________________
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
આત્મજાગૃતિ
પ્રશ્નકર્તા : પ્રતિકૂળતા એ અનુકૂળતા જ છે. એવી પણ અંદર ઊંધી ગોઠવણી કરી શકે છે ને, બુદ્ધિથી ?
દાદાશ્રી : હા. પણ જેને મોક્ષે જવું હોય એ ગોઠવણી કરે કે આ તો અનુકૂળ જ છે. ખરો લાભ આમાં છે પ્રતિકૂળતામાં. અમે ટાઢમાં ય ઓઢેલું કાઢી નાખીએ. એટલે જાગૃતિ રહે.
પ્રશ્નકર્તા : એ વખતે કેવી જાગૃતિમાં રહો ? દાદાશ્રી : જાગૃતિ જાગૃતિમાં રહી, નહીં તો જાગૃતિ ઊંધે છે.
પ્રશ્નકર્તા: આ ઠંડી લાગવાથી ઊંઘ આવે નહીં. એટલે પછી જે જાગી ગયા, પછી જાગૃતિમાં રહેવાનું એવી રીતે ?
દાદાશ્રી : નહીં તો ઊંઘ આવી જાય. અને તે ઘડીએ કોઈ જગાડનાર હોય નહીં ને !
પ્રશ્નકર્તા : એ અંદર શું જાગૃતિમાં રહ્યા ?
દાદાશ્રી : બેભાનપણું ઓછું થઈ જાયને ! જાગે એટલે તું જે કશું જાણતો હોય કે ‘હું શુદ્ધાત્મા છું' એવું જ હોય ને !
વિચાર આવતાં પહેલાં જ જાગૃતિ ! પ્રશ્નકર્તા : દાદાએ તો કહ્યું છે ને, રાત્રે ‘હું શુદ્ધાત્મા છું' બોલતાં અને નિદિધ્યાસન કરતાં કરતાં સૂઈ જવું તો આખી રાત પેલો નળ ચાલુ રહે, તો એ કઈ જાગૃતિ ?
દાદાશ્રી : એ ખ્યાલ કહેવાય. ખ્યાલમાં રહે તો ય સારું.
પ્રશ્નકર્તા : એથી આગળની સ્ટેજ એટલે આપ કહો છો એ જાગૃતિને ?
દાદાશ્રી : દીવો ઓલવાય નહીં. ફરી સળગાવવો ના પડે. મન શું બતાવે છે, એના જ્ઞાતા-દ્રષ્ટા રહેવાય ત્યાં સુધી જાગૃતિ લઈ જવાની છે. પછી એને લઈ જવી નહીં પડે ! એટલે જાગૃતિ કોને કહેવાય ? વિચાર આવતાં પહેલા જ સમજાય કે આ તો ય છે ને હું જ્ઞાતા છું.
પ્રશ્નકર્તા : જોવું-જાણવું અને જાગૃતિ વચ્ચે શો ફરક ?
દાદાશ્રી : જોવું-જાણવું અને જાગૃતિ બે જુદી વસ્તુ છે. જોવું-જાણવું એ તો કરેક્ટનેસ છે અને જાગૃતિ તો વધ-ઘટ થાય. આવરણના આધીન છે. હમણે જો કદી દૂધપાક ખાધો હોય તો જાગૃતિ ફૂલ થઈ જાય અને ભૂખ્યા રહ્યા હોય તો જાગૃતિ વધી જાય. દૂધપાક ખઈ જોજોને એક દહાડો, જાગૃતિ કેટલી રહે છે ખબર પડશે, દૂધપાકથી ?
ઝોકું ખાધું એ ખોટ ! પ્રશ્નકર્તા : દાદાને મળ્યા પછી, જ્ઞાન મળ્યા પછી અજાગ્રત રહીએ તો જોખમદારી કેટલી ?
દાદાશ્રી : એ જેટલા ઝોકાં આવે છે એટલી. અને ઝોકાં ના આવે તો તેટલી. જોયા વગર ગયું, એની જોખમદારી રહે. એ ફરી જોવું પડશે. જોશો એટલે સાફ થઈ જાય. દરેક ઉદયને જોવાથી સાફ થાય. અને ઉદયમાં તન્મયાકાર રહ્યા તો તે કર્મ ચોખ્ખા થવાના બાકી રહ્યા. અને આત્મા છૂટો રહ્યા પછી આત્માની જાગૃતિમાં રહ્યો એટલે કોઈ હિસાબ બંધાતો જ નથી. જાગૃતિ મંદ થાય એટલો વખત એને પેલું ચોંટે.
પ્રશ્નકર્તા : શું ચોંટે ?
દાદાશ્રી : ચોંટે એટલે જે હિસાબ એને ચોખ્ખો કરવાનો છેને, એટલો ચોખ્ખો ના કર્યો એટલે એ એવો ને એવો પછી પડી રહ્યો છેને !
પ્રશ્નકર્તા : પેલું ચોખ્ખું ના થાય, પણ નવું બગડે નહીં ? દાદાશ્રી : નવા સાથે લેવાદેવા જ નથીને ! પ્રશ્નકર્તા: આને જ શુદ્ધ કરીને મોકલવાનાને !
દાદાશ્રી : એ શુદ્ધ કરીને મોકલવાના છે, પણ તે ના મોલાયા, એટલા રહ્યા પોતાની પાસે સિલ્લકમાં.