________________
આચાર સુધારવા !
૩૫૭
૩૫૮
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
એકતા નથી. એટલે કાયાનો આચાર સુંદર છે. મને કહે છે આવું ના થવું જોઈએ. તે આચાર નકામા જાય છે ને ઊલટું નુકસાન કરે છે.
આ સારા આચરણવાળા શું કરે છે? રાતે અગિયાર વાગે મહેમાન આવેને, તે કહેશે, ‘આવો, પધારો, પધારો, પધારો.” અને અંદર શું ચાલે કે “અત્યારે મૂઆ ક્યાંથી આવ્યા ?” હવે ભગવાને શું કહ્યું કે આ તારું ખોટમાં ગયું, મૂઆ. આ મહીં કર્યું એ તારો પુરુષાર્થ છે. આ સારું આચરણ તો ડિસ્ચાર્જ છે. હા, દૂધપાક ઢળી ગયો ને છાશ લીધી તે ! પછી દાન આપેને તો ય કહેશે, “મેં ચંદુભાઈનાં દબાણને લઈને આપ્યા, નહીં તો હું આપું નહીં.” બોલો, હવે આખુંય દાન ઊડી ગયુંને ? એટલે આ કાળમાં એવું થઈ ગયું છે.
પ્રશ્નકર્તા : એટલે દાદા, તો અક્રમની અંદર તો એવું થયું કે આ અંદરની બધી પરિણતી બધી શુદ્ધ થતી જાય.
દાદાશ્રી : એક્રમમાં મૂળેય અંદરથી જ શરૂઆત થાય છે. ક્રમિક માર્ગમાં શુદ્ધતા પણ અંદરથી થઈ શકે નહીં, એનું કારણ કેપેસિટી નથી, એવી મશીનરી નથી એટલે બહારની રીત લીધી છે. પણ તે બહારની રીત અંદર
ક્યારે પહોંચે ? મન-વચન-કાયાની એકતા હોય ત્યારે અંદર પહોંચે અને પછી અંદર શરૂઆત થાય. મૂળમાં તો મન-વચન-કાયાની એકતા રહી નથી.
જગતે સ્ટેપ બાય સ્ટેપ, ક્રમે ક્રમે કરીને આગળ વધવાનો મોક્ષમાર્ગ ખોળી કાઢેલો છે. પણ તે ક્યાં સુધી સાચો કે મનમાં હોય, એવું વાણીમાં બોલે અને એવું વર્તનમાં હોય ત્યાં સુધી એ મોક્ષમાર્ગ ચાલ્યા કરે. નહીં તો એ માર્ગ બંધ થઈ જાય. તે આ કાળમાં મન-વચન-કાયાની એકતા તૂટી ગઈ છે એટલે ક્રમિકમાર્ગ ફ્રેક્યર થઈ ગયો છે. તેથી કહું છું ને આ ક્રિમિકમાર્ગનું બેઝમેન્ટ સડી ગયું છે, એટલે આ અક્રમ નીકળ્યો છે. અહીં બધું એલાઉ થાય છે, તું જેવો હોય એવો. અહીં તું મને ભેગો થયોને, માટે બેસ ! એટલે આપણે તો બીજી બહારની ભાંજગડો જ નહીં કરવાની.
ગમે એટલો સમ્યક્ આચાર હોય, ગમે એવા હોય તોય એ આવતો ભવ દેવાળિયો છે. કારણ કે મન-વચન-કાયાની એકતા રહેતી નથી.
એકતા રહે તો સમ્યક્ આચારમાંથી આવતા ભવનું સમ્યક્ આચારનું બીજ પડ્યું. આ તો એકતા ના રહી એટલે બી ઊંધું પડ્યું. એટલે આ મનવચન-કાયાની એકતા છે નહીં. એ તો મેં સાધુ-આચાર્યને પૂછ્યું, ભઈ, એકતા છે ?” ત્યારે કહે, ‘નથી.” ત્યારે મેં કહ્યું, “મેલો, પોક મેલો જંગલમાં જઈને.’ અને આપણે આ કેવો મોક્ષમાર્ગ આમ ! દીપી ઊઠે એવો !
મહાત્મા ભીતરથી સદા સંયમી ! કોઈ માણસ આવતાં તમારું પાકીટ ગજવામાંથી લઈ લે, તે ઘડીએ તમે એને શું કરો ? સંયમમાં રહો કે અસંયમી થાવ ?
પ્રશ્નકર્તા : હવે સંયમમાં જ રહેવાય.
દાદાશ્રી : તરત જ સંયમધારી થઈ જાવ. આ બધા સંયમમાં રહે છે. આટલું બધું માણસ, તે અજાયબી કહેવાય ને ? અને જગત સારા આચારમાં અસંયમી છે.
આ જ્ઞાન લીધા પછી અંદર સંયમ હોય ! મારી શોધખોળ છે કે આ જગત આચારને માન્ય કરે છે, હું છે તે આચારને માન્ય કરતો નથી. આચાર એ પરિણામ છે અને સંયમ કે અસંયમ એ કૉઝીઝ છે, નવી પરીક્ષા છે. એટલે પરીક્ષા સાચવવી જોઈએ કે પરિણામ સાચવવું જોઈએ ? પણ અત્યારે પરીક્ષામાં તો ઊંધો ચાલે છે, મૂઓ. આ પહેલાંની પરીક્ષા આપેલી, તેનું આ પરિણામ આવ્યું. પણ હવે તો પરીક્ષા ઊંધી આપે છે ને ? તે તમે આ પહેલાંની પરીક્ષામાં નાપાસ થયા, પણ હવે નવી પરીક્ષામાં સંયમ છે ને ? એટલે અમે આચાર જોતાં નથી. કોઈના સારા હોય, તેનો વાંધો ય નથી આપણને અને ના સારા હોય તેનો ય વાંધો નથી.
આ જગત શું કહે છે ? નાપાસ કેમ થયો? પાસ થઈ જા. પરીક્ષા આપ્યા વગર શી રીતે ? ફરી પરીક્ષા આપે ત્યારે પાસ થવાય. તે પરીક્ષા આપ્યા પછી કેટલાંય વર્ષો થાય ત્યારે પરિણામ આવે, આચાર સુધારે. ત્યારે પેલો કહે, હું આચાર સુધારવા જઉં છું, પણ સુધરતા નથી. સુધરાવનાર ને સુધરનાર બન્ને ગાંડા થઈ જશો. આ જાણ્યા વગરની વાત છે, કોઈ જગ્યાએ કોઈ સુધર્યો એવું ખોળી લાવો.