________________
(૧.૪) પ્રથમ ફસામણ આત્માની !
૪૯
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
બગડ્યું નથી, બિલીફ સહેજ બગડી છે.
પ્રશ્નકર્તા : અહંકારનો લય થઈ જાય પછી જીવ કોના આધારે રહે ?
દાદાશ્રી : આ બિલીફ ખસેડેને, એટલે અહંકારનો લય થઈ જાય. તમારી આમ (સંસાર ભણી) દૃષ્ટિ છે ત્યાં સુધી અહંકાર છે અને દૃષ્ટિ ફરે એટલે અહંકારનો લય થઈ જાય બધું. તે પોતાના સ્વરૂપની દૃષ્ટિ થઈ જાય કે અહંકાર લય થઈ જાય. પછી મૂળ આત્માને કશા આધારની જરૂર નથી. નિરાલંબ છે !
મુખડું ન દેખાડે અરીસો કદી ? પ્રશ્નકર્તા : અજ્ઞાનતા તો મારા આત્મા પર પછી ચડી, તો મૂળથી મારો આત્મા જ્ઞાની હતો ?
દાદાશ્રી : એ જ હું તમને કહું છું. એ આત્મા મૂળ તો સંપૂર્ણ પ્રકાશવાળો છે. કોઈ દા'ડો અરીસામાં આપણે ન દેખાઈએ એવું બને નહીંને ? પણ બહારની ખરાબ હવા થાય, વાતાવરણ ખરાબ થાય એટલે અરીસામાં આપણે ન દેખાઈએ, એવું થાયને ! બને કે ન બને ?
પ્રશ્નકર્તા : ધુમ્મસ હોય, એવું કંઈ હોય તો બને. દાદાશ્રી : ત્યારે વાતાવરણની અસર થયેલી છે.
પ્રશ્નકર્તા : પણ આત્મા એ જ પોતે પરમાત્મા હોય, તો એને આ બધું થાય શું કામ ? એ મોહમાં પડે કેમ ?
દાદાશ્રી : કશું થયું જ નથી. મોહમાં પડ્યો નથી, ફસાયો છે. પોતે જાતે કોઈ પડે જ નહીં.
વ્યવહાર બધો સંજોગોનો ભરેલો છે. જ્યારે અહીંથી જ્યાં સંજોગો ના હોય ત્યાં સિદ્ધપદમાં જવાનું થાય, ત્યારે એને સાધનો મળી આવે. શાસ્ત્રો, જ્ઞાની પુરુષો, બધાં સાધન મળી આવે, ત્યારે પોતાનું સ્વરૂપ
સમજે, ત્યારથી એ છૂટવા માંડે. એક ભવ, બે ભવ, પંદર ભવમાં પણ ઉકેલ આવી જાય એ તો.
‘કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય.'
- શ્રીમદ્ રાજચંદ્ર ‘કોટિ વર્ષનું સ્વપ્ન પણ’, લોકોને સ્વપ્ન આવે છે, તે બધા સાત-સાત અવતાર થઈ ગયા હોય એવું સ્વપ્નમાં જુએ ! સ્વપ્ન કરોડ વર્ષનું આવ્યું હોય પણ જાગૃત થતાં સમાઈ જાય. જાગે એટલે ઊડી જાય ને ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : પછી લેવાદેવાનું રહે કશું ? એવી રીતે આ ‘કોટિ વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય, તેમ વિભાવ અનાદિનો', અનાદિના વિશેષભાવ છે એ ‘જ્ઞાન થતાં દૂર થાય’ એમ કૃપાળુદેવ કહે છે.
કોઈ કાળે સાંભળ્યું ના હોય એવું આ અક્રમ વિજ્ઞાન છે. એટલે વાત સમજે તો ઉકેલ આવે.