________________
આત્મજાગૃતિ
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
જ્ઞાનીતું સાનિધ્ય ખીલવે જાગૃતિ ! આપણે અહીં છે તે લોકો ઘોંઘાટ કરતા હોય તો અહીં વાત ના સંભળાયને આપણને ? એના જેવું છે આ. મહીં કર્મનો ઉદય આવ્યો, તે ઘડીએ બધું મહીં આમ ગૂંગળામણ થાય. એનો વાંધો નહીં, એ નુકસાનકર્તા નથી. તે ઘડીએ કંઈ જાગૃતિ ગઈ નથી. જાગૃતિ જ હોય છે. આ જાગૃતિ પૂરેપૂરી રહેતી નથી, ઝોકું ખઈ જાય.
મેં કહ્યું, આ જાગૃતિ છે પણ ખીલી નથી. એટલા માટે અમે બોલ બોલ કરીએ તો ખીલે. આ સાઈડની ખીલે, પેલી સાઈડની ખીલે. આ કોર્નરની ખીલે, પેલા કોર્નરની ખીલે. એટલે બધી જાગૃતિ ખીલે. એટલા માટે બોલીએ, કરવાનું નથી કહેતા.
પ્રશ્નકર્તા : જાગૃતિનો જે ક્રમ હોય એ પ્રમાણે જ જાગૃતિ રહે, એ જાગૃતિને વધારવાનો કોઈ રસ્તો ખરો ?
દાદાશ્રી : હા. અમારી પાસે બેસ-બેસ કરે તો આ જાગૃતિ વધે. એટલા સારુ રોજ આવ આવ કરે છે ને લોકો ! નહીં તો એક જ દહાડો ના કરી દઉં ? સારા કાળમાં તો એક જ વખત કરવાનું હોય. આ તો કેટલા બધા દેવાળાવાળા ! હા, ભયંકર દેવાળાવાળા. નાદાર સીટની ઉપર બેઠેલા. તે રોજ રોજ વિધિઓ કરું તો ય દેવું પતતું નથી. પણ છતાં ય આમ કરતાં કરતાં પતી જશે.
હાજર થયું તે જ જ્ઞાત ! પ્રશ્નકર્તા: આમ સતત જાગૃતિ ના રહે પણ ટાણું આવે ત્યારે જ્ઞાન હાજર થઈ જાય છે.
દાદાશ્રી : હાજર થઈ જાય છે. જે હંમેશાં હાજર થાય, એનું નામ જ જ્ઞાન કહેવાય. હાજર ના થાય એ જ્ઞાન જ કેમ કહેવાય ?
પ્રશ્નકર્તા : તમે અમને આત્મા ને બધું છૂટું કરી આપો છો, પછી અમારે આત્મામાં જ રહેવું જોઈએને ? પછી બધું મિલ્ચર કેમ થઈ જાય છે ?
દાદાશ્રી : એવું છે ને, આ ઉપાધિને ‘જોવાની’ છે, તેમાં ઉપાધિમાં તું હાથ ઘાલું તો દઝાય. આપણે હોળી જોવાથી કંઈ આપણી આંખ દઝાય નહીં. પણ આપણે મહીં આ પેલું નાળિયેર કાઢવા હાથ ઘાલીએ તો દઝાઈએ. એટલે તું નાળિયેર કાઢવા હાથ ઘાલતો'તો, તેનું આ થઈ ગયું. એટલે મેં કહ્યું કે, હવે આવતી ફેરે જ્ઞાન આપું ત્યારે ડહાપણથી સાચવી રાખજે.
પ્રશ્નકર્તા : પણ આપણે છૂટા પડી ગયા પછી નાળિયેર લેવા જઈએ છીએ, એ ના થવું જોઈએ ને ?
દાદાશ્રી : હા. આ જતાં રહીએ છીએ એટલે હજુ તમારી જાગૃતિ છે, તે જાગૃતિને હડસેલો મારીને તમે પેલામાં ઘૂસો છો. કારણ કે કર્મના ઉદય ભારે છે. એટલે એક માણસ ક્યાં સુધી જીરવી શકે આ. આંગળી પર છે તે નળનું પાણી પડતું હોય તો ક્યાં સુધી આમ આંગળી રાખી શકે ? ત્યારે કહે, અડધો ઇંચ, પોણો ઇંચ હોય પણ બે ઇચનો ફોર્સ પડે તો ખસી જાય આંગળી. તે આ કર્મના ઉદય એવા ભારે ને તો જાગૃતિ ખસી જાય. કોલેજમાં ડીગ્રી લેવા જતાં કેટલાં વર્ષો ગયેલાં ?
પ્રશ્નકર્તા : છે.
દાદાશ્રી : એટલાં વરસોની ભારે જરૂર નથી. હું તો કહું છું છ જ મહિના તમે મારી જોડે રહોને, બહુ થઈ ગયું ! બધું આખા અનંત અવતારની ખોટ વળી જાય.
જાગૃતિ જન્મે કડવાશમાંથી... આ આમને તો રાત-દહાડો કોઈને કશું દુઃખ ના થાય ને કોઈને કશું એ ના થાય, એમાં જ બધું ચિત્ત રહે. જેને આખો દહાડો સેવાપરોપકારમાં ચિત્ત રહેતું હોય, તેને ઠંડક રહે. એટલે એને આ જ્ઞાનની જાગૃતિ ઓછી રહે. એનાં કરતાં લુચ્ચા માણસને છે ને, તેને આ જાગૃતિ બહુ વધી જાય. કારણ કે એને બળતરા પેલી બહુ હોયને, તે ઠંડક બહુ થાય, એટલે શ્રદ્ધા જબરજસ્ત ચોંટી જાય. પછી એ પ્રમાણે બધું જબરજસ્ત કરે. આવું કેક્યુલેશન છે બધું !