________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
અન્વય ગુણો-વ્યતિરેક ગુણો !
ગુણધર્મો'માં થયો વિશેષભાવ ! પ્રશ્નકર્તા: આ જે વિભાવાવસ્થા ઉત્પન્ન થઈ, પણ એ સ્વભાવમાંથી વિભાવ થવાનું પહેલું કારણ શું હશે ?
દાદાશ્રી : પહેલું કશું કારણ જ નથી. દુનિયામાં નિયમ છે એવો કે બે વસ્તુ ભેગી થાય, એ જુદી હોય ત્યારે ગુણધર્મ જુદા હોય. અને એ બે ભેગી થાય ત્યારે ‘ગુણધર્મમાં ‘વિશેષભાવ ઉત્પન્ન થાય. બે ભેગી થઈ છે માટે. કોઈ ભેગું ના થાય તો વિશેષભાવ ના થાય.
પ્રશ્નકર્તા : બે વસ્તુના ગુણધર્મો જે છે તે અને સામીપ્યભાવે કરીને વિશેષભાવ ઉત્પન્ન થયો છે, તેના ગુણધર્મો જુદા છે ?
દાદાશ્રી : જુદા છે.
કોઈ પણ પ્રકાશ સૂર્યનો હોય કે લાઈટનો હોય પ્રકાશ પણ માણસ ઊભો રહ્યો તો પડછાયો એની જોડે ઊભો થઈ જાય. બે વસ્તુમાં ત્રીજી હાજરી ઊભી થઈ જાય.
ખાલી અરીસો જુએ તોય બધું આપણા જેવું જ દેખાય ને એવી રીતે આ ઉત્પન્ન થયું છે.
આ આત્માનો વિશેષભાવ છે, વિશેષ સ્વરૂપ છે, વિભાવ સ્વરૂપ જે એનામાં કાયમને માટે હોતો નથી. આ બીજાના સંજોગથી આ ઉત્પન્ન થયો છે અને પોતે તો પાછો સ્વભાવમાં જ છે. આ વિશેષભાવ એને વળગ્યો, ભૂત વળગ્યું હોય એમ. ભૂત વળગ્યું હોય તેથી કંઈ
માણસ મરી ગયો નથી. એ છે એટલા પૂરતી અસર રહે, બીજું કશું નહીં. તેમ આ સંસાર ભૂતની પેઠ વળગ્યો છે, બાકી કશું નથી.
ચોખા સ્વભાવિક વસ્તુ કહેવાય અને ખીચડી વિશેષભાવ કહેવાય. ડાંગર એ સ્વભાવિક કહેવાય, જેવું કુદરતી રીતે જન્મ થયો, એણે ખીચડી બનાવી તે પાછો વિશેષભાવ થયો. ખીચડી એ વિશેષભાવવાળી છે અને આત્મા સહજ ભાવવાળો છે.
એ કહેવાય અન્વય ગુણો ! બાકી, આ પઝલ મેં જાતે જોયું છે, કે શી રીતે આ પઝલ થયું છે. ક્રોધ-માન-માયા-લોભ એ વ્યતિરેક ગુણો છે, અન્વય ગુણ નહીં.
પ્રશ્નકર્તા : અન્વય ગુણ એટલે ?
દાદાશ્રી : અન્વય ગુણ એટલે સ્વભાવિક ગુણ. મોક્ષમાંય રહે, અહીંયાંય રહે. જ્યાં હોય ત્યાં કાયમના સાથે રહેનારા. અને વ્યતિરેક એટલે અમુક સંજોગ ભેગા છે ત્યાં સુધી રહેશે. એટલે ટેમ્પરરી છે, કાળવર્તી છે. બાકી જુદા થયા એટલે વિખરાઈ ગયું.
પ્રશ્નકર્તા : આત્માના અન્વય ગુણો કયા કયા ? એને અન્વય ગુણ કેમ કહ્યા ?
દાદાશ્રી : એના પોતાના ગુણો એ અન્વય ગુણો. પ્રશ્નકર્તા : એને શબ્દ અન્વય કેમ વાપર્યો ?
દાદાશ્રી : એના પોતાના છે. તે અન્વય અંદર વણાયેલા, આત્માના ગુણ. વ્યતિરેક એટલે ક્રોધ-માન-માયા-લોભ એ જુદા, ‘આપણે’ કંઈ લેવાદેવા નહીં. અન્વય ગુણો એ આત્માના પોતાના ગુણો. એ તો અનંત ગુણનું ધામ છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતશક્તિ, અનંતસુખ, બધા કેટલા ગુણો છે આત્માના !
પ્રશ્નકર્તા : પણ એ દાદા, જરા વધારે સ્પષ્ટ સમજાવવાની જરૂર છે. આ અન્વય સંબંધ એ શું થાય છે ?