________________
શુદ્ધ ઉપયોગ
૨૧૫
કરવું એ શુદ્ધ ઉપયોગ કહેવાય. એટલે પોતાની પ્રકૃતિને નિહાળવી, એનું નામ શુદ્ધ ઉપયોગ. શુદ્ધ ઉપયોગ એટલે એ તો નિરંતર જાગૃત. બીજા કશામાં પડે જ નહીં. ખાય ખરા પણ ખાવામાં પડે નહીં, કશામાં. બધાંને એટલું બધું જ્ઞાન ના રહે પણ અમુક રહેને તોય બહુ થઈ ગયું. ચંદુભાઈ શું કરે છે અને તમે જુઓને, તોય બહુ થઈ ગયું. ચંદુભાઈ ખાવામાં રહેતા હોય તેને તમે જુઓ, એટલે તોય તમે ઘણા આગળ ચાલ્યા. આપણે અહીંયા જ્ઞાન લીધેલું હોય તે બધા શુદ્ધ ઉપયોગ રાખે. અને શુદ્ધ ઉપયોગ એટલે શું ? તે ‘ચંદુભાઈ શું કરી રહ્યા છે ? ચંદુભાઈનું મન શું કરી રહ્યું છે ?” એ બધાંને વિગતવાર જાણવું.
જેમ સિનેમામાં બેઠેલા માણસને ફિલમ અને પોતે, બન્નેને વિગતવાર જાણે છે કે નથી જાણતા ? એટલું વિગતથી એ જાણે ત્યારે એ શુદ્ધ ઉપયોગ કહેવાય. દ્રષ્ટા અને દ્રશ્ય એટલાં બધાં છેટાં હોય કે ત્યારે એ શુદ્ધ ઉપયોગ કહેવાય. - હવે તેમાં શુદ્ધ ઉપયોગની શરૂઆત કેવી થાય ? ત્યારે જેમ કોઈ ધોલ મારતો હોય આપણને તે ઘડીએ તમને દેખાય કે, ‘અહોહો, ચંદુભાઈ જેવા સારા માણસને પણ આ ધોલ મારે છે !' તમને દેખાય છતાં તમે માનો કે ભોગવે છે ચંદુભાઈ, માટે ભૂલ તો પોતાની જ ને ? આ બધું તમને એકઝેક્ટ દેખાય અને એ સામો માણસ શુદ્ધ દેખાય, એ શુદ્ધ જ છે. તમે જેવા શુદ્ધ છો, એવો એ શુદ્ધ જ છે. ભલે એણે જ્ઞાન નથી લીધું. પણ એ શુદ્ધ જ છે. એને જો અશુદ્ધ માનશો તો તમારો ઉપયોગ બગડ્યો. ત્યારે કહે છે એ આત્મા તો શુદ્ધ છે, પણ બહારનો ભાગ ? બહારનો ભાગ તો આનો ખરાબ જ છેને ? ત્યારે કહે, “ના, તમારા માટે એ ખરાબ નથી. એના માટે ખરાબ છે.’ ‘ત્યારે હવે સાહેબ શું કંઈ એમાં ન્યાય બતાવો. કેમ અમારે માટે ખરાબ નહીં હોય ? ધોલ મારે છે વળી પાછો. રાજી થઈને મારે છે.’ ત્યારે કહે, ‘એ એના પોતાના માટે ખરાબ છે, પણ તમારા માટે ખરાબ નથી એ. કારણ કે તમારે સમજી લેવું જોઈએ કે આ કર્મના ઉદયે મારી રહ્યો છે. કોનું કર્મ ? જેને વાગે છે ધોલ, તેનું કર્મ. તો પછી એનો શો દોષ ?’ કહો ! રીત હશેને ? એવું નિર્દોષ જુએ ત્યારે શુદ્ધ
૨૧૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ) ઉપયોગ. આપણને ગાળો ભાંડતો હોય તે ઘડીએ નિર્દોષ દેખાય, ત્યારે શુદ્ધ ઉપયોગ.
આપણા હાથમાંથી હજાર રૂપિયાનું પાકીટ એ લઈ લે તો આપી દેવું એવો મત નથી. વખતે એ ચંદુભાઈ અને ધોલ મારીને પાછું લઈ લે, એય વાંધો નથી. પણ તમારે આ બધું સીન ‘જોવો’ જોઈએ. ધોલ મારે ને ગમે તે નાક દબાઈને લઈ લે, પણ આપણે ચંદુભાઈને જાણવું જોઈએ કે ચંદુભાઈએ શું કર્યું અને પેલાએ શું કર્યું ? છતાંય એનામાં અશુદ્ધતા ના દેખાવી જોઈએ, બસ એટલું જ. આનું નામ શુદ્ધ ઉપયોગ.
પ્રશ્નકર્તા : ફક્ત આ જોવું ને જાણવું એટલું રહે, એને જ શુદ્ધ ઉપયોગ કહેવાય ?
દાદાશ્રી : હા, એ જ શુદ્ધ ઉપયોગ. મહીં ખરાબ વિચાર આવ્યા કે આમ કરો, તેમ કરો, કુસંગના વિચારો આવ્યા, તે શું આવ્યા તે આપણે જોઈએ અને જાણીએ. એટલે આપણે ફરજ બજાવી દીધી. અને તન્મયાકાર થયા કે મરી ગયા ! જોવા-જાણવાનો અર્થ શું કે તન્મયાકાર ના થવાય.
બસની રાહ જોતાંય શુદ્ધ ઉપયોગ ! આ જ્ઞાન મળેલું હોય, તેને તો એક મિનિટની નવરાશ હોય નહીં. મને એક મિનિટ નવરાશની નથી મળતી, એક સેકન્ડેય નવરાશ નહીંને ! બસ માટે ઊભા રહ્યા હોય, ને બસ ના આવે તો લોક આમ જો જો ક્ય કરે. આમ જુએ, આમ જુએ ને ડાફાં માર્યા કરે. એટલે તમે ત્યાં આગળ ઊભા રહ્યા હોય તો ડાફો મારીને શું કામ છે ? આપણી પાસે બધું જ્ઞાન છેને ! એટલે બધાં ઊભાં હોય, તેમનામાં શુદ્ધાત્મા “જોઈએ”. જતાંઆવતાં હોય, તેમનામાં શુદ્ધાત્મા “જોઈએ’. બસો જતી હોય, તેની મહીં બેઠેલાં હોય તેમનામાં શુદ્ધાત્મા “જોઈએ'. એમ કરતાં કરતાં આપણી બસ આવીને ઊભી રહે. એટલે બધાનામાં શુદ્ધાત્મા જોઈએ ને આપણે આપણું શુદ્ધાત્માનું ધ્યાન કર્યા કરીએ તો આપણો ટાઈમ નકામો જાય નહીં. અને