________________
[ખંડ-૨]
દ્રવ્ય - ગુણ - પર્યાય ! બ્રહ્માંડમાં જે છ શાશ્વત તત્ત્વો છે, એ છએ છ પોતાના આગવાં, સ્વતંત્ર દ્રવ્ય, ગુણ અને પર્યાય સહિત જ હોય છે. આ છ તત્ત્વોમાં આત્મા એક તત્ત્વ છે જે આપણે રીયલમાં પોતે જ છીએ. અત્રે આ ખંડમાં કેવળ આત્માના જ દ્રવ્ય, ગુણ, પર્યાય વિશે વિશેષ ફોડ પાડવામાં આવ્યા છે.
આત્માર્થીને પ્રસ્તુત ખંડની આરાધના કરતાં પહેલા અતિ અતિ આવશ્યક છે કે બે સિદ્ધાંતને સ્પષ્ટપણે સમજીને આગળ સ્ટડી (અધ્યયન)માં
લેવું.
‘હું શુદ્ધાત્મા છું', શું એ અહંકાર બોલે છે ? ના, અહંકાર નથી બોલતો પણ ‘હું, ‘બોલે છે. અહંકાર જુદો રહે છે, એને નથી રહેતી કોઈ લેવાદેવા એમાં. અહીં અહમ્ જે અહંકારની પહેલાનું સ્ટેજ છે તેની વિશે વાત થાય છે. હવે ‘હું શુદ્ધાત્મા છું' એ શબ્દ રૂપે જ નથી, પણ તે તરફ વળેલી ક્રિયા છે. શ્રદ્ધા, બિલીફ ફરી તેમ આવરણ તૂટતું જાય. પછી જે અહંકાર રહે છે તે ડિસ્ચાર્જ અહંકાર છે. ભૂલો પડેલો અહંકાર ચાર્જ, સજીવ અહંકાર છે. ઊંધથી પાછા વળવા ય જે અહંકાર જોઈએ તે નિર્જીવ અહંકાર. તે વગર પાછા શી રીતે વળાય ?
જ્ઞાન મળ્યા પછી અહંકાર શુદ્ધ થાય છે (રોંગ બિલીફ ફ્રેકચર થવાથી), પણ ક્રોધ-માન-માયા-લોભના પરમાણુઓ ખાલી કરવાનાં બાકી રહે છે. તે સંપૂર્ણ ખાલી થઈ જાય તો તે સંપૂર્ણ શુદ્ધ અહંકાર થઈ જાય. પછી તે આત્માના સ્વભાવે એક સ્વભાવ થઈ ગયો (“હું” શુદ્ધ થઈ શુદ્ધાત્મામાં બેસી જાય) ! ત્યાં સુધી જુદું રહે.
‘'માં સહેજ પણ બીજા પરમાણુ હોય તો તે બહાર બેસે. બધા પરમાણુઓ ગલન થઈ જાય, પછી “હું” શુદ્ધાત્મામાં પેસી જાય એ જ મોક્ષ, એ જ ચરમ શરીરી. ક્રમિક માર્ગમાં આ છેલ્લે શુદ્ધ થઈ રહે છે.
પ્રકૃતિ ડિસ્ચાર્જ થવામાં ‘હું'ની જરૂર માત્ર ડિસ્ચાર્જ સ્વરૂપે રહે છે. એની સહીની જરૂર નથી, હાજરી જ બસ છે. કર્તાભાવે નાટક ભજવેલું, તે ભોક્તાભાવે ભજવવું પડે, ત્યારે જ ચોખ્ખું થાય. ભોક્તાભાવનો ડિસ્ચાર્જ અહંકાર કહ્યો.
અહંકારને ઓળખે તો ભગવાન બનાવે. ‘હું'ના કહેનારને સારી રીતે ઓળખવો, એટલે આખા પુદ્ગલને ઓળખવું, તો ભગવાન જ થઈ ગયો.
અહંકાર શુદ્ધની ભજના કરતો કરતો, શુદ્ધ થતો થતો સંપૂર્ણ શુદ્ધ થઈ જાય છે. જેવું ચિંતવે તેવો થાય. શુદ્ધ થઈ જાય એટલે ભગવાન જોડે એકાકાર થઈ જાય છે !
જેવો વ્યવહાર કરે તેવી ભજના થાય. છેક છેલ્લા અવતારમાં નિશ્ચય કામનો ને વ્યવહાર નિકાલીની ભજના થાય છે ત્યારે છૂટાય છે.
મુળ દરઅસલ આત્મા (નિશ્ચય આત્મા) ત્રણેય કાળ દ્રવ્ય, ગુણ, પર્યાયથી સિદ્ધ ભગવાન જેવો જ શુદ્ધ છે. જેના માટે આનાથી વિશેષ સમજવાનું હાલના તબક્કે કંઈ રહેતું નથી.
| વિભાવિક આત્મા (‘હું', વ્યવહાર આત્મા)ની વિભાવિક દશાના વ્યતિરેક ગુણોથી ઉત્પન્ન થયેલા જે પર્યાયો છે, જે અશુદ્ધ ગણાય છે. સ્વરૂપ જાગૃતિ પછી તેમને જ શુદ્ધ કરવાના રહે છે. પાંચ આજ્ઞા, શુદ્ધ ઉપયોગ વિગેરેની નિરંતર જાગૃતિથી તમામ અશુદ્ધ પર્યાયો શુદ્ધ થઈ જાય છે ને સંપૂર્ણ સ્વભાવ દશા ઉત્પન્ન થાય છે. મૂળ આત્મા જેવી જ દશા થઈ જવાથી પર્યાયની વિભાવિક દશાનો સંપૂર્ણ નાશ (ક્ષય) થાય છે. અને દરઅસલ આત્મરૂપ, કેવળજ્ઞાન સ્વરૂપ પોતે થઈ જાય છે ને અંતે તો કેવળ દ્રવ્યરૂપ આત્મા જ રહે છે, કેવળજ્ઞાન પ્રકાશક જ ! અત્રે વિભાવિક પર્યાયો જે અશુદ્ધ થયા છે, તેને શુદ્ધ કરતાં કરતાં કેવળજ્ઞાન સુધી પહોંચવાની મંઝીલના ફોડ પાડવામાં આવ્યા છે એમ સમજી આત્માર્થીએ અધ્યયનમાં લેવું. અને અધ્યયન કરતાં કરતાં જેમ જેમ ફોડ પડતા જશે, તેમ તેમ અહો ! અહો ! સ્વાભાવિક થતું જશે અને સહજાસહજ જ આવરણો હટતાં જશે. અક્રમ વિજ્ઞાની પરમ પૂજ્ય દાદાશ્રી સમક્ષ હરપલ કોટી કોટી સલામ કરતાં હૃદય મસ્તક ઝૂકી જાય છે. ધન્ય છે એ જ્ઞાનીને ને ધન્ય છે એ કેવળજ્ઞાન સુધીના ફોડ પાડતી વાણીને !!!
આત્માના પર્યાયોની અશુદ્ધિ એમ પ્રસ્તુત ગ્રંથમાં જયાં જ્યાં ઉલ્લેખ આવે ત્યાં ત્યાં વિભાવિક દશાના અશુદ્ધ પર્યાયો વિશેની વાત છે એમ પુરુષાર્થીએ (વાચકે) સમજવું.