડીને નાસી ગયો હોય અને એનો મોક્ષ થાય એવું ક્યારે ય પણ બને ? એવું કોઈના માન્યામાં આવે છે ? ત્યારે પૈણ્યો'તો શું કરવા ? શરમ નથી આવતી ? કોઈને દગો દેવાય નહીં. આ દુનિયામાં કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ આપ્યું હશે તો પણ મોક્ષ નહીં થાય. એટલે અમે આ સરળ રસ્તો ખોળી કાઢયો. નહીં તો આ બધાં પૈણેલાઓ કહે છે કે અમે મોક્ષે જવાનાં, તે શાથી એમ કહે છે ? પોતાને એમ લાગ્યું કે અમે મોક્ષમાં જવાને માટે આમ જઈ રહ્યા છીએ. કેટલાં માઈલ ઉપર હતા ને તે હવે સેન્ટ્રલ ક્યાં સુધી આવ્યું એવું તમને લાગે છે ?
પ્રશ્નકર્તા : નજદીક છે.
દાદાશ્રી : સ્ત્રી-છોકરાં સાથે છે, છોકરાં ભણાવે છે, બધું કરે છે. સ્ત્રી મોક્ષને વાંધો કરતી નથી. તમારા વાંકે મોટા અટકે છે. વાંક તમારો છે, સ્ત્રીનો વાંક નથી. સ્ત્રી નડતી નથી, તમારી અજ્ઞાનતા નડે છે.
એવું છે ને, મનુષ્યોએ વિષયનું તો પૃથક્કરણ કરી જોયું નથી. જો માનવધર્મ તરીકે વિષયનું પૃથક્કરણ કરે, જેમ કે કોઈ વસ્તુનું આપણે પૃથક્કરણ કરીએ ને એમાં શું શું વસ્તુઓ ભળેલી છે એમ જુદું પાડીએ. એવી રીતે વિષયનું જો પૃથક્કરણ કરે તો માણસ વિષય કોઈ દહાડો ફરી કરે નહીં. બે દહાડાથી વધારાનું વાસી ભજિયું ખવાય જ નહીં, છતાં ય પણ ત્રણ મહિનાનાં વાસી ભજિયાં ખાધાં હોય તો ય એ જીવતો રહેશે. પણ વિષય કરે તો એ જીવતો નહીં રહે. વિષય એ એવી વસ્તુ છે, એનું પૃથક્કરણ કરે તો પોતાને વૈરાગ જ રહ્યા કરે. જો વિષયો વિષ હોત તો ભગવાન મહાવીર તીર્થંકર જ ના થાત. ભગવાન મહાવીરને ય દીકરી હતી. એટલે વિષયોમાં નીડરતા એ વિષ છે. હવે મને કંઈ નડવાનું નથી, એવું થયું એ વિષ છે.
પ્રશ્નકર્તા : નીડરતા એ બેદરકારી કહેવાય ને ?
દાદાશ્રી : નીડરતા શબ્દ એટલા માટે મેં આપેલો છે કે વિષયમાં ડરે, નાછૂટકે વિષયમાં પડે. એટલે વિષયોથી ડરો, એમ કહીએ છીએ. કારણ કે ભગવાન હઉ ડરતા હતા, મોટા મોટા જ્ઞાનીઓ ય ડર્યા હતા, તો તમે એવાં કેવાં છો કે વિષયથી ડરો નહીં ?! મને કંઈ હવે નડવાનું નથી, એ વિષ છે. માટે વિષયથી ડરો. વિષય ભોગવો ખરાં પણ વિષયથી ડો. જેમ સુંદર રસોઈ આવી હોય, રસ-રોટલીને એ બધું ભોગવો ખરાં પણ ડરીને ભોગવો. ડરીને શા માટે કે વધુ ખાશો તો ઉપાધી થઈ પડશે, એટલાં માટે ડરો.
એક બાવો ખોળી લાવો કે જેને આજ પૈણાવીએ આપણે અને મહિનો જો ઘર માંડે તો સાચું ! આ તો ત્રીજો જ દા'ડે નાસી જાય લંકે ! આ ફલાણું લઈ આવો, ફલાણું લઈ આવો કહ્યું કે ભાગી જાય. અને આ લોકોને હેરાન કરે ‘હવે તમારું શું થશે’ કહેશે, એટલે મારે આ ભારે શબ્દો લખવા પડ્યા, કે ‘વિષયો વિષ નથી, જાવ ભડકશો નહીં.' કહ્યું. હું તમારો ભડકાટ કાઢવા માટે આવ્યો છું. સહજ ભાવે વિષયો ભોગવોને ! સહજ હોવું જોઈએ. સહજ ભાવે જો વિષય ભોગવે તો વિષય વિષયોને જ ભોગવે છે. આ તો સહજ ભાવે ભોગવતાં આવડતું નથી ને !
પ્રશ્નકર્તા એટલે વિષયોમાં જે ખૂંપે છે, એમાં એની કંઈ હિંમત નથી કામ કરતી, એ તો એની આસક્તિ કરાવે છે.
દાદાશ્રી : ના, આપણને તેનો ય વાંધો નથી. વાંધો નીડરતાનો છે. એટલે કે ‘હવે મને કંઈ નડવાનું નથી. હું ગમે તેમ વિષયો ભોગવું તો મને કશું થાય નહીં.” એવું બેફામપણું થાય, તે બેફામપણાને આપણે નીડરતા કહીએ છીએ. આ લોકોએ વિષયોને ‘એકાંતિક વિષ” કહ્યું છે. એટલે સંસારીઓ ‘ડિસ્કરેજ' થઈ ગયા. એટલે પછી આ સંસારીઓને વિષ જ પીધા કરવાનું ને ? આ ત્યાગીઓ એકલાને જ વિષ નહીં પીવાનું? આ સ્ત્રી-વિષય એકલો જ વિષય નથી. ત્યાગીઓના ય બધા વિષયો હોય છે અને આ સંસારીઓને ય બધા વિષયો હોય છે. પણ આ શાસ્ત્રોમાં એકલા સ્ત્રી વિષયને માટે આવું બધું ઝેર સમાન કહ્યું છે. પણ એથી લોકોને ગભરાવી માર્યા છે કે આપણે તો સંસારી માણસ, વિષયો વિષ