________________
આપ્તવાણી-૧૧
આપ્તવાણી-૧૧
૭૩
નાખો. ઉપયોગ આત્મામાં રાખવાનો છે.
પ્રશ્નકર્તા : હા, એ પ્રશ્ન કાઢી જ નાખવો જોઈએ.
દાદાશ્રી અને છેવટે ના ફીટ થાય તો આ મૂકી દીધું આમ, આવા એક-બે નહીં, આવા તો બધા, અટકી જવાના તો લાખો પ્રશ્નો છે !
પ્રશ્નકર્તા : આપે એક સરસ મૌલિક વાત કીધેલી કે તાવ આવ્યો અને ટપ થઈને મરી ગયા. લાંબુ કરવાનું નહીં !
દાદાશ્રી : હા, બસ એનો ઉકેલ આવે. અત્યારે તો આત્મા-આત્મા કરવાનો સરસ ટાઈમ મળ્યો છે !
આ સૂર્યનારાયણ જેવું છે. આમાં, એવી સૂઝ એ તટસ્થ વસ્તુ છે. જો વાદળા બહુ ઘનઘોર આવ્યા હોય, તો આપણું કામ બરોબર જેવું જોઈએ એવું થાય નહીં અને જો ચોખ્યું હોય તો થાય. એટલે એ સુઝને કશું લેવાદેવા નથી. એ તો એની મેળે એની જગ્યાએ છે, એટલે આ એનું જે અજવાળું છે, એ કામ કર્યા કરે. ઓછું અજવાળું હોય ત્યારે ઓછું કામ થાય. વધારે અજવાળું હોય તો વધારે કામ થાય એટલે આને આની જોડે ગ્રંથીમાં નથી, એ કંઈ સંકલનામાં નથી. આ સંકલનામાં એ આવતી નથી. આ સંકલનાનાં ભાગને જ આપણે વ્યવસ્થિત કહીએ છીએ. આ સૂઝ તો છેટે રહીને કામ કરે છે, પણ એ કર્તા નથી.
પ્રશ્નકર્તા : એ કર્તા નથી, તો કોણ કરે છે ?
દાદાશ્રી : આ સૂર્યનારાયણ છે તો આ અજવાળાથી લોકો કામ કરે છે, તેમાં સૂર્યનારાયણ શું કરે ?
પ્રશ્નકર્તા : હા, એ કર્તા નથી.
દાદાશ્રી : એની હાજરીથી કામ થયા કરે છે. પ્રશ્ન ફરી યાદ આવશે હવે ? સમાધાન થયું.
પ્રશ્નકર્તા ઃ હવે એડજસ્ટમેન્ટ થઈ જશે. દાદાશ્રી : ના, એવું ખોટું એડજસ્ટમેન્ટ નહીં કરવાનું. સમજીને
કરી નાખો, નહીં તો પછી બાજુએ મૂકી દેવાનું, અમારા જેવું ક્ષત્રિય થઈ જવાનું. એક બાજુ આત્મા સિવાય બીજી વાતને મારે શું કરવી છે ? આ દરિયામાં નાખી દીધું !
પ્રશ્નકર્તા : બાજુએ મૂકવાનો સ્વભાવ નથી. એ તો એડજસ્ટ થઈ જશે. એડજસ્ટમેન્ટ આવી જશે બરાબર.
દાદાશ્રી : આ સૂર્યનારાયણ જેમ ઊગે ને સૂર્ય જેમ તટસ્થ છે ને, એવું એ સુઝથી તટસ્થ રીતે કામ થઈ રહ્યું છે. એ સૂઝને નથી કહ્યું. આ સૂઝ પાંડવી, અજવાળું કરવું કે અંધારું કરવું, એવું છે નહીં. પોતે આમ સ્થિરતા કરે એટલે નિયમથી એને સૂઝ પડી જ જાય. પછી ઊંધે રસ્તે જનારાને ય પડે અને છતે રસ્તે જનારને ય, પણ બેઉનું તે વખતે અટકે નહીં, સૂઝ પડી જ જાય. એટલે અટક્યો હોય માણસ, હવે આગળ જવાનો રસ્તો જડતો નથી, તે ઘડીએ આમ કર્યું. તે ઘડીએ સૂઝ પડી જાય. પછી ઊંધે રસ્તે પણ જાય, અને છતે રસ્તે ય જાય. જેને જે રસ્તે જવું હોય એ રસ્તે જાય. એ ઉદયાધીન છે.
પ્રશ્નકર્તા : પાછો વ્યવસ્થિતનો જ ભાગ થયો ને એ !
દાદાશ્રી : ગયો એ વ્યવસ્થિતને આધીન એ ગયો. પણ તેમાં પેલી સૂઝ જે છે એ તટસ્થ વસ્તુ છે. તેને કશું લેવાદેવા નથી !
પ્રશ્નકર્તા : એને કોઈ બાજુ લેવાદેવા નથી. હવે સમજાયું. બરોબર
છે !
જુદો કર્તા ચાર્જ, ડિસ્ચાર્જ સમે !
પ્રશ્નકર્તા : આપ્તસૂત્રનું એક વાક્ય છે. “ચાર્જ વખતે કર્તા જુદો છે અને ડિસ્ચાર્જ વખતે કર્તા જુદો છે.”
દાદાશ્રી : ચાર્જ વખતે કર્તા જુદો હોય. ચાર્જ વખતે કર્તા તન્મયાકાર હોય. ‘હું કરું છું’ એ ભાન હોય તો ચાર્જ કહેવાય. તે વખતે કર્તા હોય જ. અજ્ઞાનીઓને ચાર્જ અને ડિસ્ચાર્જ બન્ને વખતે કર્તા હોય જ. અને જ્ઞાન આપણું લીધેલું હોય તેને ડિસ્ચાર્જ વખતે કર્તાપદ ના હોય.