________________
એ અનંત અવતારથી ક્યારેય બદલાયો નથી. જ્યારે પોતાપણું, પોતાપણા સિવાય બીજે ક્યાંય એડજસ્ટ ના થાય. આમ ‘હું’ અને પોતાપણું તદન જુદી જ વસ્તુ છે.
હું એ પોતાપણું નથી, પણ બધું માની લેનાર પોતે, એ જ પોતાપણું.
‘હું’ વસ્તુ નહીં સમજવાથી, ‘હું’ બીજી વસ્તુનો આરોપ કર્યો એ વિકલ્પ ઊભો થયો. તે વિકલ્પોનો આખો ગોળો, એને પોતાપણું કહ્યું. એમાં જેટલા વિકલ્પો ઓછા કરે તેટલા ઓછા થાય ને વધારે તેટલા વધે.
‘હું’માંથી વિકલ્પ થાય છે, પણ ‘હું’ તો ચોખ્ખું ને ચોખ્ખું રહે. પોતાપણું ઊભું થાય છે પણ એમાં ‘હું’ને કંઈ લેવાદેવા નથી, પોતાપણાને લેવાદેવા છે.
ખરેખર ‘હું’ પોતાપણું નથી કરતું, પણ ‘હું’નો આરોપ બીજી જગ્યાએ થાય છે તે આરોપ કરનારને પોતાપણું ઊભું થાય છે. અને એ આરોપ કરનાર છે અજ્ઞાન. અજ્ઞાનથી ‘હું ચંદુ છું’નું આરોપણ થાય છે, તે જ અહંકાર ને ‘હું શુદ્ધાત્મા' થયો એટલે અહંકાર ગયો અને જાગૃતિ ઉત્પન્ન થાય પછી.
જ્ઞાન પછી તન્મયાકાર કોણ થાય છે ? અહંકાર (સૂક્ષ્મતર) અને ના થવા દે તે જાગૃતિ, જે છૂટું જ રાખે છે. મૂળ આત્મા તન્મયાકાર થતો જ નથી.
તો ‘તમે’ તન્મયાકાર થાવ છો તેમાં ‘તમે’ કોણ ? ‘હું’ તો પહેલેથી રહેલું જ છે. તે ‘હું’ પહેલાં પ્રતિષ્ઠિત આત્મારૂપે વર્તતો હતો, તે ‘હું' જ્ઞાન પછી જાગૃતિ તરીકે વર્તે છે, એ જ જાગૃત આત્મા. તે તન્મયાકાર ના થાય પછી.
જ્ઞાન પછી પ્રતિષ્ઠિત આત્મા જ્ઞેય સ્વરૂપે, નિશ્ચેતન ચેતન સ્વરૂપે, ડિસ્ચાર્જ સ્વરૂપે રહે છે ને જાગૃતિ તેને જાણનાર. જ્ઞાન પહેલાં પ્રતિષ્ઠિત આત્મા જ જ્ઞાતા મનાતો હતો. સંપૂર્ણ જાગૃતિ વર્તે ત્યાં ‘હું’ મૂળ આત્મામાં એકાકાર થઈ જાય છે, પરમાત્મા થાય. નહીં તો ત્યાં સુધી જુદું વર્તે. અંતરાત્મા તરીકે રહે, જુદું રહીને.
આખા શરીરમાં ‘હું’નું સ્થાન ક્યાં ? સોય અડાડીએ તે પેલો ‘હું’
38
અ... બોલે ને ? જ્યાં જ્યાં વાગે ત્યાં ‘હું’ છે. મોટી બસના ડ્રાયવરનું હું ક્યાં ? આખી બસમાં ! ‘હું'પણું એટલું બધું વિસ્તારે છે.
પ્રકૃતિમાં આત્માની જાણવાપણાની શક્તિ ઊતરી છે. એને પાવર ચેતન કહે છે. એ પાવર પુરાય કઈ રીતે ? વિશેષભાવમાં ‘હું’ ઊભો થાય છે. ‘હું કરું છું’ માન્યું કે પાવર પુરાયો. ‘હું જાણું છું’ માન્યું કે પાવર પુરાયો. એ ચાલ્યા જ કરે... માત્ર માન્યતાથી જ કર્તાપણું ઊભું થયું છે.
‘હું શુદ્ધાત્મા છું’ એ જાણનાર કોણ ?
એ ‘હું’ જ જાણે છે. ‘હું ચંદુ છું’ એ ‘હું’નું જ્ઞાન બદલાયું ને ‘હું શુદ્ધાત્મા છું' થયું એટલે એ ‘હું’, અહંકાર જેને કહ્યો તે જાણે છે. અને અહંકાર બુદ્ધિ સહિત જ હોય, એ જાણવામાં બુદ્ધિ એકલી નહીં.
જ્ઞાન પછી રહે છે તે ડિસ્ચાર્જ અહંકાર, ચાર્જવાળો બંધ થઈ જાય છે. જ્ઞાન મળે છે ત્યારે અહંકાર બુદ્ધિ સહિત પોતે જ સમજી જાય કે મારું અસ્તિત્વ જ ખોટું છે અને શુદ્ધાત્મા જ મૂળ સ્વભાવ છે. એટલે એને બધું સોંપી દે. જ્ઞાનમાં અહંકાર સ્તબ્ધ થઈ જાય છે કે આમાં હું ક્યાં ? મારું માલિકીપણું કે મારો સ્કોપ ક્યાં ? ત્યારે જ આત્માની ને પોતાની ભેદરેખા એ સમજી જાય છે અને મૂળ પુરુષ (આત્મા)ને ગાદી સોંપી દે છે.
એ રીતે સમજીને અહંકાર આત્માને જાણે છે કહી શકાય ! બહાર આ વાત ઊંધી પકડાય કે અહંકાર કેવી રીતે આત્માને જાણે ? પણ તે જ્ઞાન વખતે જ આ પ્રક્રિયા બને છે. એટલે પહેલું જ્ઞાન થતું નથી પણ પહેલો અહંકાર જાય છે અને તેય જ્ઞાનવિધિ વખતે વિરાટ સ્વરૂપના પ્રતાપથી !!!
જ્ઞાન મળ્યા પછી ‘પોતે' સમ્યક્ દૃષ્ટિવાળો થાય છે, જે પહેલાં મિથ્યા દૃષ્ટિવાળો હતો. બન્ને ‘હું’ની એટલે અહંકારની જ દૃષ્ટિ છે. પહેલાં દૃષ્ટિ દ્રશ્યને જોતી હતી, જ્ઞાન પછી દ્રષ્ટાને જુએ છે. મૂળ આત્માને દૃષ્ટિ ના હોય. આત્માને તો સહજ સ્વભાવે શેયો ઝળકે, એના જ્ઞાનમાં જ ! આત્મજ્ઞાન જાણનાર અહંકાર છે, જેની દૃષ્ટિ આત્મામાં પડે છે ને ત્યાં જ તે શુદ્ધ થાય છે ને શુદ્ધાત્મા જોડે ઓગળી જાય છે, જેમ સાકરની પૂતળી પાણીમાં પડતાં જ ઓગળી જાય છે, તેમ !
39