________________
૬૮
આપ્તવાણી-૧૧
આપ્તવાણી-૧૧
એટલે આ વિજ્ઞાન છે. ભગવાનની ય શક્તિ ન હોય આ. આ અણુની શક્તિ એટલી બધી છે કે એવી ભગવાનની ય શક્તિ નથી. એવું વિજ્ઞાન છે. પણ એ અણુ ય એકલું કશું કરી શકે એમ નથી. આ આત્મા ના હોય, ચેતન ના હોય, તો એય કશું કરી શકે નહીં. ચેતનની હાજરીથી આ બધું ઉત્પન્ન થાય છે. હા ! એટલે આ વિશેષભાવ ઉત્પન્ન થાય છે. એટલે આમ થઈ જાય તો બહુ સારું, આમ થઈ જાય તો ખરાબ, એવું આપણે જે ‘ખરાબ ને સારાં ખોટા’ કહીએ છીએ એ બધા, એ પ્રમાણે તરત પેલાં અણુ કરવા લાગે છે અને વળી કુદરત તો એથી ય આગળ લઈ જાય છે.
એ તો બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ બધા ભેગા થાય ત્યારે ઊંઘ આવે. નહીં તો ના આવે. એટલે આપણે કર્તા નથી. આ તો અહંકાર કરીએ છીએ કે હું ઊંઘી ગયો ને હું ઊઠયો. ને ઊઠવાની શક્તિ આપણી નથી, બધા એવિડન્સ ભેગા થાય તો ઉઠાય. એ નેચરલ શક્તિ છે.
ન બદલાય સંયોગો આત્માથી !
કોઈ માણસ, કોઈ નોકર પણ ફોડે નહીં આટલું ય. આપણા લોક તો નોકરે તોડ્યો તો કહેશે, ‘તારા હાથ ભાંગલા છે.” ને મૂઆ આ સેટ પોતે જાતે તોડ્યો હોય તો હાથ ભાંગેલા ના હોય. ન્યાય જ જાણતા નથી અને આ ઠોકાઠોક. જીવન જીવવાની કળા જ નથી એની પાસે.
પાંચસો ડોલર ખોવાઈ ગયા હોય ને, તો મહીં ઉપાધિ કર્યા કરે, બે કલાક સુધી તો મહીં ચિંતા ન કર્યા કરે. આ તો લાઈફ છે, તે આને લાઈફ કેમ કહેવાય તે ! કોઈ માણસ ખોઈ નાખે ખરો ? એ ખોવાયા એ સંજોગો કરે છે આ બધું. તમે નથી કરતા અને વાઈફે નથી કરતી અને નોકરો ય નથી કરતા. આ બધા સંજોગો કરી રહ્યાં છે. એટલે આ સમજવાની જરૂર છે, બીજું કંઈ સમજવાની જરૂર નથી.
જોબ જતી રહેવી” એ બોસના હાથના ખેલ નથી અને તમારા હાથના ખેલ નથી. બધા સંજોગો ભેગા થાય ત્યારે બોસને તમારા ઉપર નજર પડે. એટલે આપણે પકડાઈ જઈએ. એ પછી તમે ચિંતા કરો તો એ જોબ પાછી આવે ? જોબ પાછી આવતી હોય તો તમે ચિંતા કરો અને હું હઉં કરવા લાગું, લો. એટલે જે જોબ ગઈ તે દહાડે જમણ બનાવીને ખાવું નિરાંતે, ઉપાધિ નહીં કરવી. પણ ભગવાનનું નામ લેતાં આવડે તો લેવું, પણ આ ચિંતા કરવાથી તો ઊછું ફરી જોબે ય ના મળે. કુદરત હંમેશા ન્યાય કરે છે, એક સેકન્ડે સેકન્ડ ન્યાય કરે છે. એક દહાડો, એક મિનિટ પણ અન્યાય ત્યાં ચાલતો નથી. આ લોકો અન્યાયમાં ચાલે છે. કારણ કે આ દ્રષ્ટિ અન્યાયી દ્રષ્ટિ છે.
પ્રશ્નકર્તા: એ ન્યાયરૂપે દ્રષ્ટિ કેવી રીતે આવે કે આપણને પછી એ ન્યાય જ દેખાયા કરે કાયમ માટે.
દાદાશ્રી : એ અમે છે તે દ્રષ્ટિ આપીએ તો. પણ જયાં સુધી તમારે દ્રષ્ટિ ના મળે એવું હોય તેને અમારી પાસે શીખી લેવું જોઈએ કે ‘ભઈ, આ અમુક ટાઈમે અમારે શું કરવું, અમુક ટાઈમે શું કરવું.” એ બધું હું તમને એઝેક્ટલી કહું. અને તમારે પોતાને દ્રષ્ટિ જોઈતી હોય તો કાલે આવો તો હું તમને આપું, પછી તમારી પોતાની દ્રષ્ટિથી ચાલ્યા કરે. પછી મારી જરૂર ના રહે.
પ્રશ્નકર્તા : આત્મજ્ઞાન થાય પછી પોતે સંયોગો ફેરફાર કરી શકે કે નહીં ?
દાદાશ્રી : સંયોગો ફેરફાર કોઈથી થઈ શકે નહીં. કૃષ્ણ ભગવાનથી થયા નથી, ભગવાન મહાવીરથી થયા નથી, સંયોગો ફેરફાર થઈ શકે નહીં. કોણ ફેરફાર કરે ? અહંકાર હોય તે આઘુંપાછું કરે. જેને અહંકાર ના હોયને તે સંયોગોનો નિકાલ કરી નાખે. અને અહંકારવાળો ધકેલે એને. કહેશે, ‘આગળ આવજો, ફરી જોઈ લઈશું.” સંયોગ ફેરફાર થાય નહીં, અહંકારથી તો તે થોડોક જ આઘોપાછો થાય, સંપૂર્ણ આઘોપાછો ના થાય. એટલે સંયોગો ફેરફાર થાય નહીં. અત્યારે મને માથું દુ:ખવાનો સંયોગ ઊભો થવાનો તે થઈ જ જાય, એ શરૂઆત થઈ જાય, છોડે નહીં કોઈને. અને જ્યારે પ્યાલા-રકાબીનો સેટ તૂટવાનો હોયને, એ એક્કેક્ટ બધું સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ભેગા થાય કે તૂટી જાય.