________________
સીટનું સિલેક્શન, સ્વ-પરનું !
૧૦૩
૧૦૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : એટલે ભેગા થઈ જવું એ વસ્તુ કે આ જે તપ છે, એમાં ક્યા વિભાગ માટે વ્યવસ્થિતના તાબામાં કહો છો ?
દાદાશ્રી : ના, ભેગા થવું તે જ વ્યવસ્થિત. વ્યવસ્થિત આવું જ હતું, તેમાંથી આ પુરુષાર્થ કરીને જુદું પાડ્યું અને એની બળતરા. વ્યવસ્થિતને
ઓળંગ્યું એની બળતરા દિન-રાત ચાલુ રહે અને આપણને મજા આવે, નિરાંતે આઇસ્ક્રીમ ખાય તોય ઓગળે નહીં. ખરી મજા આવે, નહીં ?! ' કહ્યું છેને, ઉત્તમ પદ આવ્યું છે આ. જો આ સળગ્યા કરશે તો કામ નીકળી જશે. બધો કચરો બાળીને ભસ્મીભૂત કરી નાખેને ! એટલે જે ખુરશી ઉપર તું બેસીશ, ત્યાં કશું દુ:ખ ના થાય ત્યારે જાણવું કે આ ખુરશી આપણી. વેદનાવાળા ભાગ ઉપર કોઈ બેસે જ નહીંને ! કોઈ ખુરશી ઉપર સહેજ દઝાવાય, કોઈ ખુરશી ઉપર વધારે દઝાવાય, કોઈ ખુરશી ઉપર શૉક લાગે. એ ત્યાંથી ઊઠી જવું, ઝટ, એવી મહીં ચાર-પાંચ ખુરશીઓ છે. એવી સમજણ પાડી એને, પછી પાછો બેસતો હતોય ખરો પણ પાછું ફરી ઉઠાડું. હવે ખબર પડે છે તને કે આ ખુરશીમાં ખોટી રીતે બેસી ગયો છું ?
પ્રશ્નકર્તા : દાદા, ખબર તો પડે જ છે.
દાદાશ્રી : હજુ ખબર પડે છે ત્યાં સુધી એ ફેરફાર થવાની આશા. એ ખબર જ ના પડે, તેનો ઉપાય શો પછી ? અત્યારે તો તમે વાતો કરો એ મને સંભળાય નહીં, તો પછી મારે શું એમાં લેવાદેવા ? મને શું ફાયદો ?
તે આપણે રિલેટીવ ઉપર બેસીએ, તે તરત ખબર ના પડે કે શોક લાગે ? એટલે ઊઠીને ત્યાં પેલી શુદ્ધાત્માની ખુરશી ઉપર બેસી જવું. માટે સ્વભાવને ઓળખો. શૉક લાગે ત્યાં જ બેસીએ પછી બુમાબુમ કરીએ. ‘દાદા, મને મહીં થાય છે...’ ‘અલ્યા મૂઆ ! તું ઊઠને અહીંથી. ત્યાં તારી ખુરશી ઉપર બેસને ! તને રિલેટિવ ને રિયલના ભાગ પાડી આપ્યા કે આ તારી ખુરશી ને આ પેલાની ખુરશી.
પ્રશ્નકર્તા : રિલેટિવ ખુરશી ઉપર એટલો મજબૂત શોક લાગતો નથી એટલે ખબર નથી પડતી. એમાં બેસી જ રહેવાય છે ત્યાં.
દાદાશ્રી : હા. પણ એ મીઠું લાગે, ગળ્યું લાગે, પણ જીભે કપાતી હોય જરા. એટલે તલવારની ધાર ઉપર મધ મૂક્યું હોયને, તે ગળ્યું લાગે ને જીભ કપાતી હોય. વચ્ચે લ્હાય બળતી હોય, બેઉ સાથે ચાલતું હોય !
પ્રશ્નકર્તા : દાદા, રિલેટિવ ખુરશીમાં આંચકો લાગે છે ત્યારે એકદમ ઊઠી જવાતું કોઈવાર ને દાદા યાદ આવી જાય.
દાદાશ્રી : હા, પણ એવું થઈ જાય છેને એટલું થોડુંઘણું ઊઠ્યાને ! ઊઠવાનો ભાવ તો થયોને ! પણ આ જે સ્વભાવને ઓળખે, તે તરત ઊઠી જાય કે આ ન્હોય, આ હોય, આ ભૂલ્યો. જેમ આપણે હાથ અડાડીએ પેલા ઇલેક્ટ્રીકના વાયરને અને શૉક લાગતો હોય તો પછી આપણે શું કહીએ કે જોજે, ત્યાં અડીશ નહીં. એવું આનેય ચેતવતા જવું, બિવેર. તે પેલા ચારસો વોલ્ટવાળામાં તો મરણ થાય પણ આ તો અનંત અવતારનું મરણ થાય, બળ્યું ! એટલે મોટું બોર્ડ મારી રાખો. આત્મા પ્રાપ્ત થયો હોય તો, નહીં તો બહાર તો કોઈને કશું કહેવાય એવું નથી. તમને રિલેટિવ ને રિયલ ખુરશી બેઉ ખબર પડી ગઈ છે એટલે કહેવાય. બહાર વાત કરીએ તો એમાં ભલીવાર નથી !
પર સીટમાં લાગે મીઠાશ, પણ.... પ્રશ્નકર્તા : એટલે પેલી પોતાપણાની સીટ ઉપર જતા નથી રહેવાનું, એ નિરંતર એ જ જાગૃતિ રહ્યા કરવી જોઈએ ?
દાદાશ્રી : ગોદા મહીં લાગે છે, શોક લાગે છે તોય પણ ત્યાં જ બેસી રહે છે. ઇલેક્ટ્રિક શોક લાગે તો તમે ખેંચી લો ?
પ્રશ્નકર્તા : ખેંચી જ લે છે.
દાદાશ્રી : એ કેમ કર્યું ? ત્યારે કહે, શોક લાગે છે. એવું આ ખુરશીમાં શોક લાગ્યો. કમ ટુ ધી ઇઝી. ખબર પડે કે ના પડે ?
પ્રશ્નકર્તા : શોક લાગે છે. ત્યાંથી તો તરત પાછો ખસે, પણ હવે મીઠાશ ઊભી થાય ત્યાં સીટ ડાઉન થઈ જાય. પણ પારકી સીટ એટલે મીઠાશ પણ લાગે અથવા શૉક લાગે એવું પણ બને છે.