________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૭) છ તત્ત્વોના સમસરણથી વિભાવ !
અમે શું કરીએ ? આત્મા ને પુદ્ગલ બેને છૂટાં પાડીએ એટલે એ ગુણ બંધ થઈ જાય. વિજ્ઞાન છે આ તો, વિજ્ઞાન છે. મહાવીર ભગવાનનું વિજ્ઞાન, ચોવીસ તીર્થંકરોનું વિજ્ઞાન છે આ.
ભગવાનની હાજરીથી ઉત્પન્ન જગત ! આમાં કાંઈ આત્મા વગર આ શરીર ચાલે ખરું, આ બધું મશીન ?
પ્રશ્નકર્તા : ના ચાલે. આત્મા છે ત્યારે જ ચાલે છે ને, અંદર ! નહીંતર રામ બોલો ભાઈ, રામ !
દાદાશ્રી : હવે આવી રીતે ચાલવાનો ગુણ નથી આત્મામાં. તે આત્માની હાજરી છે તો આ બધું ચાલે, હુકમથી નહીં. જેમ ભગવાન મહાવીરની હાજરીમાં વાઘ અને બકરી બે સાથે પાણી પીતાં હતાં પણ બીજા કોઈની હાજરીમાં વાઘ ને બકરી સાથે પાણી પીવે ખરાં ?
પ્રશ્નકર્તા : ના, ના પીએ..
દાદાશ્રી : ત્યાં ભગવાનની હાજરીમાં ભૂલી જાય એનો સ્વભાવ. બકરી એનો સ્વભાવ ભૂલી જાય ભડકવાનો અને પેલો વાઘ એનો હિંસક ભાવ ભૂલી જાય.
એટલે આ જગત ભગવાનની હાજરીથી ઊભું થઈ ગયેલું છે. ભગવાને કંઈ કર્યું નથી. એમના નિમિત્તથી, હાજરી એટલે શું, કે અત્યારે હું અહીં બેઠો છું ને અને એક માણસ અંદર આવ્યો ને આવીને અહીં પેસી ગયો અને બીજો માણસ એની પાછળ એને મારવા ફરી વળ્યો હોય. મારવાવાળો માર માર કરતો એ માણસ અહીંયાં આવ્યો હોય તો અહીં મને દેખીને એકવાર તો એ પોતાનો સ્વભાવ ભૂલી જાય, મારવાની વાત ભૂલી જાય, શાંત થઈ જાય. હવે એમાં મેં કશું એને કહ્યું નથી. એ કંઈ જાણતો નથી. એની મેળે જ ઓટોમેટિક બધું થઈ જાય. એ ત્યાં બહાર હોત તો પેલાને મારે જ.
પેલો મારવાવાળો તે અહીં કશું નામ ના દે એનું. તે મેં ના
પાડી નથી છતાં મારી હાજરીથી એને આ બધું મનના પ્રવર્તનમાં બધો ફેરફાર થઈ જાય છે.
પ્રશ્નકર્તા : ભાવ ફરી જાય.
દાદાશ્રી : એમાં મેં કશું કર્યું ? કશું બોલ્યા ના હોય તોય કામ થઈ જાય. બસ, આ તો ભગવાનની હાજરીથી વિજ્ઞાન થયેલું છે ને ! જ્ઞાનથી આ ઊભું થયું છે જગત ને ચાલ્યા કરે છે અને એ જાતે જોઈને બોલું છું આ. આમાં સહેજેય ગમ્યું નથી.
તીર્થકરો એકલા જ જાણતા હતા આ કળા. ભગવાને આ જગત બનાવવામાં કશું જ કર્યું નથી, એ તો ખાલી નિમિત્ત છે. ભગવાનની હાજરીને લઈને આ ‘સાયન્સ’ બધું ચાલી રહ્યું છે !
‘સાયન્ટિફિક' સિદ્ધાંત શું છે ? ભગવાનની હાજરીથી “રોંગ બિલીફ' ઉત્પન્ન થાય છે. ભગવાનની હાજરીથી સંસાર બંધ થાય છે. ભગવાનની હાજરીથી પરમાત્મપદ ઉત્પન્ન થાય છે.