________________
(૧.૩) વિભાવ એટલે વિરુદ્ધભાવ ?
કરીએ ત્યાં ‘હું કરું છું' એ ભાન થઈ જાય છે. અને એ ભાનેય કેવી રીતે થાય છે ? વ્યતિરેક ગુણ ઉત્પન્ન થઈ જાય છે, તેથી.
૩૫
એટલે આ આત્મા અને અનાત્માની, બન્નેની હાજરીથી વ્યતિરેક ગુણો ઉત્પન્ન થયા. એકલા આત્માથી થઈ શકે નહીં, એકલા અનાત્માથી થઈ શકે નહીં. એટલે અહીં એક ખસેડી નાખે. એટલે પછી ઉત્પન્ન ના થાય.
પ્રશ્નકર્તા : એ હાજરીમાં પણ એ મારું ગણ્યું એટલે થયાને ? દાદાશ્રી : મારું ગણનાર કોણ તે ? આત્માય ‘મારું' ના કહે અને પુદ્ગલેય ‘મારું’ ના કહે.
પ્રશ્નકર્તા : પણ અત્યારે પાસે તો છે જ ને ?
દાદાશ્રી : એ પાસે છે એટલે જાગૃતિ ઊડી ગઈ આખી. એ જાગૃતિ ઉત્પન્ન થઈ એટલે છૂટું પડી ગયું, વ્યતિરેક ગુણ બંધ.
પ્રશ્નકર્તા : હવે એ જ, પાસેની કઈ જાગૃતિ ઊભી થઈ ? દાદાશ્રી : પાસે આવ્યા એટલે એને આવરણ આવી ગયું, જાગૃતિ ઊડી ગઈ. તે પછી એ પાસે આવનાર આવરણ તોડી નાખ્યું એટલે જુદું થઈ ગયું. આવરણ તોડવાનાં હોય છે ને ?
પ્રશ્નકર્તા : એટલે બંને દ્રવ્યો તો ભિન્ન જ છે પણ આ પેલા પાસે આવવાને લીધે એ થયું હતું ?
દાદાશ્રી : ભિન્ન જ છે, કશું કોઈએ કર્યું જ નથી. કોઈએ કોઈને મદદ કરી નથી. કોઈએ કોઈનું નુકસાન કર્યું નથી. કશું છે જ નહીં. આ બધી જ તમારી ભૂલ છે. પાછા એ લોકોય કબૂલ કરે છે કે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યની મદદ કરી શકે નહીં. કોઈ નુકસાન કરતું નથી. તે મૂઆ કોણે કર્યું આ, ખોળી કાઢને ? આત્માએ કર્યું કે અનાત્માએ કર્યું ? ત્યારે જવાબ એ આપણા લોક સમજે નહીં. વૈજ્ઞાનિક વાત છે આ.
૩૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
વિશેષ ફોડ, વિભાવઅવસ્થાતા...
વિશેષ ગુણ તમને સમજમાં આવ્યું ? આ તત્ત્વના વિશેષ ગુણ છે, એ એક્ઝેક્ટ હોય છે. પણ હું તમને, એની સિમિલીમાં બીજો અહીંનો અવસ્થાનો વિશેષ ગુણ બતાવું. તત્ત્વના વિશેષ ગુણ તમે જોઈ શકો નહીં. એટલે અવસ્થાથી તમને બતાવું કે કેવી રીતે આ ઊભું થયેલું છે !
પ્રશ્નકર્તા : આપ જરા દૃષ્ટાંત આપીને સમજાવો ને કે આ જે ભેગું થયું, એનું મૂળ કારણ શું ?
દાદાશ્રી : આની સિમિલી તત્વોમાં હોતી નથી છતાં આ સિમિલી આપું, તેમાં મને કારણ ખોળી આપો. જેમ આપણે બગીચામાં આરસ નંખાવ્યો હોય. આરસનો રોડ કર્યો હોય, તે રોજે શેઠ બૂટ પહેરીને આવ-જાવ કરે. તે વખતે એમને શું ખબર પડે કે આ પથ્થરનો શું સ્વભાવ છે તે ? તે પછી એક દા'ડો બપોરે બે વાગે છોકરું ત્યાં રમતું હશે તે પડ્યું, તે આ ઉઘાડા પગે ત્યાં દોડતા ગયા ઉનાળાને દહાડે, તો આરસ શું આપણને ફળ આપે ?
પ્રશ્નકર્તા : ગરમી, ગરમી.
દાદાશ્રી : ના, પણ ગરમી તો આ ઉપરેય લાગે છે પણ પગને શું થાય અસર ?
પ્રશ્નકર્તા : દઝાડે.
દાદાશ્રી : દઝાય. એટલે શેઠને એમ ભ્રમ પેસે કે આ કોન્ટ્રાકટરે શું કર્યું ? આવા ગરમ પથરા કેમ ઘાલ્યા આ લોકોએ ? એટલે કોન્ટ્રાકટરને ઠપકો આપે કે ‘ભઈ, તેં ગરમ પથરા ઘાલ્યા માટે તારા પૈસા કાપી લેવામાં આવશે.' ત્યારે કોન્ટ્રાકટર ખુલાસો કરે કે સાહેબ, મેં ગરમ પથરા ઘાલ્યા નથી, પથરા તો ઠંડા જ ઘાલ્યા છે, પણ આ સૂર્યનારાયણના સંજોગથી આ ગરમ થયેલા છે. તે હમણે સૂર્યનારાયણ આથમી જશે કે તરત એના સ્વભાવમાં આવી જશે.'