________________
એ ‘પોતે’ દાન આપનાર શેઠથી આત્મભાવે જુદો જ રહે, અને મહીં સીધા કે વાંકા ભાવ થાય તેને જુદા રાખીને જુએ, તે જાણે કે આવા ભાવો થયા, એમાં એ તન્મયાકાર ના થાય, એમાં એની સહી ના હોય. તેથી તે આવી ને ખરી પડે. ને એ કર્મ પૂરું થાય. નવું ચાર્જ જ ના થવા દે ! એમાં એ પોતે રીએક્ટ જ ના થાય. પુરુષ થાય પછીનો આ રિયલ પુરુષાર્થ ગણાય.
પોતે શુદ્ધાત્માનુભવમાં રહી પ્રકૃતિની એકેએક ક્રિયાને, વિચારો, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વિ. ને જુદા જોયા કરે ને જાણ્યા કરે. તેમાં તન્મયાકાર ના થાય એટલે મહીં નિરંતર નિરાકુળતા, પરમાનંદ રહે. એટલે પ્રકૃતિ પણ ખપી જાય. પુદ્ગલ પરમાણુ ચોખ્ખાં થઈને વિદાય લઈ લે કાયમની ! બધાંના ક્લેઈમ પૂરા થાય.
જ્યાં સુધી આરોપિતભાવ છે ત્યાં સુધી કર્તાભાવ રહે ને કર્તાભાવથી કર્મ બંધાય. ‘હું ચંદુલાલ છું’ એ આરોપિત ભાવ, ‘હું કરું છું. એ કર્તાભાવ. અને રાત્રે ઊંઘમાં ય આ ભાવો ખસતા નથી. તેથી કર્મ ઊંઘમાં ય બાંધે છે ! ખરેખર વ્યવસ્થિત શક્તિ કરે છે ને પોતે માને છે કે “હું કરું છું.”
નાનો છોકરો ચોરી કરતો હોય તો તેને મારે, ટીપે. અરે, ચોરી કરી, એ તો કર્મફળ છે. ટીપાયો એ કર્મફળ પરિણામ છે ને કર્મ તો એ ગયા ભવમાં બાંધી લાવેલો તે છે. અત્યારે એકદમ તે કંઈ કોઈથી ચોરી થતી હશે ? હવે છોકરાંને વાળવો હોય તો તેને સમજાવીને-પટાવીને કે જરા ખખડાવીને એનો અભિપ્રાય બદલવો જોઈએ કે ચોરી કરવી એ ખોટું છે, ભયંકર ગુનો છે, તો એની મેળે પરિણામ બદલાય. આપણા લોક ઈફેક્ટને બદલવા જાય છે, જ્ઞાનીઓ કૉઝને બદલે છે એટલે ઈફેક્ટ એની મેળે જ બદલાઈ જાય. ઈફેક્ટ ક્યારે ય ફેરફાર ના કરી શકાય, એ સાયન્ટિફિક લૉ છે. કૉઝ બદલી શકાય. એટલે ઈફેક્ટ બદલવા ફરે તેનો સમય અને શક્તિ વેડફાય છે.
આ કર્મની થીયરીનું રહસ્યજ્ઞાન સમજે તો લોકોને ખૂબ જ શાંતિ રહે ને નવાં કર્મો બંધાતા અટકે ‘હું કરું છું.” માન્યતાથી કર્મબંધ થાય
અને ચંદુભાઈ કરે છે, ‘હું નથી કરતો’ એનાથી કર્મક્ષય થાય.
અખા ભગતે કહ્યું, જો તું જીવ તો કર્તા હરિ, જો તું શીવ તો વસ્તુ ખરી. કર્તા છૂટે તો છૂટે કર્મ, એ છે મહાભજનનો મર્મ.’
જીવ-શીવનો ભેદ ભૂંસાય તો કર્મનો કર્તા નથી રહેતો. પછી પરમાત્મા થવાની તૈયારીઓ !
શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું, છૂટે દેહાધ્યાસ તો, નહીં કર્તા તું કર્મ; નહીં ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.
જન્મથી મરણ સુધીનાં સર્વે ધૂળ કર્મો આ ભવમાં જ પૂરાં થઈ જાય ! જો પેડિંગ રહેતાં હોય તો તો પછી કોઈનો મોક્ષ થાય જ નહીં ને ?
જગતના લોકો ખીસું કપાયું ત્યાં અન્યાય થયો ગણે છે. એકનો એક છોકરો અકાળે મરે તેને અન્યાય ગણે છે વહુ સાસુને દુ:ખ દે છે તેને અન્યાય ગણે છે અને પછી ન્યાય ખોળે છે ને દુ:ખી દુ:ખી થાય છે ! ખરેખર, કુદરતના કાયદામાં આ જગતમાં જે બન્યું તે જ જાય છે ! અન્યાય થયું માની, બુદ્ધિ ન્યાય ખોળે છે, જે બનવું શક્ય જ નથી એના માટે. કારણ કે આ એનો કુદરતી હિસાબ આવીને ઊભો રહ્યો છે. જે બન્યું તે જ ન્યાય છે, એ સમજાઈ જશે તો એને જરાય ડખો નહીં થાય કે ભોગવટો નહીં આવે ગેરેન્ટીથી. અને વાસ્તવિકમાં તો તેમ જ છે.
પ્રારબ્ધ ને વ્યવસ્થિતમાં શું ફેર ? પ્રારબ્ધવાદીમાં અહંકાર હોય. વ્યવસ્થિત તો અહંકાર મર્યા પછીનું વિજ્ઞાન છે. પ્રારબ્ધમાં કર્મનો કર્તા ભોક્તા છે. વ્યવસ્થિતમાં કર્તાભાવ ઊડી ગયો, ભોક્તા જ રહ્યું.
વ્યવસ્થિત એ કર્મફળ દાતા છે. કર્મને વિસર્જન કરી આપે ને ફળ આપે એ વ્યવસ્થિત !
કર્મ ઉદય અને વ્યવસ્થિતમાં શું ફેર ? દાદાશ્રી સરળ દાખલામાં