________________
તન્મયાકાર કોણ ? જાણે કોણ ?
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : તન્મયાકાર થતી વખતે ના ખ્યાલ આવે કે હું તન્મયાકાર થયો. પણ પછી ખ્યાલ આવે.
દાદાશ્રી : પછી ખ્યાલ આવે તો ય વાંધો નહીં. એ તો પેલું જોર બહુ એટલે. પેલું જોર ઓછું થાય એટલે પછી જાગૃતિ આવશે. જોર બહુ એટલો ઓછો ખ્યાલ આવે.
આપણે સ્ટેશન ઉપર ટિકિટ આપતા હોઈએ અને બહુ માણસ આવ્યું ને ધમપછાડા કરતું હોય તે ઘડીએ આપણને જરા કંટાળો આવે. પણ આ ધમપછાડા હમણે ઓછાં થઈ જશે. તું ટિકિટ કાપ કાપ કર્યા કરને ! પછીથી મજા આવશે. આ તો ફોર્સ છે. પેલા હલકાં કર્મમાં તમને નથી થતું એવું. ભારે કર્મનો ફોર્સ હોય ત્યારે થઈ જાય છે. એટલે કેટલાંકને ધંધાની બાબતમાં થઈ જાય, કેટલાંકને વિષયની બાબતમાં થઈ જાય. એટલે વિષયની બાબતમાં ફાઈલ હોય તો પછી છ મહિનાનું બ્રહ્મચર્ય વ્રત લેવું જોઈએ. તો જાગૃતિ રહે.
પ્રશ્નકર્તા ઃ તન્મયાકાર થઈ જવાય તો જાગૃતિનો અભાવ સમજવો કે શું સમજવું ?
દાદાશ્રી : જાગૃતિનો અભાવ નથી. જાગૃતિ તો ત્યાં છે જ. જાગૃતિ તો છે, તમારા કર્મનું ઉદયબળ જબરજસ્ત છે, ફોર્સ છે. અડધો ઇંચની પાઈપમાંથી પાણી આવતું હોય ત્યાં સુધી આંગળી રહે અને ફોર્સથી દોઢ ઇચના પાઈપમાંથી આવે તો આંગળી ખસી જાય. એવો ફોર્સ છે કર્મનો. પછી એ ફોર્સ થોડો ઓછો થઈ જાય એટલે પાછી આંગળી રહે. જાગૃતિ તો નિરંતર હોય છે જ. પણ જેટલું આવી રીતે થયું. તે ફાઈલો ફરી તમારે નિકાલ કરવી પડશે. જાગૃતિની હાજરી સિવાય જે ફાઈલો ગઈ, તે ફાઈલોનો પાછો ફરી જાગૃતિપૂર્વક નિકાલ કરવો પડશે. એટલે સેકન્ડ ટાઈમ આવશે. આ ભવમાં ને આ ભવમાં આવ્યા કરે. જાગૃતિ તો નિરંતર રહેવાની.
પ્રશ્નકર્તા : આ લક્ષ તરત આવી જાય છે, પણ આમ મિનિટેમિનિટે લક્ષ નથી રહેતું.
દાદાશ્રી : એ તો ચંદુભાઈ તન્મય થઈ જાય છે, તમે નથી થતા. આ
જ્ઞાન જ એવું છે ને, તન્મય થાય જ નહીંને ! તમારે ચંદુભાઈ તન્મય થઈ જાય છે, એને જોયા કરવાનું. અને એ અભ્યાસની જરૂર છે. એને સત્સંગની જરૂર છે. અમારી પાસે આવીને બેસો તેમ તેમ શક્તિ વધતી જાય.
પ્રશ્નકર્તા : તન્મયાકાર થઈએ, તો પછી નવું કર્મ ચાર્જ થાય ?
દાદાશ્રી : ના, એ ખબર પડેને પછી ! પછી આપણને ખબર પડેને કે આ ચંદુભાઈ તન્મયાકાર થઈ ગયા છે. તો એ ચાર્જ ના થાય. કપડામાં સાબુ ઘાલ્યો, પણ એને ધોવામાં કાચું રહી ગયું તો ફરી ધોઈ નાખવું. એને કપડાને નિચોવવામાં કંઈ ભૂલચૂક થઈ ગઈ તો ફરી નીચોવવું... સહેલો રસ્તો છેને, દાદાનો રસ્તો !
પ્રશ્નકર્તા : કોઈ ક્રિયા કરીએ છીએ, તે વખતે એકાકાર થઈ જવાય છે. ત્યાર પછી આપણને શુદ્ધાત્માના લક્ષમાં કોણ પાછું લાવે છે ?
દાદાશ્રી : કોઈ લાવતું જ નથી. તે ઘડીએ ય હતું. આ તો વૃત્તિઓ તન્મયાકાર થાય છે. પોતે આત્મા તો પ્રકાશરૂપે હતો જ. એ તો પેલું વૃત્તિઓ આમ તન્મયાકાર થાયને, તે એમ લાગે કે આ શુદ્ધાત્માનું લક્ષ નહીં હોય કે શું ? અલ્યા છે જ. તે ગોટાળો ગયો કે શુદ્ધાત્મા પાછો હાજર ને હાજર જ દેખાય આપણને. ઊંઘમાં ય હાજર છે.
પ્રશ્નકર્તા : ખાસ કરીને કો'ક વાર ગમતું આવે ત્યારે એમાં તન્મયાકાર થઈ જવાય.
દાદાશ્રી : હા, પણ એ તો છે તે ચંદુભાઈ થાયને, આપણે ક્યાં થઈએ ?! આપણને ખબર પડે કે ચંદુભાઈ હવે તન્મયાકાર થયા. તે પછી ‘આપણે’ ‘ચંદુભાઈ’ને કહેવું, ‘ના ગમતું આવે ત્યારે ઢેડફજેતો કરો છો, એના કરતાં બધું આમ સીધું રાખો ને !'
ના ગમતું આવે એટલે વિરોધ કરે છે. નથી ગમતું તો વિરોધ કરે છે તે ય ચંદુભાઈ, ગમે છે તે ય ચંદુભાઈ. એટલે રાગ-દ્વેષ કર્યા કરે છે એ ‘ચંદુભાઈ” અને વીતરાગ રહો છો તે ‘તમે” ! ચંદુભાઈ દ્વેષ કરે છે, તો ય એની પર તમે વીતરાગ રહો છો અને ચંદુભાઈ રાગ કરે છે, તો ય વીતરાગ રહો, એવા તમે જ્ઞાતા-દ્રષ્ટા પરમાનંદી !