________________
(૧.૪) પ્રથમ ફસામણ આત્માની !
૪૧
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
દાદાશ્રી : બુદ્ધિને લઈ જ આ સંસાર ઊભો થયો છે. પ્રશ્નકર્તા ઃ તો બિલીફ પણ બુદ્ધિમાં ના આવે ?
દાદાશ્રી : ના, ના, રોંગ બિલીફ અહંકારથી છે. બુદ્ધિને બિલીફ કરવાનો રસ્તો જ નથી.
એ તો અહંકાર ને બધુંય રોંગ બિલીફ છે. રોંગ બિલીફ કરનારોય પોતે રોંગ બિલીફ છે. રોંગ બિલીફમાં રહીને રોંગ બિલીફ કરે છે. એ રાઈટ બિલીફમાં રહીને રોંગ બિલીફ નથી કરતો.
પ્રશ્નકર્તા: રાઈટ બિલીફમાં રહીને રોંગ બિલીફ થાય જ નહીં. દાદાશ્રી : તો તો થાય જ નહીં.
પ્રશ્નકર્તા : એનો અર્થ એમ થયો કે આત્માને બુદ્ધિના સંયોગથી આ રોંગ બિલીફ થાય છે અથવા તો આત્મા બુદ્ધિના આશ્રયે કરીને આવું કરે છે.
દાદાશ્રી : ના, આત્મા તો એવું કશું કરતો જ નથીને! આત્મા તો અકર્તા છે.
પ્રશ્નકર્તા : બુદ્ધિ કોના આધારે આ બધું કરે છે ? દાદાશ્રી : અહંકારના આધારે. પ્રશ્નકર્તા : અહંકાર પણ જડ છે ?
દાદાશ્રી : હા, જડ તો બધું જ છે ને, પણ એ સાવ જડ નથી. અહંકાર છે તે મિશ્ર ચેતન છે, બુદ્ધિ મિશ્ર ચેતન છે, મન એકલું જ જડ (નિશ્ચેતન ચેતન) છે. ચિત્તેય મિશ્ર ચેતન છે. માઈન્ડ ઈઝ કમ્પલીટ ફીઝિકલ. (મન સંપૂર્ણ જડ છે.)
એટલે આત્મા તો પરમાનંદ સ્વરૂપી છે. પોતાના સ્વભાવમાં આવે તો ખલાસ થઈ ગયું. સ્વભાવમાં નથી આવ્યો અત્યારે, આ ઉપાધિભાવને લઈને.
પ્રશ્નકર્તા : આ આત્મા જે છે, આ બુદ્ધિને લીધે બ્રાંતિ થઈ, પણ બુદ્ધિ ને આત્મા સાથે જો ન હોય તો આ ભ્રમ થવાનું કારણ જ નથી. એટલે તો બુદ્ધિ જ આ બધું કરે છે અને આત્માને એનો સ્પર્શ છે, તો આત્મા તો મોક્ષ સ્વરૂપ જ છે. તો આપણે આ બધા ગોટાળા કેમ થયા કરે છે ?
દાદાશ્રી : ના, થયો નથીને સ્પર્શ, કશું થયું નથી.
પ્રશ્નકર્તા : તો પછી એનામાં આ જે અશુદ્ધ કર્મો બંધાઈ ગયાં છે, એ કેવી રીતે બંધાયા ? એ સમજવું છે મારે.
દાદાશ્રી : એ સમજવા માટે અહીંયાં આવ્યા કરવું પડે. આ એકદમ એવી મોટી વાત છે કે વારંવાર અહીંયાં આવ્યા કરવું પડે. એક દા'ડામાં કહીશ તો તમને બધું સમજાશેય નહીં. થોડું થોડું સમજતા જાવને તો એનો પાર આવે. એક દા'ડામાં ગાંસડી, પોટલાં બધાં બંધાય ? એટલે જરા સત્સંગમાં આવવું પડે. હજુ છીએ બે-ચાર દા'ડા, ફેરો મારો ને ! ગમ્યું તમને ? કંઈ પૂછીએ તો એ બધું ઠેકાણે આવે.
અંત છે પણ નથી આદિ કર્મની ! પ્રશ્નકર્તા : કર્મના બંધનનું મૂળ ક્યાંથી શરૂ થયું છે ?
દાદાશ્રી : આ કર્મના બંધનનું બીગિનિંગ નથી. કર્મના બંધનનો એન્ડ આવે વખતે, પણ બીગિનિંગ નથી. કારણ કે આ તો વૈજ્ઞાનિક પ્રયોગ છે. પાણી પહેલું એટલે છે તે ઓક્સિજન પહેલું કે હાઈડ્રોજન પહેલું ? કોણ પહેલું તે પાણી થયું ? બધું આ એટ-એ-ટાઈમ છે. સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ છે આ. એટલે કોઈ પહેલું-પછી છે નહીં. શુદ્ધ ચેતન અને શુદ્ધ જડ બેઉ સાથે થયાં, આ વિશેષ ગુણ ઉત્પન્ન થયો એટલે વિશેષ ગુણધર્મને ભજે છે. તેમાં કર્તાપણાનો ગુણધર્મ ઉત્પન્ન થયો ને તેનાથી કર્મ બંધાય છે. હવે તેય સ્થળ છે ને આત્મા સૂક્ષ્મ છે. આ વિશેષભાવ ક્યાં સુધી ? જયાં સુધી પુદ્ગલનો સંયોગ છે ત્યાં સુધી. એ સંયોગ કંઇ કાયમનો નથી.