________________
જ્ઞાતા દ્રષ્ટા
૧૫૫
પ્રશ્નકર્તા : હા. એ જો સમજાય તો પછી બહુ ગૂંચ નથી રહેતી. જોવા-જાણવાતું તત્ક્ષણે જ !
પ્રશ્નકર્તા : આ ચંદુભાઈની બધી ક્રિયાઓને ‘જોવાની’ જ છેને ? દાદાશ્રી : તમે પોતે આ બધી ક્રિયાના જ્ઞાતા થયા. ‘તમારે’ ‘સ્વરૂપ’માં રહેવું જોઈએ, જ્ઞાતા-દ્રષ્ટાપણું જ રહેવું જોઈએ, પછી શું વાંધો છે ?
પ્રશ્નકર્તા : એટલે અત્યારે હું આપની સાથે વાત કરતો હોઉં, એ વખતે મારે તો એને ‘જોવું’ જોઈએ કે આ ચંદુભાઈ શું બોલી રહ્યા છે !
દાદાશ્રી : હા, એ ના રહે તો પછી એ ફાઈલ પાછી ફરી ‘જોવી’ પડશે. પ્રશ્નકર્તા : હા. કારણ કે સાઈમલટેનીયસલી (સાથે સાથે), પાછળથી નહીં પણ એટ એ ટાઈમ રહેવું જોઈએ.
દાદાશ્રી : ના રહે તે જાગૃતિ ઓછી એટલી.
પ્રશ્નકર્તા : જ્યારે બનાવ બનતો હોય ત્યારે, હું એનો જ્ઞાતા-દ્રષ્ટા હોવો જોઈએ. આપણને પછી ખ્યાલ આવે પણ એ કામનું નહીં ને ?
દાદાશ્રી : છતાં પછી ખ્યાલ આવે, તો ય બહુ થઈ ગયું.
ફાઈલ જોયા વગર ગઈ તો ?
પ્રશ્નકર્તા : હવે જમતી વખતે જાગૃતિ ના રહી. એટલે પાછળથી જ્યારે જાગૃતિ આવે, ત્યારે ખંખેરી નાખે કે આ ખાનાર જુદો ને હું જુદો તો...
દાદાશ્રી : જુદું જ છેને એ તો !
પ્રશ્નકર્તા : પણ એ જુદું નથી રાખ્યું એથી તો બંધાયેલા.
દાદાશ્રી : તો ફરી નિવેડો કરીશું. ફરી વાર આ ફાઈલને ‘જોવી’
પડે. એક ફેરો ફાઈલમાં સહી થયા વગરની જતી રહી તો પછી ફરી સહી કરવી પડે. સહી કર્યા વગર તો જવા દેવાય જ નહીં.
૧૫૬
આપ્તવાણી-૧૨ (પૂર્વાર્ધ)
પ્રશ્નકર્તા : એટલે સહી એટલે શું ?
દાદાશ્રી : ‘જોયું’ એ સહી થઈ ગઈ. ‘જોયા’ વગર જો જતું રહ્યું, સહી રહી ગઈ ત્યાં. આપણે સહી કરીને જ જવું પડશે. તેમાં કંઈ સાહેબને ગાળો દેવાતી હશે એવું ? એક સહી જોઈએ, સિગ્નેચર.
પ્રશ્નકર્તા : એ સિગ્નેચર એટલે જરા બરોબર કહો. એ સિગ્નેચર એટલે કેવી રીતે વર્તે ?
દાદાશ્રી : જ્ઞાતા-દ્રષ્ટાભાવે ‘જોઈને' જાય ફાઈલ.
પ્રશ્નકર્તા : પણ આ ખાવાનું શરૂ કરે ત્યારે બોલે કે આહારી આહાર કરે છે અને હું નિરાહારી માત્ર તેને જાણું છું. પછી નિરાંતે બરોબર ખાય, તો એમાં સહી તો ક્ષણે ક્ષણે હોવી જોઈએને, જુદાપણાની ?
દાદાશ્રી : ના, એવું કંઈ નહીં. જ્યાં આગળ ભૂલ ખઈએ ત્યાં જોઈએ.
પ્રશ્નકર્તા : આખો દસ મિનિટ જમવાનો ટાઈમ પસાર થઈ ગયો અને એ દસ મિનિટ પછી ય જાગૃતિ નહોતી આવી. આજે દોઢ મહિના પછી ખબર પડી કે આ તો તે દહાડે જાગૃતિ નહોતી રહી, તો ત્યાં એ સહી કરવાની તો રહીને...
દાદાશ્રી : એ ફરી જમતી વખતે ફરી સહી થશે.
પ્રશ્નકર્તા : તે એ જે ચૂકી ગયા, એનું શું આવશે ?
દાદાશ્રી : એ ફરી સહી કરવી પડશેને !
પ્રશ્નકર્તા : પહેલાં જે જે ચૂક્યો એ બધું અત્યારે ‘જોયું’ એ સહી કરી કહેવાય ? એણે ક્યાં ચૂકી ગયો એનું જાગૃતિપૂર્વક બધું પૃથ્થકરણ કર્યું, એનું શું ફળ આવે ?
દાદાશ્રી : એ એમાં છે તે ફળ શાનું આવવાનું ? એ તો કરેક્ટ કર્યું એટલે એની એ જ ફાઈલ ફરી નહીં આવે.
પ્રશ્નકર્તા : એ સહી કરવાની રહી જાય એ ભૂલ કહેવાય ?