________________
શુદ્ધ ઉપયોગ
૨૦૫
૨૦૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
દાદાશ્રી : ડિફરન્સ તો આ લાઈટ સળગ્યા કરતી હોય, આપણે કશું કામ ન કરીએ અને ઊંધ્યા કરીએ, તો લાઈટ નકામી જાયને ? અને આ લાઈટનો પ્રકાશ હોય એ જાગૃતિ જ છે, પણ વાંચીએ તો ઉપયોગ કર્યો કહેવાય.
પ્રશ્નકર્તા : એટલે જાગૃતિને એક જગ્યા નક્કી કરવી, એનું નામ ઉપયોગ ?
દાદાશ્રી : જાગૃતિ તો હોય જ, જ્ઞાન આપીએ એટલે. એનું કામ કરી લેવું. જાગૃતિ તો વહી જાય એમ ને એમ, ઉપયોગ કરીએ તો કામ લાગે. ઇલેક્ટ્રિસિટી છે જ નહીં, એનું નામ જાગૃતિ, પણ બટન દબાવીએ તો અજવાળું થાયને ! આ બટન દબાવીએ તે ઉપયોગ, નહીં તો ગરમીમાં આમ આમ હાથે કરીને પંખા ફેરવે. અલ્યા, બટન દબાયને ! ઉપયોગ કરને !
યથાર્થ શુદ્ધ ઉપયોગ ! શુદ્ધ ઉપયોગ એટલે શું કે પોતાની જાતને શુદ્ધ જાણી અને તું શુદ્ધ જો. પોતાની જાતને “હું શુદ્ધ છું’ એવી પ્રતીતિ, લક્ષ ને અનુભવથી જો અને બીજાનામાં તે રૂપે જો, એનું નામ શુદ્ધ ઉપયોગ.
હવે વખતે કોઈ માણસ આવડો મોટો ફૂલોનો હાર ચડાવી ગયો, એટલે તે ઘડીએ આપણને એના તરફ ભાવ આવ્યો કે બહુ સારો માણસ હતો. અને પછી એક માણસે એ હાર તોડી નાખ્યો ને ફેંકી દીધો, આપણી પાસેથી લઈને. તો એના પર અભાવ થાય તે શુદ્ધ ઉપયોગ ના કહેવાય. એક પહેરાવે, એક તોડી નાખે. એક માન આપે, એક ગાળો ભાંડે પણ એનામાં ફેરફાર ના હોય. એ ફેરફાર થાય છે ત્યાં સુધી એ હજુ શુદ્ધ ઉપયોગ થયો નથી, જેટલો જોઈએ એવો.
પ્રશ્નકર્તા : ફેરફાર થાય જ છે, દાદા. અસર થઈ જાય છે.
દાદાશ્રી : એ ફેરફાર થાય એટલે જાણવું કે એટલો કચરો છે હજુ. શુદ્ધ ઉપયોગ એટલે આત્મા ભૂલાય નહીં. એટલે જેટલો વખત રાગ-દ્વેષ ના થાય, એ શુદ્ધ ઉપયોગ કહેવાય.
પ્રશ્નકર્તા : અહીંયાં સત્સંગમાં બેઠા હોઈએ અને બધામાં આપણે શુદ્ધાત્મા જોઈએ એ શુદ્ધ ઉપયોગ કહેવાય ?
દાદાશ્રી : હા, તે બધામાં શુદ્ધાત્મા જોઈએ પણ કો'ક આવીને ધોલ મારે અને એનામાં શુદ્ધાત્મા ના દેખાય તો આપણે જાણવું કે હોય શુદ્ધ ઉપયોગ. પોલીસવાળો જેલમાં લઈ જતો હોય, તે ઘડીએ પોલીસવાળામાં શુદ્ધ જ દેખાય આત્મા ત્યારે ખરું ! બૈરી ગાળો ભાંડતી હોય, તે ઘડીએ બૈરીમાં આત્મા શુદ્ધ દેખાય ત્યારે સાચું. એવો આત્મા આપ્યો છે. તમારે જાણવાની જરૂર. મેં આત્મા આપ્યો છે કેવો ? નીવળ શુદ્ધ આત્મા આપ્યો છે. ક્યારેય પણ પાછો હતો એવો ના થઈ જાય. એટલે તમારી તૈયારી જોઈશે.
પોતે શુદ્ધાત્મા તો થયા એટલે પોતે ‘શુદ્ધ જ છું’ એવું માનવાનું. વખતે ચંદુભાઈમાં છે તે કર્મનો ઉદય કોઈ એવો હોય પૂર્વનો, જે સંસારના લોકોને ધૃણા ઉત્પન્ન થાય એવો હોય. તોય તમારે તમારું શુદ્ધત્વ જે છે, એનામાં ફેરફાર ના થવો જોઈએ. મેં તમને શુદ્ધ સ્વરૂપ આપેલું છે. પછી ઉદયકર્મ જો ગમે તે ભરેલાં હોય, તે નીકળ્યા કરે. પોતાનાથી ખરાબ કામ થઈ ગયું તો પોતાની જાતને હું બગડી ગયો છું કે અશુદ્ધ થઈ ગયો એવું થાય, એ શુદ્ધ ઉપયોગ ના કહેવાય. ગમે તેવું કામ પોતાનાથી થઈ ગયું છે, પણ હવે એ તો તારું નથી કામ, આ તું જુદો પડ્યો ને એ કામ કરનારો જુદો. તું અશુદ્ધ નથી થયો. જે અશુદ્ધ છે તે જ અશુદ્ધ થયું છે, સાથે એવી જાગૃતિ રહેવી જોઈએ.
હવે પછી બીજો તમને ગાળો ભાંડે છે એવું તમે મને ફરિયાદ કરો તો હું જાણું કે તમે શુદ્ધ ઉપયોગમાં રહ્યા નથી. એને શુદ્ધ જ જુઓ. એય શુદ્ધ જ છે અને આ જે ડખલ છે એ પુદ્ગલની કુસ્તી છે. કુસ્તી કોણ કરે છે? આ પુદ્ગલ અને માથે લે છે પોતે. અને પછી કહેશે કે આ ભાઈએ મારું અપમાન કર્યું. એટલે હું કહું કે તારો શુદ્ધ ઉપયોગ નકામો ગયો. શુદ્ધ ઉપયોગ ક્યારે ગણવામાં આવે છે કે બધાનામાં શુદ્ધ જ છે એમ જોવામાં આવે.
મહાવીર ભગવાનને ચોવીસેય કલાક જે શુદ્ધ ઉપયોગ રહેતો'તો. તે તમને પાંચ મિનિટ, દસ મિનિટ, પંદર મિનિટ થાય તો બહુ સારું.