________________
આત્મજાગૃતિ
૧૩
૧૪.
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : હા, તે હથિયાર વાપરવાનું જ છે ને, પ્રતિક્રમણથી શું થાય કે જાગૃતિ વધે એટલું જ નહીં, બીજો બધો બહુ લાભ થાય.
જાગૃતતું સાનિધ્ય વધારે જાગૃતિ ! પ્રશ્નકર્તા: જાગૃતિ વધે છે, પણ બહુ વધારવી હોય તો શું કરવું?
દાદાશ્રી : જાગૃતિ વધારવી હોય તેણે જાગ્રત જોડે બેસવું. એવું છે ને, બધા ઝોકાં ખાતા હોય તો પછી આપણને ય ઝોકાં આવે. બધા જાગૃત જોડે હોય તો, જો ઝોકું આવતું હોય એય બંધ થઈ જાય. માટે જાગૃત જોડે બેસવું. અત્યારે રાગ હોય તો બહુ ત્યારે જ્ઞાની ઉપર થાય કે જ્ઞાનીના ફોલોઅર્સ ઉપર થાય, બીજો બહાર તો નથી થતો ને ?
પ્રશ્નકર્તા : બીજો રાગ ના થાય.
દાદાશ્રી : પાછળનાં કારણો તો બધાં અજાગૃતિવાળા જ હતા. અત્યારે જે જ્ઞાન આપ્યું છે એ પછીના કારણો આજ્ઞામાં રહે તો તેટલી જાગૃતિ ઊંચી રહે.
પ્રશ્નકર્તા: તો અત્યારનાં જાગૃતિને અટકાવનારા કારણો કયાં ?
દાદાશ્રી : મારી જોડે બહુ પરિચયમાં ના અવાતું હોય, મારી વાત પૂરી સમજાતી ના હોય.
પ્રશ્નકર્તા : આપની વાતને પોતે પૂર્ણ રીતે સમજી શકે ખરો ?
દાદાશ્રી : કેમ ના સમજી શકે? પરિચયમાં રહે ને પોતે સમજવાનું નક્કી કર્યું છે, પછી કેમ ના સમજી શકે ?
પ્રશ્નકર્તા નક્કી કર્યા છતાં હજી નથી સમજાતું, એનું શું કારણ ?
દાદાશ્રી : પરિચય નથી. એનો સાંધો કાપી નાખે છે. આજ બે કલાક બેઠો અને પાછું કાચું કપાયું ને પાછો બીજે દા'ડે બે કલાક નકામા જાય, એના કરતાં આખું લાંબા સમય સુધી અખંડ બેઠો હોય ને, તો ઉકેલ આવે.
પ્રશ્નકર્તા : પણ એ તો પછી બહારના સંયોગને આધીન છે ને આ તો ? આપનો સાંધો મેળવવાનો નિશ્ચય હોય....
દાદાશ્રી : તો આ રાગને તો પ્રત્યક્ષ મોક્ષનું કારણ કહ્યું છે. એ રાગથી તો આપણે એમની પાસે બેસવાના સંજોગો ભેગા થાય ને એનું ફળ આપણને જાગૃતિ ઊભી થઈ જાય. દીવો ઝપાટાબંધ સળગતો થઈ જાય. સ્ટેશન પર પ્લેટફોર્મ પર બેઠા હોયને બધા, આપણી જોડેવાળા બેઠેલા બધા ઝોકાં ખાતાં હોય તો પછી આપણે સત્સંગ કરતાં કરતાં ય ઝોકાં ખઈએ. એટલે આ જેની જોડે બેસીએને તેવું ફળ મળે. ઊંઘતા જોડે બેસો તો ઊંઘતું ને જાગતા જોડે બેસે તો જાગૃતિનું ફળ મળે. ધંધા ઉપર જાય તો પછી એ લોકો જોડે જ બેસવું પડેને ?
પ્રશ્નકર્તા : બેસવું પડે. એટલે એમાં અજાગૃતિ થાયને?
દાદાશ્રી : હા, થાયને ! સ્વાભાવિક થાય. એટલે તેને તે વખતે જાણ્યા કરેને તે ય એક જાગૃતિ છે. અજાગૃતિ ઉત્પન્ન થઈ છે આનાથી, એવું જાણ્યા કરે તે ય એક જાગૃતિ છે.
પ્રશ્નકર્તા : દાદાજી, આ જાગૃતિને અટકાવનારા કારણો પાછળનાં છે કે અત્યારનાં પણ કોઈક છે ?
દાદાશ્રી : એ બરોબર છે. તેથી આપણે કહીએ છીએ ને, વ્યવસ્થિત છે. એવા સંજોગ ભેગા થવા જોઈએ.
પ્રશ્નકર્તા : પણ એ નિશ્ચય છે માટે આગળ ભેગું થશે જરૂર ? આ નિશ્ચય છે એટલે વ્યવસ્થિત બદલાશે ?
દાદાશ્રી : એ તો બદલાય ને ! વ્યવસ્થિત બદલાયા જ કરે. નિશ્ચય આપણો જેવો હોય ને, તે બાજુ જ વ્યવસ્થિત જાય. આપણો નિશ્ચય હોયને જે દિશામાં, તે દિશામાં જ વ્યવસ્થિતને જવું પડે. વ્યવસ્થિતનો નિયમ એવો છે કે તારો નિશ્ચય કઈ બાજુ છે ?