________________
૬૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧.૫) અન્વય ગુણો-વ્યતિરેક ગુણો !
६ પ્રશ્નકર્તા : એટલે આત્માના સ્વભાવનું છૂટવાપણું ખરું ? એમાંથી એને છૂટવાપણું ખરું ?
દાદાશ્રી : છૂટ્યું જ છે ને આ બધું. છતાં આત્માને દોષ નથી. આત્મા તો તેવો જ છે.
પ્રશ્નકર્તા : આ રોંગ બિલીફ કોને થઈ છે ?
દાદાશ્રી : જે ભોગવે છે તેને જે રોંગ બિલીફ ભોગવે છે, તેને થઈ છે.
પ્રશ્નકર્તા : અત્યારે તો અમે ભોગવીએ છીએ.
દાદાશ્રી : ‘એને' ઈન્ટરેસ્ટ છે તેથી આ બધું ભોગવે છે. રોંગ બિલીફમાં ‘આ મારી વાઈફ થાય, હું આનો સસરો છું ને મામો છું, કાકા છું ને એવો જે ઈન્ટરેસ્ટ પડે છે ને, એ બિલીફને લઈને જ આ જગત ઊભું થયું છે અને રાઈટ બિલીફથી જગત આથમી જાય. રોંગ બિલીફથી જ પૈણે છે, રાંડે છે, માંડે છે, છોકરાનો બાપ થાય છે, દાદો થાય છે, બધું રોંગ બિલીફથી.
પ્રશ્નકર્તા : આ રોંગ બિલીફ એ જ વિશેષ પરિણામ છે કે વિશેષ પરિણામથી રોંગ બિલીફ ઊભી થઈ છે ?
દાદાશ્રી : વિશેષ પરિણામથી જ રોંગ બિલીફ ઊભી થઈ છે.
પ્રશ્નકર્તા : કે પછી આ વિશેષ પરિણામ એ જ આ રોંગ બિલીફ છે ?
દાદાશ્રી : ના, એ રોંગ બિલીફ નથી. પ્રશ્નકર્તા : એટલે વિશેષ પરિણામથી ઊભી થયેલી છે ? દાદાશ્રી : હં.
પ્રશ્નકર્તા ઃ એટલે એનો અર્થ એમ કે પહેલું વિશેષ પરિણામ ઊભું થાય છે એ વખતે રોંગ બિલીફ નથી હોતી, પણ પછી રોંગ
બિલીફ થાય છે ?
દાદાશ્રી : વિશેષ પરિણામ ઉત્પન્ન થાય તે કંઈ રોંગ બિલીફને કંઈ કારણ નથી, પણ “એને' દબાણ લાગે છે બહુ. એટલે (‘હું'ને) બિલીફ રોંગ થાય છે કે ‘સાલું, આ કોણ કરે આ બધું.’ ‘હું જ કરું છું’ કહેશે. એવી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. એટલે બિલીફ બગડે છે. બિલીફ બગડવાથી સંસાર ઊભો રહ્યો છે ને બિલીફ સુધરે ત્યારે સંસાર બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા : એટલે વિશેષ પરિણામ જે થાય છે એ બે વસ્તુઓ નજીક આવવાથી એ પણ સ્વભાવિક જ થઈ જાય છે ને એવું થયુંને?
દાદાશ્રી : સ્વભાવિક થઈ જાય છે.
પ્રશ્નકર્તા : એટલે એમાં રોંગ બિલીફનો સવાલ જ નથી આવતો.
દાદાશ્રી : અંધારામાં પાણીના ગ્લાસને બદલે દારૂનો ગ્લાસ પીવાઈ ગયો, પછી વિશેષ પરિણામ ઊભું થઈ જાય, ના થાય ?
પ્રશ્નકર્તા ઃ થાય, એની અસર આવેને ! એની અસર છોડે નહીં.
દાદાશ્રી : એવું આ બધું વિશેષ પરિણામ ઊભું થઈ જાય છે.
પ્રશ્નકર્તા : તો આમાં આ જે તાત્ત્વિક વિજ્ઞાનમાં એવું શું બને છે ? જે આ દાખલો આપ્યો કે પાણીને બદલે દારૂનો ગ્લાસ પીવાઈ ગયો, એવું આ છ તત્ત્વોની વાતમાં શું બને છે ?
દાદાશ્રી : બીજા પાંચ તત્ત્વોના પરિવર્તનથી એનું દબાણ આવે છે. એ દબાણને લઈને એમ થાય છે કે “આ હું કરું છું કે કોણ કરે છે ?” એ સ્વભાવિક ગુણ નથી એ.
પ્રશ્નકર્તા : પણ આત્મા શરૂઆતમાં જે શુદ્ધ સ્વરૂપમાં હતો, તો આવી અસરો નીચે કેમ આવે ?