________________
[૧] પરિભાષા, દ્રવ્ય-ગુણ-પર્યાય તણી !
દ્રવ્ય એટલે અવિનાશી શાશ્વત દ્રવ્ય, એટલે કે તત્ત્વ. દ્રવ્ય હંમેશાં પોતાના સ્વતંત્ર દ્રવ્ય, ગુણ, પર્યાય સહિત જ હોય. દ્રવ્યમાં વસ્તુ એટલે વસ્તુનો સ્વભાવ અને એના ગુણો આ બે આવે, બીજું બધું પર્યાયમાં આવે.
એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં બિલકુલ ડખોડખલ કરી શકતું નથી. મૂળ દ્રવ્યને બીજા મૂળ દ્રવ્ય સાથે કંઈ જ લેવાદેવા નથી. એટલે દ્રવ્ય, ગુણ પર્યાય જુદા જુદા છે અને બીજા દ્રવ્ય સાથે અન્યત્વ (ભિન્નતા) છે, એટલે
નો કનેક્શન.
સૂર્યનારાયણ એ દ્રવ્ય એટલે કે વસ્તુ કહેવાય. પ્રકાશ એ એનો ગુણ કહેવાય અને જે કિરણો બહાર પડે છે તે પર્યાય કહેવાય. દ્રવ્ય, ગુણ અવિનાશી છે, પર્યાય વિનાશી છે. પર્યાય ઉત્પન્ન થાય, ટકે અને નાશ થાય. ‘ટકે’ અને ‘ધ્રુવ’ બેમાં બહુ ફેર છે. કાયમી રહે તેને ધ્રુવ કહેવાય. પણ ‘ટકે’ ત્યારેય તેમાં પરિવર્તન તો પળે પળે થતું જ હોય છે, જે અતિ અતિ સૂક્ષ્મ હોવાને કારણે દેખાતું નથી. પણ નાશ થવાનો પ્રોસેસ (પ્રક્રિયા) તો સૂક્ષ્મમાં ચાલુ જ છે. જેમ લાકડું વહેરાતું હોય ને અંતે બે ટુકડા થાય છે પણ વચ્ચે એ કપાતું હતું ત્યારે પળે પળે શું છૂટું નહતું પડતું ? કાળવર્તીને ટકે કહેવાય ને ત્રિકાળવર્તી વસ્તુને ધ્રુવ કહેવાય. અનંત પર્યાયો અનંત કાળથી બદલાતા હોવા છતાં ઉત્પન્નવિનાશ થાય છે, છતાં મૂળ આત્મા તો કાયમ ધ્રુવ જ છે. એમાં કશો જ ફેર પડતો નથી.
મૂળ દ્રવ્યના ગુણો પણ અવિનાશી છે, કાયમના છે. એને અન્વય ગુણો કહેવાય, જે સિદ્ધક્ષેત્રમાંય તેવા જ રહે છે. જ્યારે બે દ્રવ્યો ભેગાં થયા પછી જે વિભાવિક ગુણો ઉત્પન્ન થાય છે, જેને વ્યતિરેક ગુણો કહેવાય છે, જે ક્રોધ-માન-માયા-લોભ છે, તે વિનાશી છે, ટેમ્પરરી છે.
પર્યાય બહુ સૂક્ષ્મ હોય, જે દેખાય તે બધી અવસ્થાઓ છે. બહુ સ્થૂળમાં આવે ત્યારે અવસ્થા કહેવાય. દા.ત. કલાક એ અવસ્થા કહેવાય અને પળ એ પર્યાય કહેવાય. જોકે પર્યાયમાં પળ જેટલી સ્થૂળતા ન હોય. ઈન્દ્રિયગમ્ય બધી જ અવસ્થા ને અતિન્દ્રિયગમ્ય તે પર્યાય. જ્ઞાની પુરુષ કે કેવળજ્ઞાની સિવાય પર્યાયને કોઈ જોઈ ના શકે.
જ્ઞાન એ આત્માનો ગુણ છે અને તે કેવળજ્ઞાન જ, બીજું શુભાશુભનું
42
જ્ઞાન નહીં. શુદ્ધ પ્રકાશ, એ જ આત્મા, એ જ જ્ઞાન ! કેવળરૂપે જ્ઞાન થાય ત્યારે તે જ દ્રવ્યરૂપે કહેવાય અને કેવળ ના થાય ત્યાં સુધી જ્ઞાનરૂપે કહેવાય. દ્રવ્ય એવી વસ્તુ છે કે જે શુદ્ધ જ્ઞાન-દર્શન-સુખ-શક્તિ જે ગુણો છે તેનાથી જ ભરેલી વસ્તુ છે. એમાં એનો વિશેષ સ્વભાવ તે શાયક સ્વભાવ છે. જ્ઞાયક સ્વભાવ એટલે માત્ર જાણવાનો સ્વભાવ. જ્ઞાન અને આત્મા દ્રવ્યરૂપે અવિનાભાવ સંબંધે છે. જ્યાં સુધી જ્ઞાન સંપૂર્ણ શુદ્ધ નથી થતું ત્યાં સુધી જ્ઞાન ગુણ રૂપે રહે છે, જ્ઞાન જુદું પડે છે અને સંપૂર્ણ કેવળજ્ઞાન થયે દ્રવ્ય, જ્ઞાન એક જ થાય છે.
આત્માના ગુણો અને પુદ્ગલના ગુણો તદન જુદા જ છે અને અનંતા છે. સંખ્યાની દૃષ્ટિએ પણ સરખા નથી.
વિભાવિક આત્માના આઠ ગુણો કહ્યા, જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોહનીય... વિગેરે વિગેરે. જે આવરણને લીધે છે. એની શુદ્ધિ થાય એટલે શુદ્ધ જ્ઞાન, દર્શન, સુખ વિગેરે ઉત્પન્ન થાય, જે પછી સ્વભાવિક ગુણમાં આવી જાય.
જ્ઞાન, દર્શન, શક્તિ, સુખ, જે આત્માના ગુણ છે, એને આવરણ કરનારા વિભાવિક દશાના ગુણ છે, એ ઘાતીકર્મ. તેવી જ રીતે નામ, ગોત્ર, વેદનીય, આયુષ્ય, જે અઘાતીકર્મ કહેવાય છે, એ બધા પર્યાયને લઈને છે.
સિદ્ધાત્મા આખા જગતના જીવમાત્રના જ્ઞાતા-દ્રષ્ટા રહે છે. જે એનો ગુણ છે, જ્ઞાન-દર્શન. પણ તે બહાર નથી જોતા, તેમની અંદર જ બધાં શેયો ઝળકે છે, દેખાય છે. જેમ અરીસામાં દેખાય છે તેમ પોતાના દ્રવ્યમાં દેખાય છે.
આત્મદર્શન કોને થાય છે ? પર્યાયને ? ના. ‘દર્શન’ વિભાવિક ‘હું’ને થાય છે. ‘હું ચંદુ છું’ ને બદલે ‘હું શુદ્ધાત્મા છું’ એમ ભાન થાય છે. આનાથી અશુદ્ધ પર્યાય શુદ્ધ થઈ જાય છે. એટલે મૂળ દ્રવ્ય-ગુણપર્યાયનો ભેગો જ અનુભવ ‘હું’ને થાય છે.
જ્યાં સુધી અશુદ્ધ પર્યાયો છે ત્યાં સુધી ચિત્ત, પ્રજ્ઞા જુદું ગણાય છે. પર્યાયો બધા જ સંપૂર્ણપણે શુદ્ધ થઈ જાય તેને કેવળજ્ઞાન કહ્યું, પછી આ કંઈ જુદું રહેતું નથી.
43