________________
અહંકારને દુઃખ થાય છે, તેથી તેને મુક્ત થવું છે આમાંથી. હુંપણું ને મારાપણું ઉત્પન્ન થયું તેને નભાવે છે કોણ ? આત્માની હાજરી.
સ્વરૂપ જ્ઞાન પામ્યા પછી ક્રોધ-માન-માયા-લોભ એ પુદ્ગલના ગુણો ગણાય. અજ્ઞાન દશામાં એ આત્માના ગુણો મનાય છે, પણ ખરેખર નથી. અહંકાર એને ખાલી હાથે લે છે. જ્ઞાન પછી આજ્ઞામાં રહે એટલે કષાય, કશું અડે નહીં.
અનંત સુખધામ એવા આત્માને ચિંતા હોય ? આ તો ભ્રાંત માન્યતા છે કે આત્મા ચિંતા કરે છે. એવું કોણ માને છે ? અહંકાર. જે વેગળો રહે છે, બીજાને ગુનેગાર ઠરાવીને.
[૯] સ્વભાવ-વિભાવતા સ્વરૂપો ! દરેક દ્રવ્ય સત્ છે, અવિનાશી છે, પરિવર્તનશીલ છે અને પોતાના સ્વભાવમાં જ સદા સ્થિર રહે છે.
જગતના તમામ સંજોગો સ્વભાવથી જ ચાલે છે.
વિભાવ ઉત્પન્ન થયા પછી સ્વભાવ સ્વભાવમાં જ રહે છે અને વિભાવના પોતાના નવા જ ગુણો ઉત્પન્ન થાય છે.
સ્વભાવથી દુનિયા ચાલે અને વિભાવથી અથડામણો ઊભી થઈ. સ્વભાવ મોક્ષે લઈ જાય, વિભાવ સંસારમાં રખડાવે.
મહેનત કરવી એ વિભાવ અને અકર્તાપણું એ સ્વભાવ. સ્વભાવમાં જવા મહેનત નથી, પણ વિભાવમાં જવામાં છે.
રીયલ ધર્મ સ્વભાવિક ધર્મ છે. વ્યવહાર ધર્મ વિભાવિક ધર્મ છે. જેમાં તપ, ત્યાગ, ગ્રહણ કરવાનું હોય.
વસ્તુ સ્વભાવમાં આવે એનું નામ મોક્ષ.
આત્માની મૂળ સત્તા સ્વભાવ જ છે, વિશેષ પરિણામ નથી. વિશેષ પરિણામ એ વિભાવિક સત્તા છે, સંયોગી સત્તા છે, મૂળ નથી.
આત્મા પોતાના સ્વ-સ્વભાવ કર્મનો કર્તા છે, બીજા કોઈનો નહીં. જેમ પ્રકાશ બધાને સ્વભાવિક અજવાળે છે તેમ આત્માનું છે. ભ્રાંતિથી સંસારનો કર્તા કહ્યો.
પરસ્વભાવ ભાવ એ પરપરિણતિ. કરે કો'ક ને માને ‘હું કરું છું એ પરપરિણતિ !
પરમ પૂજ્ય દાદાશ્રી વિજ્ઞાન જેમ છે તેમ જોઈને બોલે છે. આત્મા કોઈ ચીજનો કર્તા જ નથી અને કર્તા વગર કશું થતું નથી.
પોતે ચીતરે સંસાર ને વિચિત્રતા લાવે ‘કુદરત'.
આત્મા દરેક જીવમાં છે, પણ બહારનો ભાગ ડેવલપ થતો થતો આત્મસ્વભાવ ભણી જાય છે. વિભાવ, સ્વભાવ તરફ જાય છે.
અરીસા સામે ઊભો રહેનાર અને અરીસાનું પ્રતિબિંબ બે એક જ સરખા લાગે, મૂળ આત્મા અને એના જેવો “હું” (વ્યવહાર આત્મા) બન્ને સરખા થાય ત્યારે છૂટાય. બે જુદા છે તેનાથી સંસાર થયો.
અહંકારને શુદ્ધ કરી આત્મસ્થિતિમાં આવવું પડશે. બધાં જ જ્ઞાન આત્મામાંથી જ નીકળે.
પુદ્ગલ પોતાના સ્વદ્રવ્યને આધીન છે. દરેક તત્ત્વો પોતપોતાનાં દ્રવ્યને આધીન છે. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યમાં જતું જ નથી ને પોતાનો સ્વભાવ છોડતું નથી.
વિભાવ એટલે પૌગલિક જ્ઞાન ને બીજું આત્માનું સ્વભાવિક જ્ઞાન.
સ્વભાવમાં રહેવું, જ્ઞાતા-દ્રષ્ટા રહેવું તે ચારિત્ર. કોઈ ગાળ આપે ત્યારે પોતાની મહીં શું શું ચાલી રહ્યું છે તેનો આત્મા જ્ઞાતા-દ્રષ્ટા રહે.
વિભાવમાંથી ભાવના ને ભાવનામાંથી વાસના. ભૌતિક સુખની ભાવના એ જ વાસના.
પુદ્ગલ વિકારી થાય ?
ના, જાતે એ વિકારી ના થાય. પુદ્ગલ સક્રિય સ્વભાવનું છે એટલે અક્રિય નથી. સક્રિય એટલે ક્રિયાવાન છે એ, પણ વિકારી થવાનું કારણ વ્યતિરેક ગુણોને પોતાના માનવામાં આવે છે તેથી. વ્યતિરેક ગુણો પાછા પાવર ચેતનવાળા છે.
આત્માના વિભાવથી રાગ-દ્વેષ ને સ્વભાવથી વીતરાગતા !