________________
જુદાપણાની જાગૃતિ
૨૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા: હા, દાદા, ચંદુભાઈને માટે કહેવાનું. અને તબિયત સારી છે એવું પોઝીટીવ બોલવાનું આપણે.
દાદાશ્રી : એટલે તબિયત સારી છે એવું કહો. ચંદુભાઈ કહે કે ‘મારી તબિયત ખરાબ છે'. ત્યારે આપણે કહીએ, ‘ના, સારી છે.’ એમાં બીજું કંઈ લાંબું હોય નહીં, પણ શાંતિ રહે એને ! બાકી તમે પોતે જ કહો કે, મારી તબિયત સારી છે, તો સારી થઈ જાય. તમે પોતે જ કહો કે મારી તબિયત ખરાબ છે, તો ખરાબ થઈ જાય. એટલે જેવું ચિંતવે એવો એ થઈ જાય ! હું જુદો ને ચંદુભાઈ જુદા. પોતે એકરૂપ થવું જ નહીં કોઈ દહાડો. ચંદુભાઈને ભૂખ લાગી છે, ચંદુભાઈને ખાવું છે, ચંદુભાઈએ ખાવાનું બનાવ્યું, ચંદુભાઈને સમજણ પડતી નથી, ચંદુભાઈને સમજણ પડે છે ! આવી બધી ભાષા રાખો.
પ્રશ્નકર્તા : જઈએ. ચંદુભાઈ જાય એની જોડે જઈએ.
દાદાશ્રી : હા. આપણે કહીએ કે “આ રહ્યા ચંદુભાઈ, લઈ જાઓ. અમારે ઘેર બારણાં અમારે જાતે વાસવા પડતાં હતાં. તમારે ત્યાં પોલીસવાળો બારણાં વાસી આપે તો એ શું ખોટું ?’ એટલે વૈભવ છે બધો. જેલમાં વૈભવ નહીં હોય ? આ ઘેર અત્યારે ઓરડીમાં ચાર જણને પડી રહેવું, એનાં કરતાં ત્યાંનો વૈભવ સારો છે !!
બાકી આત્માને કોઈ જગ્યાએ દુઃખ હોય નહીં. અને જે પુદ્ગલ આત્માધીન થયેલું છે, તેને તો કશું દુઃખ જ ના હોયને પછી ? ચેતન પક્ષનું પુદ્ગલ થયું પછી શું દુ:ખ ? ચેતનપક્ષની વિરોધી પુદ્ગલ છે ત્યાં સુધી જરા અડચણ કરે.
ઘરડો કોણ ? પ્રશ્નકર્તા : દાદા એકદમ યંગ દેખાય છે આજે.
દાદાશ્રી : ના પણ એ રોજ બધા કહે છે. પછી હુંય અરીસામાં જોઉં, દેખાય આ કેવા ? મનેય યંગ દેખાય છે. બધાં કહે એટલે પછી અસર થાયને મહીં. બાકી ‘હું પૈડા છું' એવું કોઈ દહાડો બોલું નહીં. કારણ હું તો શુદ્ધાત્મા છું, પૈડા તો આ જ થાય, દેહ થાય. એ બોલે નહીં. અમારા પૂછ્યા સિવાય શી રીતે બોલે ? વ્યવહારમાં કહે કે “ભઈ, આ પૈડા છીએ.” પણ ‘હું પૈડો છું” એવું ના બોલાય. કારણ કે ‘હું તો શુદ્ધાત્મા છું’ એટલે અમારા હિસાબ બધા જુદી જાતના હોય. ‘હું શુદ્ધાત્મા’ થઈને ‘હું પૈડો છું' ખરેખર બોલ્યા, તો તમે તેવા થઈ જશો. એટલે તમે કહો કે હું પૈડો થયો, એ તમે તમારે માટે નથી બોલતા, પણ અંદરખાને જાણતા હોય કે હું જુદો ને આ તો ચંદુભાઈના માટે બોલાય છે. એટલે તમને અસર ના થાય. બધું ઇફેક્ટિવ છે. આ વર્લ્ડમાં એક શબ્દ બોલ્યા કે ઇફેક્ટિવ છે બધું !
‘ચંદુભાઈ કહે કે મારી તબિયત બગડી છે. તો “આપણે” અંદરખાને સમજવું કે એ ચંદુભાઈની તબિયત બગડી છે, પણ મારી તો નહીં જ ને !
સ્થિતિ મહાત્માની પક્ષાઘાતમાં ! જ્ઞાન ના હોય એવાને પક્ષાઘાત થયો હોય તો આ શરીર બધું એ થઈ જાય. એ બહારના લોક જોવા આવે ને કહેશે, “અરેરે ! આ અંગ જતું રહ્યું ?” ત્યારે પેલો પક્ષાઘાતવાળો આંખમાંથી પાણી કાઢ્યા કરે અને કહે કે, ‘આ ય ગયું ને તે ય ગયું. મહાન વેદના થાય.
હવે એ આપણા જ્ઞાનવાળાને કો'ક વખત પક્ષાઘાત થયો હોય ત્યારે ખબર કાઢનારાઓને શું કહે ? ‘ભઈ, આ બધું ડાબું જતું રહ્યું. પણ તમે જેને જોવા આવો છો તેને ‘હું ય “જોઉં” છું'. હું ય જોઉં છું અને તમે ય જુઓ. આ આપણે બધા “જોનાર’ છીએ કે કોને આ થયું છે ? આ જ્ઞાન અહીં ફળ આપે. બહુ સરસ ફળ આપે..
છતાંય આપણા મહાત્માઓને બહુ આગળ વધેલા હોય તો ય કોઈને પૂછીએ, કે ‘ભાઈ, પક્ષાઘાત તમને ગમે ?” ત્યારે કહે, ‘ના, ગમે તો નહીં.’ પણ આવી પડે તો એનો તિરસ્કારે ય ના કરે. પણ ના હોય તો પક્ષાઘાતને બોલાવે નહીં એ. આપણે કહીએ ના આવો તો સારું કે આ પીડા કોણ ઊભી કરે ?