________________
૧૮
આપ્તવાણી-૧૪ (ભાગ-૧)
[૨] ક્રોધ-માન-માયા-લોભ, કોના ગુણ ?
એ છે વ્યતિરેક ગુણો ! આપને સમાધાન કંઈ થાય છે કે એવું જ ? ગૂંચવાડો થતો હોય તો ફરી પૂછજો. એવું નહીં કે અટકી જવાની જરૂર છે.
તમારામાં ક્રોધ-માન-માયા-લોભ હશે કે નહીં હોય ? પ્રશ્નકર્તા ઃ હોય જ ને !
દાદાશ્રી : તે તમારા પોતાના ગુણ કે આ જડના ? ચેતનના ગુણ હશે કે જડના હશે ?
હવે બધા સાધુ-સંન્યાસીઓ એવું જાણે કે જડમાં હોય નહીં, ક્રોધ-માન-માયા-લોભ ચેતન સિવાય હોય નહીં, તે બધું ગૂંચાયેલું છે. ગૂંચાગુંચ, ગૂંચાગુંચ આપણે કહીએ, “ચેતનના ગુણ કે જડના ?” ત્યારે કહે, “ચેતનના.' ચોખ્ખું કહી દેશે. હવે ચેતનના આ ગુણ નથી, બિચારાના. હવે ગુણ અવળા માનવાથી શું થાય ? ક્યારેય આત્મા પ્રાપ્ત થાય નહીં.
ત્યારે મોટા મોટા પંડિતો ને બધા કહે છે કે ક્રોધ-માન-માયાલોભ તો આ ચેતનનો જ ધર્મ. મેં કહ્યું, ‘નિરાંત થઈ (!) ગઈ હવે ! એટલે ત્યાં સિદ્ધગતિમાંય જોડે આવે નિરાંતે. હવે એ ચેતનનો ધર્મ નથી.” ત્યારે કહે, ‘જડનો ધર્મ છે ?” ત્યારે મેં કહ્યું, ‘ના, જડનોય નથી, મૂઓ.' ત્યારે કહે, ‘તો એ ઉપરથી પડ્યો ?” ત્યારે મેં કહ્યું, ‘હા, એ ઉપરથી પડ્યા જેવું જ છે. આ સમજ બધું વિજ્ઞાન છે આ તો.” અને
વિજ્ઞાન સિવાય ગમે તેવી માથાકૂટ કરે ને યોગો-બોગો બધુંય કરે, પણ કોઈ દહાડો આત્મા પામી શકાય નહીં. આ બધું સાયન્સ જુદું છે. વિજ્ઞાન શું છે, આ લોકોને ખ્યાલ ના હોય.
પ્રશ્નકર્તા : ક્રોધ ઉદ્ભવમાં આવેલો હોય તે કોનો ગુણ છે ?
દાદાશ્રી : ક્રોધ એ પુદ્ગલનો અન્વય ગુણ નથી, આત્માનો અન્વય ગુણ નથી, એ વ્યતિરેક ગુણ (વિશેષ ગુણ) છે. અને બન્નેને જુદા પાડીએ તો વ્યતિરેક ગુણ બંધ થઈ જાય.
પ્રશ્નકર્તા: આપ વિગતવાર સમજાવો.
દાદાશ્રી : વસ્તુના જેટલા ગુણધર્મ હોય એટલા બધા કાયમને માટે એની મહીં હોય. ક્રોધ-માન-માયા-લોભ જો આત્માના ગુણ હોત તો કાયમને માટે આત્મામાં રહેવા જોઈએ. જો પુદ્ગલના ગુણ હોય તો પુદ્ગલમાં કાયમને માટે રહેવા જોઈએ. એ જડના ગુણ નથી ને ચેતનના ગુણ નથી. એ બે વસ્તુ જોડે મૂકવાથી વિશેષ ગુણ ઉત્પન્ન થયેલા છે. છતાંય શાસ્ત્રકારોએ નામ જુદું પાડ્યું છે. શાસ્ત્રકારોએ એને વ્યતિરેક ગુણ કહ્યાં.
વ્યતિરેક એટલે અન્વય ગુણ નહીં. અન્વય ગુણ એટલે પોતાના છૂટે નહીં એવા. પુદ્ગલના ને આત્માના ગુણો અન્વય ગુણો છે.
વ્યતિરેક ગુણો પોતાને (આત્માને) ચોંટી પડે એ કેવી અજાયબી છે ! પોતાના આત્માના તો અન્વય ગુણો છે.
અત્યારેય આત્મા તો શુદ્ધ જ છે, ફક્ત આ પુદ્ગલ વિકૃત થયું
પ્રશ્નકર્તા : એ વિકૃત કેમ થયું ?
દાદાશ્રી : હા, આપણે ને આ બે ભેગા થવાથી. આપણામાં છે તે વ્યતિરેક ગુણ ઉત્પન્ન થયો. વ્યતિરેક ગુણ ઉત્પન્ન થવાથી આ પુદ્ગલ વિક્ત થવા માંડ્યું. વ્યતિરેક ગુણવાળો મહીં ભાવ કરે જ.