________________
પહેલી શ્રદ્ધા કે પહેલું વર્તન ?
૩૭૩
૩૭૪
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
સુવાસથી લોક ખેંચાય ! પ્રશ્નકર્તા : દાદાના પરિચયમાં આવનાર ને દાદાના સત્સંગમાં રહેનારાનું ચારિત્ર જે છે તે અંદરથી ખીલતું હોય, તો પછી એની સુવાસ બહાર દેખાય ખરી કે નહીં, દાદા ?
દાદાશ્રી : બધું જેટલું ખીલે ને, એટલી જ સુવાસ બહાર આવે. અંદર ખીલ્યું હોય તો ય બહાર આવે અને બહાર ખીલ્યું હોય તો ય બહાર આવે. ખીલેલું તો કંઈ ગુપ્ત રહેતું નથી. અરે, તમે મનમાં ભાવ નક્કી કર્યો હોય કે આ મહાત્માઓને મારે કોઈ પણ જાતની અડચણ નથી પડવા દેવી એવો ભાવ કર્યો હોય ને, તો ય મહાત્માને પહોંચી જાય વાત. તમે કોઈને કહ્યું ના હોય તો ય વાત પહોંચી જાય એવું આ વિજ્ઞાન છે. આ એવાં બધાં પાપ ધોવાઈ ગયાં છે કે એ એટલું બધું ક્લિયર થઈ ગયું છે, કે અત્યારે તમે આવું અંદર ગુપ્ત કંઈ કરશો તો ય પણ બધાને પહોંચી જશે.
આજ છે તે વર્તન બહુ સુંદર હોય, પણ મહીં પ્રતીતિ શેની પર બેઠી હોય કે અમેરિકા જઈને સારો બિઝનેસ કરવો છે. પ્રતીતિ ક્યાં છે એ જોવું જોઈએ, બીજો ભાગ જોવાનો નથી.
હવે આપણા મહાત્માઓ છે, તે એની વાઇફે કપડાંની બેઉની પેટી જોડે જોડે મુકી હોય, તો પોતાનાં થોડાં કપડાં ધણીની બેગમાં મૂકી દીધા. અને પછી ધણી જુએ તે બૂમ પાડે છે કે મારી પેટીને તું અડી જ કેમ ? લે, એને આ જ્ઞાન છે, પ્રતીતિ છે. લે મૂઆ પણ વર્તન આવું ? ત્યારે કહેશે, એ તો વર્તન તો આવું જ ને ! હજુ વર્તન બદલાયું નથી. વર્તન બદલાતાં વાર લાગશે. ‘મારી પેટીને અડી જ કેમ ?” આ મારી ને તારી કરી નાખેને કે ના કરે ? ‘તારી પેટી’ અહીંથી લઈ જા, મેલ પૂળો અહીંથી. હવે એ માલ પહેલાંની પ્રતીતિનો ભરેલો છે. આજે જે પ્રતીતિ છે, હવે એનો માલ ભરાશે ત્યારે જોઈ લેજો આ. એટલે અમે એ પ્રતીતિ અને એનાં જ્ઞાનને ફેરવીએ છીએ, એની પ્રતીતિ બેસે એટલે એને માટે સત્યુગ થઈ ગયો. પ્રતીતિ બેઠા પછી બહુ ભાંજગડ નથી આવી.
સમજાય તેમ આવે વર્તનમાં ! આપણને કહે કે રસ્તો હું સમજી ગયો અને પછી ગયો ઊંધે રસ્તે. એટલે આપણે ના સમજીએ કે આ સમજ્યો નહોતો ! જો સમજ્યો હશે તો તે પ્રમાણે રસ્તે પછી આપણે ભૂલા પડીએ નહીં. માર્ગમાં આપણે ભૂલા નહીં પડીએ એવું સમજી લો. અને ભૂલા પડ્યા એટલે તો સમજયા ન્હોતા અને પાછો કહે શું કે હું સમજ્યો હતો. સમજમાં આવે એટલે પછી પરિણામ એ પ્રમાણે થાય જ ને ! અમલમાં આવે ને ! તમને તો બધું આવે છે સમજમાં ! સમજમાં ના આવે તો વર્તનમાં ના આવે. બધા મહાત્માઓને જેમ જેમ સમજમાં આવતું જાય છે એમ વર્તનમાં જોઉં છું પછી. મને ખબરેય પડે કે આમને સમજમાં બેઠું અને વર્તનમાં આવ્યું.
પ્રશ્નકર્તા : એનો મતલબ એ કે કષાયો જાય, એટલે કે કોઈ પણ જાતનો કષાય ઊભો ના થાય એટલે સમજમાં આવ્યું જ કહેવાય ને ?
દાદાશ્રી : એ તો બહુ ઊંચું સમજમાં આવી ગયું. એ તો ઘણી ઊંચી સમજ આવી ગઈ, એ તો વાત જ જુદી !
પ્રશ્નકર્તા : પણ દાદા, મારું શું કહેવું છે કે દાદા પાસે જે આવે છે, તેની અંદર દરેકને એવી ભાવના થાય છે કે અમને જે મળ્યું, તે લોકોને કેમ કરીને મળે ! હવે લોકોને આપવા જઈશું તો લોકો તો પેલું જોશે પહેલાં.
દાદાશ્રી : હા, એ તો એ જુએને પણ !!
પ્રશ્નકર્તા : એટલે હવે દાદા પાસે આવનારાઓની અમુક પ્રકારની ડિસિપ્લીન, અમુક પ્રકારનું....
દાદાશ્રી : એ તો ધીમે ધીમે આવશે. પણ હમણે તો તમારી જાતે કરવા જશો તો બીજું તમારું જોઈ અને તમારી ખોડો કાઢશે, ‘આ તમે કેમ વકીલાત કરો છો ?” કહેશે. એટલે તમારે તો એને શું કરવું એ આમ અટાવી-પટાવીને અહીં દાદાની પાસે તેડી લાવવા. હું રાગે પાડી દઉં પછી. કેટલાંય રાગે પડી ગયાને ! અત્યારે તમે રાગે પાડવા જશો તો નહીં પડે. કારણ કે વાંધા ઊઠાવે કે તમે આમ કેમ કરો છો ? અને મને એવું કહે નહીં ને ! મારી પાસે કહેવા જેવું છે નહીં ને !