________________
તન્મયાકાર કોણ ? જાણે કોણ ?
૮૩
તન્મયાકાર થવાય તે ભ્રમણા જ !
પ્રશ્નકર્તા : જે સંયોગોમાં તન્મયાકાર થઈ જવાય છે...
દાદાશ્રી : તન્મયાકાર થઈ જાય છે તે ય તું નથી, શુદ્ધાત્મા નથી. શુદ્ધાત્મા તન્મયાકાર થઈ શકે જ નહીં. એ તારી ભ્રામક માન્યતા છે, તે માન્યતાને લીધે તન્મયાકાર થઈ જાય છે. તેને જાણ કે તન્મયાકાર કેટલો થયો છે આ. એકદમ તન્મયાકાર થઈ ગયો છે કે થોડો થોડો, કાચોપોચો કે સંપૂર્ણ એડજસ્ટ થઈ ગયો છે ! એ બધું જાણ. જાણ્યું કે તું છૂટ્યો.
પ્રશ્નકર્તા : આ બહુ પાયાનો સવાલ છે. કારણ કે તમે કહ્યું’તું કે જ્ઞાન આપ્યા પછી બધાં નિર્લેપ થઈ જાય. તો પછી અમને તો એવાં નિર્લેપ હજુ થયા દેખાતાં નથી. અમને એવું દેખાય છે કે આ લેપાયમાન થઈ ગયા, પછી પાછાં જુદાં પડ્યા, પાછાં લેપાયમાન થયાં, એવું જે અમને ભાન થાય છે, તે કેમ થાય છે ?
દાદાશ્રી : તમે પોતે લેપાયમાન થઈ જાવ છો એવું ભાન થાય છે, નહીં ? એ ભાન, આત્મભાન નથી. આત્મભાન તો, ક્યારેય લેપાયમાન ના થાય, એનું નામ આત્મભાન કહેવાય. માટે આપણે કહેવાનું કે આ જગ્યા આપણી હોય. આપણી જગ્યા આવી વેરાન નથી. આપણી તો જાયજેન્ટીક(ભવ્ય) છે. આ વેરાન જગ્યા આપણી ક્યાંથી હોય ? આ હોટલ આપણી નહીં, એવું ખબર ના પડે ? આપણે કઈ નાતનાં છીએ એ હિસાબે આપણી હોટલ ખબર ના પડે ? સુગંધ ઉપરથી સમજી જઈએ કે અહીં બિરયાનીવાળી હોટલ... એટલે આપણે હોટલને ય સમજી જઈએ.
એવું આ તન્મયાકાર થાય એ ભાવ આપણો નહીં. એટલે તન્મયાકાર કેવા પ્રકારે થાય છે એ ‘જોયા’ કરવું. સંપૂર્ણ તન્મયાકાર થાય છે કે અડધો
તન્મયાકાર થાય છે ?
પ્રશ્નકર્તા : હા, એટલે જુદી જુદી ડિગ્રીમાં તન્મયાકાર થવાય છે ! દાદાશ્રી : હા, પણ જુદી જુદી ડિગ્રીને જે જાણે છે તે આત્મા છે.
એવું છે ને, આટલાં બધાં થર્મોમિટર વપરાતાં હશે, પણ કોઈ ડૉક્ટરનાં
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
થર્મોમિટરને તાવ ચડી ગયો હશે ? શુદ્ધાત્મા થર્મોમિટર સમાન છે. એ કેટલી ડિગ્રી તાવ ચઢેલો છે એ દેખાડે. થર્મોમિટરને કોઈ દા'ડો તાવ નથી આવ્યો ! એ તો ઊલટું તાવ દેખાડે એવું છે ! લોક કહેશે કે ભઈ, આ તાવને અડી અડીને આ થર્મોમિટરને તાવ ચઢી ગયો છે ! મૂઆ, એને ચઢતો હશે ? ડૉક્ટરને ચઢી જાય, પણ થર્મોમિટરને ના ચઢે. થર્મોમિટરના માલિક જે છે ને એને ચઢી જાય, ડૉક્ટરને !
૮૪
પ્રશ્નકર્તા : જ્યારે અમે તન્મયાકાર થઈ જઈએ એટલો વખત
અમને શુદ્ધાત્મા પદનું ભાન નથી રહેતું ને !
દાદાશ્રી : શાથી નથી રહેતું પણ ? ‘હું તન્મયાકાર થઈ ગયો' એટલે પેલું ભાન ખોવાઈ જાય. કોઈ માણસે દારૂ ના પીધો હોય છતાં ય અમથો એમ કહે કે, હા, મેં તો આજ દારૂ પીધો છે, તો એટલો વખત ચઢી જાય. એટલે દારૂડિયા જેવા લક્ષણ નીકળે, ના પીધો હોય છતાં ય.
પ્રશ્નકર્તા : પણ કેટલીક વખત એવા લેપાયમાન થઈ જઈએ છીએ
ને, તો પૂરેપૂરું દારૂ પીધા જેવું જ દેખાય છે ! એનો સવાલ છે ને ! એટલે
અમે કેવી રીતે જાતને નિર્લેપ કહીએ ?
દાદાશ્રી : આપણે સમજી જવું કે આ હોટલ આપણી હોય. એટલે બીજી કઈ હોટલ આપણી છે તે જડશે. દાદાએ કહી છે એ હોટલમાં આપણે હું નિર્લેપ છું, શુદ્ધ જ છું, મને આ કેમ હોય ?
દ્રશ્ય ને દ્રષ્ટા એક ના હોય. તન્મયાકાર થયા છીએ એ દ્રશ્ય છે
અને દ્રશ્ય પોતે કંઈ સમજી ના શકે કોઈ દા'ડો કે આ તન્મયાકાર થયો છું. એ તો દ્રષ્ટા જ જાણી શકે છે. જાણ્યું કોણે ? ત્યારે કહે, દ્રષ્ટાએ. તમે પોતે દ્રષ્ટા છો ! તો ય ‘પોતાને’ ખ્યાલ ના આવે. કેવી અજાયબી કહેવાય !
પ્રશ્નકર્તા : એવું કશુંક થાય છે, કે જેથી અમે દ્રશ્યનો ભાગ બની જઈએ છીએ. અમારું દ્રષ્ટાપણું તે વખતે ક્યાં ગયું ?
દાદાશ્રી : ના. એવું છે ને, તમે લેબોરેટરીમાં ભણેલા, તો તે ચાર જ કલાકમાં તમે ભણી રહો છો બધું ?