________________
જુદાપણાની જાગૃતિ
૪૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
ડખલની જરૂર જ નહીં. આપણે આજ્ઞામાં રહો. આજ્ઞાની બહાર નીકળીએ એ ભયંકર ગુનો કહેવાય. આ તો પહેલાની જે ટેવ પડી ગયેલી ને, તે બધી હેબિટ આ હેરાન કરે. બાકી, પાંચ આજ્ઞા જ પાળવાની. બીજી ડખલમાં ઉતરવાનું જ નહીં. તમને ખબર પડે ને કે આ પર છે, આ સ્વ જોય ?
પ્રશ્નકર્તા : હા દાદા, એ તો ખબર પડી જાય. દાદાશ્રી : જગતના લોકો કોઈ સમજી ના શકે.
ગાફેલ કહેવાય કોને ? પ્રશ્નકર્તા : દાદાએ ભેદજ્ઞાન આપ્યું, ભિન્ન બનાવ્યા. હું જુદો, દરઅસલ જુદો. પણ પેલો ચંદુભાઈ તો રહેને ? એ તો રહેવાનો ને, જેટલા હોય એટલા વર્ષ રહેવાનો ને ! ચંદુભાઈ પુદ્ગલ તો રહેવાનું ને ?
દાદાશ્રી : રહેવાનું ને, એ પુદ્ગલ રહેવાનું. પુદ્ગલ આપણે અર્પણ કર્યું છે. હવે આ તો પુદ્ગલ છે તે વ્યવસ્થિતને આધીન છે. તે તેના વ્યવસ્થિતને આધીન ફર્યા કરશે. તમારે જોયા કરવાનું. એ પુદ્ગલ શું કરે છે એ જોયા કરવાનું. આટલો પુરુષાર્થ આપણો.
પ્રશ્નકર્તા : જોયા કરવાનું ને કો'ક દિવસ પુદ્ગલને ચેતવવાનું ખરું કે નહીં ?
દાદાશ્રી : હા, ચેતવવાનું ! પણ ગફલતમાં આવે તો ચેતવવાનું. પ્રશ્નકર્તા : અરે, હાલતાં ને ચાલતાં ગફલત તો કરતો હોય છે.
દાદાશ્રી : ના, આ બધું તો ઉદયકર્મ કરાવે છે. પણ આપણે આ ઉઘાડી આંખે ચાલો અને સાવધાનીપૂર્વક ચાલો, બસ એટલું જ. એનો દુરુપયોગ ના થવો જોઈએ. નહીંતર પેલી જોવાની જાગૃતિ એની મંદ થઈ જાય. ‘જુએ તો તો એને કશું કરવાનું નથી. જે આજ્ઞામાં રહે તે ‘જોતો’ જ હોય ચંદુભાઈને, તો એને કશું વાત જ કરવાની જરૂર નથી. પણ એ જોતો ના હોય ત્યાં ચેતવવો પડે.
પ્રશ્નકર્તા : જાગૃતિની જે વાત કરીને, જાગૃતિમાં રહેવાની ને ચેતતા રહેવાની. એનું આ આપણે વિવરણ કરીએ છીએ.
દાદાશ્રી : હા, બરોબર છે. જેને આ જ્ઞાતા-દ્રષ્ટા રહી શકાતું હોય, તેને છે તે આ વાતની જરૂર નથી. અને જેને જાગૃતિ ના રહેતી હોય તો આપણે કહીએ કે હવે ઊઘાડી આંખે ચાલજો, ગાફેલ ના થઈ જાવ. નહીં તો વ્યવસ્થિત તો તમને ચલાવવાના છે પણ ગાફેલપૂર્વક ના હોવું જોઈએ અને જ્ઞાતા-દ્રષ્ટા રહે તેને ગાફેલ ય નહીં, કશું રહ્યું નહીં. એ આપણા હિસાબમાં જાય છે. ચંદુભાઈ શું કરે છે, એના જ્ઞાતા-દ્રષ્ટા તમે.
પ્રશ્નકર્તા : એટલે દાદા, કોઈ પણ પ્રસંગમાં ચંદુભાઈને જોવાના બદલે હું ચંદુભાઈ જ થઈ જઉં એટલે ગાફેલ થઈ ગયું કહેવાય ?
દાદાશ્રી : હા, એ ગાફેલ થઈ ગયું કહેવાય. કોઈ પણ પ્રસંગમાં આમ ચંદુભાઈને જોવાને બદલે તમે ચંદુભાઈ થઈ ગયા એ ગાફેલ. ત્યારે આપણે શું કહીએ છીએ કે ત્યાં ઊઘાડી આંખે ચાલો.
પ્રશ્નકર્તા: હા, પણ એવું કોઈ વખત થયા પછી આંખ ઊઘડી જાય છે. દાદા ચેતવી દે છે કે આ થઈ ગયું, હવે આને જુઓ.
દાદાશ્રી : હા. એટલે ત્યાં આપણે કહ્યું કે ઊઘાડી આંખે ઊભા રહો. એ આપણે જાગૃતિ રાખવાની. એવું થઈ જાય છે ને ? દાદાને કહેવા આવવું નથી પડતું ને ! વિજ્ઞાન બધું કામ કરી રહ્યું છે. તમને કોઈ જાતની ઉપાધિ નથી. સહજ રીતે કામ થઈ રહ્યું છે. ચેતવે હઉ, લોક કહે છે કે આત્માનો અનુભવ થતો નથી. અલ્યા મૂઆ, મહીં ચેતવતા નથી, આખો દહાડો ? હા. ત્યારે મૂઆ, એ જ આત્મા, બીજો કોણ આવે ? કોઈ પરદેશી છે, તે મહીં પેસી ગયો છે ?!
હવે વિકાલી રગ-દ્વેષ ! પ્રશ્નકર્તા: ઘણી વખત પોતાની તીવ્ર ઇચ્છા હોય એ જો ના પ્રાપ્ત થાય, તો પછી એનું મગજ છે તો છટકી જાય, બધા ઉપર ગુસ્સે થઈ જાય અને જ્ઞાનમાં ના રહી શકે. તો હવે આ બધાનો નિકાલ કરી અને પોતે જ્ઞાતા-દ્રષ્ટા કેવી રીતના રહી શકે ?