________________
શુદ્ધ ઉપયોગ
૨૦૯
૨૧૦
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : વ્યવહાર કરતાં શુદ્ધ ઉપયોગમાં રહી શકાય એવું પૂછે, એ શુદ્ધ ઉપયોગને જાણતા નથી કાં તો વ્યવહારને જાણતો નથી.
પ્રશ્નકર્તા : એનો ડિફરન્સ જરા સમજાવો.
દાદાશ્રી : દરેક વ્યવહાર, ક્રિયા અને જ્ઞાતા બેઉ સાથે જ ચાલે. બેનો સાથે જ વ્યવહાર હોય.
પ્રશ્નકર્તા : એ બેનું સાથેપણું હોય જ વ્યવહારમાં ? દાદાશ્રી : હોય જ, બધું સાથે જ છે પણ એની એને જાગૃતિ નથી.
પ્રશ્નકર્તા : એટલે દાદા, વ્યવહાર જે કરે છે, ક્રિયા જે કરે છે તે અને જે જ્ઞાતા જુએ છે એ બન્ને જુદા જ છે, પણ સાથે જ છે.
દાદાશ્રી : વ્યવહાર એ ક્રિયા કહેવાય અને આ ઉપયોગ એ જ્ઞાન કહેવાય. એક બાજુ જુઓ ને એક બાજુ ક્રિયા થાય. બન્ને સાથે જ ચાલે. જુદું જુદું ચાલે નહીં કોઈ દહાડો. દરેક ટાઈમમાં આત્મા હાજર હોય જ. આત્મા ગેરહાજર થાય નહીં. ક્રિયા ગેરહાજર થાય.
પ્રશ્નકર્તા દરેક ક્રિયા વખતે જાગૃતિ રાખવી એ મુખ્ય વસ્તુ થઈને ?
દાદાશ્રી : જાગૃતિ રાખવાની હોય જ નહીં, એ હોય જ. આ તો અવળા ડાફો મારે એટલે પછી ઊંધું થઈ જાય. આત્મા છે તે બીજે ક્યાં ગયો ? એ ક્રિયા કરતી વખતે કોણ કરે છે પછી ? અહંકાર ક્રિયા કરે, એને જ્ઞાતા જુએ. બરોબર ક્યાં નહોતું ને ક્યાં બરોબર થઈ ગયું? એવી શું ચૂક થઈ ગઈ ? એ બધું આત્મા જુએ. એની એને ખાત્રી થઈ જાય પછી.
- એક માણસ હોય, આંખો નથી એટલે આંધળો છે. શક્તિ બહુ છે, ઘોડા જેવી છે અને એક જણને બે પગ એના કપાઈ ગયા છે, એને આંધળાએ ખભા ઉપર બેસાડ્યો હોય, તો બન્નેનું ગાડું ચાલે કે ના ચાલે ? પેલો આંધળો કહેશે, ‘ઉપર બેસ, ભઈ. તું મને દોરવણી આપજે.' ત્યારે આંધળો મહીં ક્યારે કચકચ કરતો હશે ? અડચણ આવે ત્યારે જ બૂમ પાડે. ત્યારે લંગડો એને દોરવણી કરે. દેખતો આત્મા જોયા કરે લંગડો અને આંધળો ચાલ્યા કરે, એવો વ્યવહાર ચાલે છે, આત્મા તે ઘડીએ જતો રહેતો નથી.
જ્યાં વ્યવહારને જ આત્મા માન્યો છે અને જ જ્ઞાતા છું', ત્યાં આગળ બે ભેગું ચાલ્યા કરે. પેલું જુદું ના પડે. ‘હું જ જોઉં છું ને હું જ કરું છું', પહેલાં એવી સ્થિતિ હતી ને ? મેં સાંભળ્યું. મેં જોયું અને પોતાને જ્ઞાતા-દ્રષ્ટા માને પાછો.
એનું જ્ઞાતાપણું જતું ના રહે, તેમ દ્રષ્ટાપણું જતું નથી રહેતું. પણ અનુભવપૂર્વક થવું જોઈએ.
પ્રશ્નકર્તા : અનુભવપૂર્વક એટલે શું ?
દાદાશ્રી : એક ફેરો જોયું હોય તો બીજી વખત દેખાય. જ્ઞાન એટલે અનુભવ. જેટલા અનુભવ થઈ ગયા એટલામાં હોય જ. દર્શન એટલે પ્રતીતિ. જ્ઞાન એટલે અનુભવ.
પ્રશ્નકર્તા આ ફાઈલોનો નિકાલ કરતી વખતે તો ઉપયોગ મૂકવો પડે, તો તે વખતે કઈ દશા હોય ?
દાદાશ્રી : આ ફાઈલોનો નિકાલ કરતી વખતે ઉપયોગ મૂક્યોને એ જ શુદ્ધ ઉપયોગ. એ ફાઈલને સમભાવે નિકાલ કરીને જવા દેવી, જ્ઞાને કરીને શુદ્ધ કરવી એ શુદ્ધ ઉપયોગ.
કેટલાક લોકોને અજાગૃતિ હોય છેને, તે ફાઈલોનો નિકાલ થતો નથી અને એમ માનીને તમને બહુ ભીડ આવી હોય તો મહીં કેટલો બધો નિકાલ કરવાનો રહી જાય. એકદમ બહુ ભીડ આવી હોયને બહુ એટ એ ટાઈમ ફાઈલો આવી હોય તો કેટલાકનો નિકાલ થાય ને કેટલાકનો નિકાલ થયા વગર જતો રહે. થાય કે ના થાય એવું ?
પ્રશ્નકર્તા : હા, થાય. એવું બને !
દાદાશ્રી : તેવું આમને ભીડ ના આવી હોય તોય જતાં રહે, તેવી વાત છે. ઉપયોગ રાખ્યા સિવાયનો વ્યવહાર ફરી ફરી સહીઓ કરાવવા માટે આવશે. ત્યારે ઉપયોગ રાખશો તો વ્યવહાર છૂટશે. જ્યારે ત્યારે એ જોઈને જ વ્યવહાર કાઢવો પડશે. એટલે આપણે કહીએ છીએને, તમારે જોયા વગર જતું રહેશે એ બધી ફાઈલ પછી ફરી આવશે.