________________
તન્મયાકાર કોણ ? જાણે કોણ ?
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : ઉદયકર્મને આધીન ‘ચંદુભાઈ અને જાણનાર પોતે છે. દાદાશ્રી : હા. પોતે કે પોતાની એ પ્રજ્ઞા જ ! પ્રશ્નકર્તા: હવે જો જાણનાર પોતે હોય પ્રજ્ઞાશક્તિ તો ડખો ના કરે ?
દાદાશ્રી : મહીં ડખો તો ચંદુભાઈ કરે, ઉદયકર્મના આધીન હોય તો. પણ તેમાં આને પ્રજ્ઞાશક્તિની જાગૃતિ ના હોય તો એ ભેગો થઈ ગયો. જાગૃતિ ના હોય, તે ઘડીએ ડખો થઈ જાય પેલામાં.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા ભેગી થઈ જાય ?
દાદાશ્રી : ના. પ્રજ્ઞા ભેગી ના થાય. પ્રજ્ઞા તો એનું કામ કર્યા કરે, પણ જાગૃતિ ના હોય તો ડખો થઈ જાય. આપણને ખબરે ય પડે કે આ ડખો થયો.
પ્રશ્નકર્તા : પ્રજ્ઞા જો જાગૃતિમાં ના હોય તો ભેગો કોણ થઈ જાય છે ચંદુભાઈ જોડે ? ચંદુભાઈના ડખા જોડે કોણ ભેગું થઈ જાય છે ?
દાદાશ્રી : અજાગૃતિ. એટલે બોલવું નહીં, મૌન રહેવું, એનું નામ ડખો. જોયું-જાણ્યું નહીં એનું નામ મૌન રહ્યા. અજાગૃતિ એટલે એનું નામ ડખો. બીજું કોણ ભેગું થવાનું ? એને પાછી મીઠાશ હઉ વર્તે, એટલે એનું નામ ભેગા થઈ ગયા કહેવાયને !
પ્રશ્નકર્તા : મીઠાશ કોને વર્તે ?
દાદાશ્રી : આ એનો જે ડિસ્ચાર્જ અહંકારને. હવે જો ત્યાં આગળ ‘જોનારો' હોત તો બેઉ છૂટા થઈ જાત. આનો હિસાબ બાકી રહ્યો, તે આવતા ભવને માટે સિલ્લક રહી, શેષ વધી અને તીર્થંકર નિઃશેષ હોય. આને શેષ વધી. ફરી પાછો ભાગાકાર કરવો પડશે. શેષ વધે નહીં એવો જોઈએ.
પ્રશ્નકર્તા : ઉદયકર્મ અને ચંદુભાઈ એ બેઉ જુદા છે ? કારણ કે આપે કહ્યું કે ચંદુભાઈ ઉદયકર્મમાં ડખો કરે પણ આપણે એમાં ભળીએ નહીં.
દાદાશ્રી : ચંદુભાઈ તો ડખો કરે. એ તો ઉદયકર્મમાં ડખો કરાવવાનો સ્વભાવ જ છે અજ્ઞાનતાનો. ચંદુભાઈ એટલે અજ્ઞાનતા. અને એનો સ્વભાવ જ છે ડખો કરવાનો. પણ તેને આપણે જો ‘જાણીએ' તો બેઉ છૂટા. જાણીએ નહીં એટલે મૌન રહે. અને મૌન રહીએ એટલે પેલામાં સહી થઈ ગઈ !
પ્રશ્નકર્તા : આપણે તન્મય થયા, એમાં એકાત્મ થઈએ ને મૌન એટલે તો પછી ? એમાં એક થઈએ એવું ?
દાદાશ્રી : અરે, ટૈડકાવે છે, તો ય ખબર નથી રહેતી કે હું આ ખોટું કરી રહ્યો છું. બોલો હવે, કેવા કેવા મોટા ઉદયકર્મ જતા રહેતા હશે ?!
પ્રશ્નકર્તા : ઉદયકર્મમાં જે ડખો થતો હોય તે ઘડીએ મૌન રહીએ એટલે સહી થઈ ગઈ. એ મૌન રહેવું ત્યાં ન હોવું જોઈએ એવું ?
દાદાશ્રી : ઉદયકર્મમાં જેમ હોય તેમ થવા દેને ! કશું કરવાનું તો રહ્યું નથી. હવે જાણવાનું રહ્યું છે. મૌન એટલે શું ? ઉદયકર્મ સામસામી લડે તેમાં તમે ‘જોયું’ નહીં માટે મૌન રહ્યા. ઉપયોગ ના દીધો એટલે પ્રમાદમાં ગયું, એ મૌન. પ્રમાદ એ મૌન, આપણા આવતા ભવની સિલ્લકે ય જોઈએને ! બધું કંઈ વટાવી ખઈએ તો ચાલે ?
પ્રશ્નકર્તા : ને એ મૌન ના હોય, તો કેવું હોય ?
દાદાશ્રી : છૂટા થઈ જાય બેઉ. ચંદુભાઈ પેલાની જોડે ડખો કરતાં હોય તેને આપણે “જોયું” અને “જાણ્યું એટલે આપણે ય છૂટા અને ચંદુભાઈ કે છૂટા. ચંદુભાઈને ફરી કર્મનું કોઈ કારણ રહ્યું નહીં અને આપણે ય ના રહ્યું.
પ્રશ્નકર્તા: મૌન ન હોય તો શું હોય ? જેને આપ જાગૃતિ કહો છો ? એની સામેનો શબ્દ શું છે ?
દાદાશ્રી : જાગૃતિ ! અજાગૃતિને મૌન કહીએ છીએ આપણે. જાગૃતિ ના રહે, એનું નામ પ્રમાદ, જાગૃતિ એટલે અપ્રમત્ત.