________________
૧૭૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય એટલે આ વ્યવહાર ચારિત્ર બહુ ઊંચું કહેવાય. જે ક્રોધ-માન-માયા-લોભ થાય છે એ નિકાલી બાબતમાં થાય છે, એ નિર્જીવ છે. એટલે ખરેખર ક્રોધ-માન-માયા-લોભ નથી. માટે આ વ્યવહાર ચારિત્ર બહુ ઊંચું કહેવાય, પણ આ બ્રહ્મચર્ય બરોબર નહીં સચવાવાથી બધું ચારિત્ર કાચું પડી જાય. હવે બ્રહ્મચર્યને માટે એવું જોર કરીને, તાણીને લાવવા જેવું નથી. બ્રહ્મચર્ય એની મેળે સહેજે ઉદયમાં આવે તો કામનું છે. આપણો ભાવ બ્રહ્મચર્યને માટે હોવો જોઈએ. જ્યાં સુધી બ્રહ્મચર્ય બરોબર સચવાતું નથી, ત્યાં સુધી આ પૌગલિક સુખ અને આત્મસુખ એમ બેનો ભેદ સમજવા નહીં દે.
- વ્યવહાર ચારિત્ર એટલે કોઈ સ્ત્રીને દુ:ખ જ ના થાય તેમ વર્તે, કોઈ સ્ત્રી તરફ દ્રષ્ટિ ના બગાડે. મુદતબંધી ચારિત્ર તો સારું કહેવાય. અભ્યાસ તો થાય ને !! ચારિત્ર લીધું એટલે ભાંજગડ જ મટી જાય ને ! પછી એ વિચારો એવું જાણે કે આમને અપમાન લાગશે, એટલે જાણીજોઈને ઓછાં આવે.
‘જ્ઞાની પુરુષ'ના આધારે ચારિત્ર એ તો મોટામાં મોટી વસ્તુ છે. જ્યારે ‘જ્ઞાની પુરુષ'નું ચારિત્ર તો બહુ જ ઊંચું હોય, મન પણ કોઈ દહાડો બગડે નહીં.
વિષયનો વિચાર પણ આવવો ના જોઈએ અને વિચાર આવ્યો તો તેને ધોઈ નાખવો. વિષયનો મનમાં ભાવ એકલો જ ઉત્પન્ન થાય, પણ વાણીમાં ના હોય, વર્તનમાં ના હોય, વિચારમાં ના હોય અને કો'ક વખત સહેજ વિચાર મનમાં આવે તો તેનું પ્રતિક્રમણ કરી નાખવું. આને વ્યવહાર ચારિત્ર કહેવાય. નિશ્ચય ચારિત્રમાં તો ભગવાન થઈ ગયો. નિશ્ચય ચારિત્ર એ જ ભગવાન. કેવળજ્ઞાન સિવાય નિશ્ચય ચારિત્ર સંપૂર્ણ ના હોય, પૂર્ણ દશાએ ના હોય.
વ્યવહાર ચારિત્ર એટલે પુદ્ગલ ચારિત્ર, આંખે દેખાય એવું ચારિત્ર અને પેલું નિશ્ચય ચારિત્ર ઉત્પન્ન થયું કે ભગવાન થયો કહેવાય. અત્યારે તો તમારે બધાને ‘દર્શન’ છે, પછી જ્ઞાનમાં આવે પણ ચારિત્ર ઉત્પન્ન થતાં વાર લાગે. છતાં અક્રમ છે ને, એટલે ચારિત્ર શરૂ થાય ખરું, પણ એ તમને સમજવું મુશ્કેલ છે.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૭૧ પ્રશ્નકર્તા : એનાં લક્ષણ શાં હોય એમાં ?
દાદાશ્રી : એવું છે ને, એ નિશ્ચય ચારિત્ર બહુ જૂજ પ્રમાણમાં થાય. જેને આ આંખોથી જોવું-જાણવું તે ય ચારિત્ર ના કહેવાય, બુદ્ધિથી જોવુંજાણવું તે ય ચારિત્ર ના કહેવાય. એમાં તો આંખ ના વપરાય, મન ના વપરાય, બુદ્ધિ ના વપરાય. પછી જે જુએ-જાણે, તે નિશ્ચય ચારિત્ર.
પણ આની ઉતાવળ કરવા જેવું નથી. આ ‘દર્શન’ પહોંચ્યું છે તે ય બહુ થઈ ગયું ને ! પોતાના દોષ દેખાય ને એ બધાનાં પ્રતિક્રમણ થાય એટલે બહુ થઈ ગયું !
પ્રશ્નકર્તા : વ્યવહાર ચારિત્ર માટે બીજું વિશેષ શું કરવાનું ?
દાદાશ્રી : કશું નહીં. આ વ્યવહાર ચારિત્ર માટે તો બીજું શું કરવાનું ? જ્ઞાનીની આજ્ઞામાં રહેવું એ વ્યવહાર ચારિત્ર અને તેમાં જો કદી આ બ્રહ્મચર્યનો ઉમેરો થાય તો બહુ ઉત્તમ અને તો જ ખરું ચારિત્ર કહેવાય. ત્યાં સુધી વ્યવહાર ચારિત્ર પૂરેપૂરું કહેવાતું નથી, વ્યવહાર ચારિત્રની પૂર્ણાહુતિ થતી નથી. જ્યારે બ્રહ્મચર્યવ્રત આવે, ત્યારે ‘વ્યવહાર ચારિત્ર'ની પૂર્ણાહુતિ થાય.
“શીલવાત' દેખીતે જગત “પ્રભાવ' પામે જ !
જે લોકોને ચારિત્ર ના હોય એ લોકો ચારિત્રવાનને જુએ, તો ત્યાં તરત જ પ્રભાવિત થઈ જાય. જેમાં પોતે ખરાબ હોય ત્યાં સામાનો સારો માલ જુએ કે પ્રભાવિત થઈ જાય. ક્રોધી માણસ બીજા કોઈ શાંત પુરુષને જુએ તો પણ પ્રભાવિત થઈ જાય. આ જગતમાં તમારો પ્રભાવ પડવા માંડ્યો, ત્યાં તમે વિષય ખોળો તો પછી શું થાય ? આ માસ્તર છોકરા પાસે શાક મંગાવે, બીજું મંગાવે તો પછી પ્રભાવ રહે ? આને જ વિષય કહ્યો છે. શીલવાનનો એવો પ્રભાવ પડે કે કોઈ ગાળો આપવાનું નક્કી કરીને આવ્યો હોય તો પણ સામે આવે કે એની જીભ સિવાઈ જાય. એવો આત્માનો પ્રભાવ છે. પ્રભાવ એટલે શું કે એને જોવાથી જ લોકોના ભાવ ઊંચા થાય. આ જ્ઞાન પછી પ્રભાવ વધે. પ્રભાવ એ આગળ ઉપર ચારિત્ર કહેવાય છે. બહુ ઊંચો પ્રભાવ થાય ત્યારે ચારિત્રવાન કહેવાય.