________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
(૧૫) અન્વય ગુણો-વ્યતિરેક ગુણો !
દાદાશ્રી : ના, એ કારણમાં સંયોગ ભેગા થયા એટલે થયું. હવે સંયોગોથી મુક્ત થાય એટલે છૂટા.
પ્રશ્નકર્તા : એટલે જ્ઞાનની સામે સંયોગ આવ્યો ?
દાદાશ્રી : હા, આત્મા અને બીજા સંયોગો. (સ્વભાવિક) જ્ઞાન એ (મૂળ) આત્મા છે અને બીજા સંયોગો ભેગા થયા, એટલે ભ્રાંતિ ઉત્પન્ન થઇ.
પ્રશ્નકર્તા : એટલે સંયોગોનો સ્પર્શ એને થયો ?
દાદાશ્રી : સંયોગોનું દબાણ થયું. (એટલે વિશેષભાવ, ‘હું', વ્યવહાર આત્મા ઊભો થયો).
પ્રશ્નકર્તા : કારણ કે આત્માને તો કંઇ અસર થાય નહીં, છતાં કેમ અસર થઇ ?
દાદાશ્રી : થઇને અસર. (વ્યવહાર આત્માને) અસર થયા વગર રહે જ નહીં ને ! છતાં (મૂળ) આત્મા હતો તેવો ને તેવો જ છે. એ બિલીફમાં જ ફેર છે ખાલી.
પ્રશ્નકર્તા : કોની બિલીફમાં ફેર પડ્યો છે ? જ્ઞાનની બિલીફમાં ?
દાદાશ્રી : હા, (દબાણથી વિભાવ થવાથી જ્ઞાન વિભાવિક થયું એ) જ્ઞાનની બિલીફમાં જ ફેર પડ્યો. જેમ પહેલાં શેઠ હોય છે ને, તે એમ કહે છે, કે હું નગીનદાસ શેઠ, પછી પાછો સયાજીરાવ મહારાજ બોલે, એ દારૂ પીધા પછી. એ તો આપણે અહીં દાખલો દેખાય છે. પેલું શું થાય છે, સમજાય નહીં. એ સંયોગો જ્યારે છૂટે ત્યારે મુક્ત થાય.
પ્રશ્નકર્તા : પણ જ્ઞાન એવી વસ્તુ છે કે એને શેનો યે સ્પર્શ થાય નહીં, એને કંઇ અસર થાય નહીં.
દાદાશ્રી : (સ્વભાવિકજ્ઞાન અને મૂળ આત્માને) એને અસર થઈ નથી. આ તો તમારી માન્યતામાં તમે (વ્યવહાર આત્મા એટલે ‘હું')
પોતે જુદા પડી ગયા છો.
પ્રશ્નકર્તા : પણ કોની માન્યતા તો પછી ?
દાદાશ્રી : ‘તમારી’ માન્યતા, રોંગ બિલીફ જ છે આ ખાલી. બીજું કશું નથી. આત્માને કશું થયું નથી. આ બિલીફ જ રોંગ થયેલી છે. તે બિલીફ રોંગ નીકળી જાય, એટલે થઇ રહ્યું.
પ્રશ્નકર્તા : તો એવી રોંગ બિલીફ કરનાર કોણ ?
દાદાશ્રી : કોઇ કરનાર હોય નહીં, આ દબાણ. બે વસ્તુ પોતપોતાના સ્વભાવ જ બતાવે. બે વસ્તુ જોડે મૂકવાથી તીસરું જ ઉત્પન્ન થાય, પરિણામ. એ સાયન્ટિસ્ટો સમજે આ વાતને.
સેંગ બિલીફ ઊભી થઈ, વિશેષ પરિણામથી !
પ્રશ્નકર્તા : જો આત્માના સ્વતંત્ર જ ગુણ છે, તો પછી આ સંયોજન બળતરાનું થઈ રહ્યું છે કોને ? અને જો આત્મામાં આવી રીતે જે જોવાપણું ને એ જ છે, તો પછી એણે જોવાપણાનો ગુણ ગુમાવ્યો કેવી રીતે ?
દાદાશ્રી : તમને થયું જ નથી, પણ તમે માની લીધું ને એટલું બધું માની લીધું, એટલી સાયકોલોજીકલ ઈફેક્ટ થઈ ગયેલી છે કે તે રૂપ થઈ ગયા છો.
પ્રશ્નકર્તા : આ માન્યું છે કોણે ? આત્મતત્ત્વ છે એણે માન્યું
દાદાશ્રી : ના, આત્મતત્ત્વ નહીં. પ્રશ્નકર્તા : તો પછી આપ જે “મને’ કહી રહ્યા છો એ કોણ ?
દાદાશ્રી : આ વિશેષ ગુણ ઉત્પન્ન થયો છે ને, તે માની રહ્યું છે. અને ‘તમે’ વિશેષ ગુણમાં છો, ‘તમે... તમારા સ્વભાવમાંથી છૂટી ગયા છો.