________________
જુદાપણું વર્તાવવા, વાતચીતનો પ્રયોગ !
૪૯
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પાછળ પડે છે. મને વાંકું બોલતાં આવડતું નથી. પૉલીશ કરતાં નથી આવડતું. એ પૂછે કે આપનું સરનામું શું, તો હું કહી દઉં એટલે એ પાછો ઘેર આવે. એટલે આ તો બધી વળગાડ પાર વગરની. એના કરતાં મારા સગા ભાઈઓ જેવા બધા થર્ડ ક્લાસવાળા પેસેન્જરો સારા છે. એટલે શું જતાં-આવતાં કો'કની ઠોકરો વાગે તો મહીં શું કષાયભાવ ભરેલા છે તે ખબર પડે. કો'કની ઠોકર વાગી હોય, તે શું કચાશો બધી માલમ પડે. એટલે કચાશો બધી એમ કરીને નીકળી જાય.
પછી આ પગ દુ:ખેને એટલે શું કહ્યું, ‘અંબાલાલભાઈ, પગ તમને બહુ દુખ્યા, નહીં ? થાકી ગયા છો. કારણ કે આમ ને આમ એકડાઈને બેઠા હશોને એટલે પગ દુખ્યા છે.” એટલે પાછો બાથરૂમમાં તેડી જઉં ને ત્યાં જઈને ખભો થાબડું, ‘હું તમારી જોડે છુંને, શું કામ ડરો છો ? અમે શુદ્ધાત્મા ભગવાન છીએ ને, તમારી જોડે.’ એટલે પાછા ફર્સ્ટ ક્લાસ થઈ જાય.
મુશ્કેલીમાં આવે ત્યારે ખભો થાબડીને કહેવું. પહેલાં એક હતા, તે હવે બે થયા. પહેલાં તો કોઈનો સહારો જ ન હતો. પોતે જ પોતાની મેળે સહારો ખોળતા રહે. એકના બે થયા. આવું કોઈ ફેરો કર્યું'તું કે નહોતું કર્યું ?
પ્રશ્નકર્તા: કર્યું છે.
દાદાશ્રી : તે ઘડીએ આપણને જુદી જાતનું લાગેને ? જાણે આખા બ્રહ્માંડના રાજા હોયને એવી રીતે આપણે બોલવાનું હોય. આ બધું મારા અનુભવની વાત તમને બધી દેખાડી દીધી.
દરેક જોડે કરે દાદા વાતો ! આ ક્યારનો પૂછ પૂછ કરે છે, પિસ્તા લાવું ? કેરી લાવું ? અલ્યા, પિસ્તા બેસી રહેલાં હોય તેને આ ઉઠાડે પાછા ! પેલોય એવું કરે, ‘દાદા, આ લાવું, કેરી લાવું.’ હવે બેસી રહેવા દેને એક જગ્યાએ એમને, પિસ્તાને !
પ્રશ્નકર્તા : દાદા, આપની વાણીમાં છેને, પેલી પતરાની પેટી રાખતા'તા. પેટીને કહી દીધેલું કે તારે જયારે જવું હોય ત્યારે જજે. એટલે એની જોડેય વાતચીત પછી.
દાદાશ્રી : તારે જ્યારે જવું હોય ત્યારે જજે, અમારી ઇચ્છા નથી. અમે તો આ સૂઈ ગયા.
પ્રશ્નકર્તા : પણ તું જાય તો મને વાંધો નથી.
દાદાશ્રી : ના. ‘એવું વાંધો નથી.’ એવું ના બોલીએ. ‘તારે જ્યારે જવું હોય ત્યારે જજે, અમારી ઇચ્છા નથી.’ ‘વાંધો નથી’ એવું બોલીએ તો તો ચિડાઈને જતી રહે. આપણે તો ‘અમારી ઇચ્છા નથી’ એમ કહેવું, ને પછી ‘તારે જવું હોય તો જજે.”
પ્રશ્નકર્તા: પેલી સ્ટીમરની કાનમાં ફૂંક મારી.
દાદાશ્રી : હા, ફૂંક મારી દીધી. એટલે ‘જ્યારે ડૂબવું હોય ત્યારે ડૂબજે, અમારી ઇચ્છા નથી. જો અમારી ઇચ્છા ડૂબાડવાની તને હોય તો આ પૂજા શું કરવા કરી ?” પૂજા-ભૂજા કરાવીને પછી ચાલુ મૂકીએ.
પ્રશ્નકર્તા : એટલે આમાં ખૂબી એ છે કે, દરેક જોડે સ્ટીમર, બેગ, પેલી ચા હોય, પિસ્તા હોય એના અસ્તિત્વની જોડે વાતચીત હોય.
દાદાશ્રી: હા, તે એવી રીતે જ હોયને ! આ બધાં બુદ્ધિને કહે છે, કાલે બપોરે જમવા આવજે' તો એ આજે ડખલ કરે નહીં. આ લોકો ના કહે ત્યાં સુધી પેલી મહીં ફણગા માર માર કરે. આવું છે આ તો બધું મહીં. આ ય હવે ચંચળતાને પામેલું ચિત્ત, મિશ્રચેતનતા છે, પાવરવાળું છે. ના કહીએ તો તો આવેય પાછું, એનો ભાગ ભજવ્યા વગર ના રહે.
ટ્રેનમાં આમ બેગ મૂકી સૂઈ જઈએ અમે તો. લોક કહેશે, ‘બેગ લઈ જાય છે.” અરે મૂઆ, એ વાત જાણી. હવે એ જાણીને શું એવું હિતકારી થઈ પડશે ? આખી રાત જગાડશે. અને તું ઝોકું ખઉં, તે ઘડીએ લઈ ગયો હોય. હવે મેલને છાલ, આના કરતાં તો સુઈ જાને નિરાંતે. જો થવાનું હશે તો લઈ જનારો તો રાહ જુએ ? એનાં કરતાં આખી રાત સૂઈ ગયા. ‘તારે જ્યારે જવું હોય ત્યારે જજે, અમારી ઇચ્છા નથી.” પણ એ સવારે દેખાય ખરી.
પ્રશ્નકર્તા : એટલે જોડાનેય કહી દીધેલું.