________________
આપ્તવાણી-૧૧
૧૩
લિંક આત્મા તે વ્યવસ્થિત વચ્ચે !
પ્રશ્નકર્તા : આ જીંદગીમાં વ્યવસ્થિત શક્તિના તાબામાં શું અને આપણા તાબામાં શું ?
દાદાશ્રી : ભૌતિક બધું વ્યવસ્થિતના તાબામાં. અને આપણા તાબામાં છે તે રિયલ. જાગૃતિ બધી રિયલની, એ બધી આપણા તાબામાં, અને ભૌતિક બધું એના તાબામાં.
આ ચંદુભાઈ જ વ્યવસ્થિતને તાબે છે. તેને આપણે કહીએ, ‘હું ચંદુભાઈ છું’, તેના ઝઘડાં ચાલ્યા. હવે ‘તમને’ તમારું સ્વરૂપ મળી ગયું, એટલે તમે તમારે ઘેર રહી શકો છો. હવે જેને સ્વરૂપ ના મળી ગયું હોય તેને ‘હું ચંદુભાઈ છું, હું કરું છું' એમ જ રહે.
પ્રશ્નકર્તા : તો આત્મા અને વ્યવસ્થિત શક્તિ, એ બેની વચ્ચેની લિંક સમજાવો.
દાદાશ્રી : આ સંસારનો બધો વ્યવહાર છે તે વ્યવસ્થિત ચલાવી લેશે અને જે જાગૃતિ છે, જે પુરુષાર્થ છે, પાંચ આજ્ઞા પાળવાની એ તમારું કામ છે. બીજું બધું આ તમારું કામ નથી, આ વ્યવસ્થિતના
તાબામાં છે.
પ્રશ્નકર્તા : અનાત્મ વિભાગ વ્યવસ્થિત શક્તિના તાબામાં છે ? દાદાશ્રી : હા, બધો વ્યવસ્થિતના તાબામાં. આખા ચંદુભાઈ, બધું ય વ્યવસ્થિતના તાબામાં.
પ્રશ્નકર્તા : તો પાંચ આજ્ઞામાંથી વ્યવસ્થિતની આશા એ પ્રકૃતિના વિભાગને જ લાગુ પડે છે ને !
દાદાશ્રી : વ્યવસ્થિત ‘આપણ’ને સ્પર્શ કરતું જ નથી. આપણે તો આ ચંદુભાઈ કરી રહ્યા છે, એ વ્યવસ્થિતના આધીન કરી રહ્યા છે. એટલે હવે કોઈના તાબામાં નથી એ. એ ‘ચંદુભાઈ શું કરી રહ્યા છે' એને એક્ઝેક્ટ જાણીને જો લખી લે નોંધ, એટલે લખવાની નહીં, પણ લખ્યા
આપ્તવાણી-૧૧
૧૪
જેવું નોંધ રાખે લખ્યા જેવું જુએ, એ છે તે જ્ઞાતા-દ્રષ્ટા.
હવે તમે શુદ્ધાત્મા થયા. હવે આ સંસાર શું છે ? ત્યારે કહે છે, વ્યવસ્થિતના આધીન છે. એને તું જો, બધું જ જેટલું છે એટલું તું જો. એટલે એ બધું ધીમે ધીમે સહજ ભાવે ચાલ્યા કરશે અને તું જ્ઞાતા-દ્રષ્ટામાં રહી શકીશ, સ્વ-ઉપયોગમાં ! આટલું જ કહેવા માંગે છે એ. ત્યારે કહે છે, એમાં છે તે કોઈએ મારી મશ્કરી કરી, તો કહે ‘સમભાવે નિકાલ કરી નાખજે.' તે સમભાવે નિકાલ કરીને કામ લેજે, કોઈ ગમ્મે તેવું કરે તો ય. તારું ચોરી ગયો બધું ય, તું બહાર ગયો ને તાળું તોડીને ચોરી ગયો ને આવીને જોયું, તો કશું ય નહીં, વ્યવસ્થિત ! અને હવે સમભાવે નિકાલ કરી નાખ. આ બન્યું તે જ કરેક્ટ છે. જતું રહે તો ય ચિંતા નથી, એવું રાખવું જોઈએ. આ કંઈ સારું જતું નથી ને ખોટું ઊભું રહેતું નથી. એ તો એનો હિસાબ ચૂકતે કર્યા સિવાય જતા નથી.
પ્રશ્નકર્તા : આ પ્રકૃતિનો વિભાગ એમાં ડખલ કરવાનું બની જતું હોય, એને શું કહીશું ?
દાદાશ્રી : વ્યવસ્થિતની વસ્તુમાં ડખલ હોઈ શકે નહીં. ડખલ તો ‘આપણે’ કરીએ તો થાય.
પ્રશ્નકર્તા : આ ચંદુલાલથી જે ડખલ થઈ જતી હોય તો એ એનો અધ્યાસ કહેવાય એ ?
દાદાશ્રી : ના, અધ્યાસ નહીં. એ જ્ઞાનની ત્યાં આગળ જાગૃતિ મંદ થઈ ગઈ હોય. કોઈ આવે તો, ‘કેમ તું અહીંયા આવ્યો છું ?!' એ થયું એટલે ડખો કર્યો કે ડખલ ઊભી થઈ. ડખો કરવાનું નહીં, તે વખતે.
પ્રશ્નકર્તા : તો અમારે તો ફક્ત વ્યવસ્થિતના જ્ઞાનમાં રહેવાની અમને શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. એમ જ અમારે ‘દાદા’ પાસે માંગવાનું ને !
દાદાશ્રી : એ શક્તિ આપો, એ શક્તિ માંગવાની ખરી, પણ પાછું અભ્યાસમાં લેતા જવું. અભ્યાસમા આ આખો દહાડો ના થાય, પણ બે કલાક થઈ જાય. આપણે નક્કી કરીએ કે બે કલાક મારે કશું કોઈ રીતે